હિન્દી ફિલ્મઉદ્યોગથી શરૂ થયેલું #MeToo અભિયાન ભારતમાં વેગવંતુ બન્યું છે. રોજેરોજ દિગ્ગજોના ચહેરા બેનકાબ થઇ રહ્યા છે. જોકે આમાં સૌથી વધુ ચર્ચાસ્પદ નામ છે ભારત સરકારના વિદેશ રાજ્યપ્રધાન અને એક જમાનાના વરિષ્ઠ પત્રકાર એમ. જે. અકબરનું. એકાદ-બે નહીં, પણ બાર-બાર મહિલા પત્રકારો અત્યાર સુધીમાં તેમની સામે જાતીય દુર્વ્યવહારના આક્ષેપ કરી ચૂકી છે. અકબરની વાણી-વર્તણૂક સામે અવાજ ઉઠાવનારી આ તમામ મહિલા પત્રકારો કોઇને કોઇ સમયે અકબર સાથે કામ કરી ચૂકી છે. આમાંથી કોઇએ તેમની પાસેથી કોઇ પણ પ્રકારનું આર્થિક વળતર માંગ્યું નથી. મતલબ સ્પષ્ટ છે કે નાણાંની લાલચે તેમણે આમ કર્યું નથી, પણ તેમણે #MeTooઅભિયાનથી પ્રેરાઇને જાહેરમાં આવવાની હિંમત કરી છે. આ મહિલાઓએ તો સામાજિક શરમ અને સંકોચવશ આ મુદ્દે જાહેરમાં આવવાનું ટાળ્યું હશે, પણ અકબરને તો જાહેરમાં આક્ષેપો થયા પછીય આ મુદ્દે કોઇ શરમ કે સંકોચ હોય તેવું જણાતું નથી. એ તો પોતાની આગવી દુનિયામાં વિહરી રહ્યા છે.
આક્ષેપો થયા ત્યારે અકબર ભારત સરકારના પ્રતિનિધિ તરીકે વિદેશ પ્રવાસે હતા. આશા અને અપેક્ષા એવા હતા કે ભારત પરત ફરતાં જ તેઓ આ મુદ્દે જરૂરી સ્પષ્ટતા કરીને નૈતિક્તાના મુદ્દે રાજીનામું આપી દેશે. ભારત પાછા ફર્યા બાદ તેમણે સ્પષ્ટતા તો કરી, પણ રાજીનામું આપવાનું નકારતા તેમણે કહ્યું કે ચૂંટણી ટાણે જ કેમ આવા આક્ષેપો થઇ રહ્યા છે? તેમણે એમ પણ કહ્યું કે અંગત પ્રતિષ્ઠા ખરડવાના ઇરાદે થયેલા આ આક્ષેપો રાજકીય દુર્ભાવના પ્રેરિત છે, અને પોતે રાજીનામું આપવાના નથી. તેમણે આક્ષેપ કરનારાઓ સામે કાનૂની કાર્યવાહી શરૂ કરી છે. બદનક્ષીની પહેલી નોટિસ પત્રકાર પ્રિયા રામાણીને મોકલી પણ આપી છે. અકબરે આ પગલું ભરીને આમ જુઓ તો એક કાંકરે બે પક્ષી માર્યા છેઃ એક તો તેમણે ખુરશી ટકાવવાનો સમય મેળવી લીધો છે. સહુ કોઇ જાણે છે કે ભારતમાં કોર્ટકાર્યવાહીમાં કેટલો સમય લાગી જતો હોય છે. અને બીજું, ભવિષ્યમાં બીજી કોઇ વ્યક્તિ તેમની સામે આક્ષેપ કરતાં પહેલાં - કાનૂની પગલાંની બીકે - બે વખત વિચારે. અકબરે આ જાણીને જ કાનૂની નોટિસનો પાસો ફેંક્યો છે એમ કહી શકાય.
ખેર, હવે મામલો કોર્ટમાં પહોંચ્યો છે એટલે તથ્યાતથ્યના આધારે નીરક્ષીર થશે જ, પણ અકબર ‘રાજકીય દુર્ભાવના’ની જે દલીલ કરી રહ્યા છે તેને તર્કની એરણે ચકાસશો તો જણાશે કે તેમાં કેટલું વજૂદ છે. એક વિદેશી સહિતની ૧૨ મહિલા પત્રકારોએ શું રાજકીય કાવતરાના ભાગરૂપે એક સંપ થઇને આક્ષેપો કર્યા હોઇ શકે? પહેલી નજરે તો આવું આગોતરું આયોજન શક્ય જણાતું નથી. વળી, અકબર ભાજપ કે એનડીએ સરકારમાં એવડું મોટું માથું પણ નથી કે રાજકીય વિરોધીઓ તેમને નિશાન બનાવીને કોઇ મોટો લાભ ખાટી શકે. ભાજપ કે એનડીએનો આજે રાષ્ટ્રીય સ્તરે જે વ્યાપક રાજકીય પ્રભાવ છે તેમાં અકબરનું યોગદાન કેટલું? જવાબની જરૂર જ નથી.
અકબર તો હવે તેમની સામે ઉઠતા દરેક સવાલ વેળા ‘મામલો કોર્ટમાં છે...’ એવો જવાબ આપીને સિફતપૂર્વક છટકી જશે, પણ ભાજપનું શું? પ્રવક્તાઓની લાંબી ફોજ ધરાવતા આ પક્ષના એક પણ નેતાએ ઘટનાની ટીકા કરવાનું યોગ્ય સમજ્યું નથી. આખરે તો ભાજપ એક એવું રાજકીય સંગઠન છે જે નૈતિક મૂલ્યોની ગાઇવગાડીને વાતો કરતું રહ્યું છે. ભાજપ હાઇકમાન્ડે એ ન ભૂલવું જોઇએ કે આ મુદ્દો નૈતિક્તા અને સ્ત્રી સન્માન સાથે જોડાયેલો છે, જેનો ભારતીય સમાજ હંમેશા આદર કરતો રહ્યો છે. ભારતના પૌરાણિક ગ્રંથોએ નારીશક્તિનું મહિમાગાન કરતાં અમસ્તું નથી કહ્યું કે યત્ર નાર્યેસ્તુ પૂજયન્તે રમન્તે તત્ર દેવતા, યત્રૈતાસ્તુ ન પૂજયન્તે સર્વાસ્તત્રાફલા: ક્રિયા અર્થાત્ જ્યાં સ્ત્રીઓને માન અને આદર અપાય છે ત્યાં સઘળા દેવોનો વાસ છે અને જ્યાં સ્ત્રીઓની પૂજા નથી થતી ત્યાં સઘળી ક્રિયાઓ નિષ્ફળ જાય છે. કોણ સાચું અને કોણ ખોટું એ તો હવે કોર્ટ નક્કી કરશે, પણ ત્યાં સુધી સરકાર અને સંગઠને અકબરને કોરાણે મૂકવામાં જ પક્ષનું હિત છે.
