ગરીબીનિવારણમાં ભારતની નોંધપાત્ર સફળતા

Tuesday 16th October 2018 15:17 EDT
 

ગરીબોની કોઈ નાત-જાત કે ધર્મના વાડા હોતાં નથી. દરેક ધર્મ, રાજ્ય, નાત-જાત અને વયમાં પરંપરાગત કચડાયેલાં જૂથો અસ્તિત્વ ધરાવે છે. સમગ્ર વિશ્વમાં આશરે ૧.૩ બિલિયન લોકો બહુપરિમાણીય ગરીબીમાં જીવે છે, જે આ માપદંડની ગણતરી કરાઈ તેવા ૧૦૪ દેશની વસ્તીના આશરે ૨૫ ટકા થવા જાય છે. આ ૧.૩ બિલિયન લોકોમાંથી ૪૬ ટકા તો અતિશય ગરીબીમાં જીવે છે. ભારતમાં વર્ષોથી ગરીબીનિવારણનું અભિયાન છેડાયું છે. જોકે, પૂર્વ વડા પ્રધાન ઈન્દિરા ગાંધીનાં શાસનકાળથી છેડાયેલાં આ અભિયાનની સફળતા વિશે હંમેશા શંકા રહી છે. એમ પણ કહેવાતું હતું કે ગરીબી દૂર કરવામાં નહિ પરંતુ, ગરીબોને દૂર કરવામાં અવશ્ય સફળતા મળી છે. જોકે, હવે આનંદના સમાચાર એ છે કે યુએન ડેવલપમેન્ટ પ્રોગ્રામ (UNDP)ના રિપોર્ટ અનુસાર ભારતે બહુપરિણામીય ગરીબીને ઘટાડવામાં હરણફાળ ભરી છે. ૨૦૧૮નો મલ્ટિડાઈમેન્શિયલ પોવર્ટી ઈન્ડેક્સ (MPI) રિપોર્ટ કહે છે કે ૨૦૦૫-૦૬થી ૨૦૧૫-૧૬ના દાયકામાં ભારતમાં ગરીબોનું પ્રમાણ ૫૪.૭ ટકાથી અડધોઅડધ જેટલું ઘટી ૨૭.૫ ટકા થયું છે. એટલે કે ૨૭૧ મિલિયન ભારતીયો ગરીબીરેખાની ઉપર આવી ગયા છે. વિકાસની આ સારી નિશાની છે.
યુએન ડેવલપમેન્ટ પ્રોગ્રામ અને ઓક્સફર્ડ પોવર્ટી એન્ડ હ્યુમન ડેવલપમેન્ટ ઈનિસિયેટિવ (OPHI)ના સંયુકત રિપોર્ટ અનુસાર દક્ષિણ એશિયાઈ દેશોમાં ભારતની સરખામણીએ માત્ર માલદિવ્સમાં ગરીબોનું પ્રમાણ ઓછું છે, જ્યારે નેપાળ (૩૫.૩), બાંગલાદેશ (૪૧.૧) અને પાકિસ્તાન (૪૩.૯)માં મલ્ટિડાઈમેન્શિયલ પોવર્ટીનું પ્રમાણ વધુ છે.
ભારતમાં અનેક સ્થળોએ ગરીબી જોવાં મળે છે પરંતુ, બિહાર, ઝારખંડ, ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશ રાજ્યોમાં તેનું પ્રમાણ વિશેષ છે. આ ચાર રાજ્યોમાં થઈને ૧૯૬ મિલિયન લોકો MPIની દૃષ્ટિએ ગરીબની કક્ષામાં છે, જે સમગ્ર ભારતના ગરીબોનાં કરતાં અડધાથી વધુ છે. આમ છતાં, ગરીબોની સ્થિતિ સુધરવામાં ઘણી પ્રગતિ થઈ જ છે, જેમાં ઝારખંડમાં સૌથી સારી પ્રગતિ છે. તેની પાછળ અરુણાચલ પ્રદેશ, બિહાર અને છત્તીસગઢ આવે છે. દિલ્હી, કેરળ અને ગોવામાં પણ ગરીબીનું સૌથી ઓછું પ્રમાણ જોવાં મળે છે. ફ્યુચર ડેવલપમેન્ટનાં ૨૦૧૮ના રિપોર્ટમાં અભ્યાસ મોડલ દ્વારા વિશ્વનાં વિવિધ દેશોમાં ઘટતી ગરીબીનું તારણ કઢાયું છે, જે અનુસાર ભારતમાં દર મિનિટે ૪૪ લોકો ગરીબી રેખાથી બહાર આવી રહ્યાં છે. અન્ય તારણ કહે છે કે ભારતમાં ૭૩ મિલિયન લોકો ગરીબીરેખા હેઠળ જીવે છે.
મલ્ટિડાઈમેન્શિયલ પોવર્ટી આંકમાં માત્ર આવકને ધ્યાનમાં લેવાતી નથી. લોકો અનેક રીતે ગરીબીનો અનુભવ કરે છે. આરોગ્ય, શિક્ષણ અને જીવનધોરણ તેના મુખ્ય માપદંડ છે, જેમાં પોષણ, બાળ મૃત્યુદર, શાળાકીય શિક્ષણ, શાળામાં હાજરી, સ્વચ્છતા, રાંધવાનું ઈંધણ, પીવાનું પાણી, વીજળી, હાઉસિંગ અને સંપત્તિ જેવાં ૧૦ ઈન્ડિકેટર્સ જોવાય છે. ભારતે મલ્ટિડાઈમેન્શિયલ પોવર્ટી ઘટાડવામાં નોંધપાત્ર સફળતા હાંસલ કરી હોવાં છતાં ૩૬૪ મિલિયન ભારતીયો આજે પણ આરોગ્ય, પોષણ, શાળાશિક્ષણ અને સ્વચ્છતાના ધોરણોથી અતિશય વંચિત છે. વિશ્વ આરોગ્ય સંસ્થાના વાર્ષિક અહેવાલમાં પણ ભારતની શાળાઓમાં સ્વચ્છતાની બાબતોમાં નોંધપાત્ર સફળતાની નોંધ લેવાઈ છે. વર્ષ ૨૦૦૦ અને ૨૦૧૬ના સમયગાળામાં સેનિટેશનની કોઈ સવલતો ન હોય તેવી શાળાઓની સંખ્યામાં ભારે ઘટાડો જોવાં મળ્યો છે.
ભારતમાં ગરીબીના મુદ્દે અન્ય નોંધ લેવા જેવી બાબત એ પણ કહી શકાય કે હંમેશા વાંકદેખી મહાસત્તા અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પણ આ રિપોર્ટને ધ્યાનમાં રાખી યુએન મહાસભા સમક્ષ પ્રવચનમાં ભારતમાં ગરીબીનિવારણના સફળ પગલાંની મુક્તમને પ્રશંસા કરી હતી.


comments powered by Disqus