તમે કેમ સતત કંઈને કંઈ ચિંતામાં રહો છો?

Wednesday 17th October 2018 07:00 EDT
 
 

ઘણી વખત આપણને એવું સાંભળવા મળે છે કે મારા તો નસીબ જ એવા ફૂટેલા છે કે સવાલનો જવાબ મળે ત્યારે ભગવાને આખું પેપર જ બદલી નાખ્યું હોય! મતલબ કે કોઈને કોઈ સમસ્યા તેમને ઘેરેલી જ રહેતી હોય છે! લોકો પોતાની તકલીફો માટે નસીબ કે ઇશ્વરને દોષ દેતા હોય, પરંતુ તાજા સંશોધન મુજબ આ માટે ખરેખર તો મગજ જવાબદાર છે! મુશ્કેલીમાં મૂકાયેલી વ્યક્તિ મહદ્ અંશે ઘણી સમાન સ્થિતિ અંગે વિચારતી હોય છે, જેમાં તેની સમસ્યા કદી તેનાથી દૂર થતી જ ન હોય! બસ, તે આ સ્થિતિની સરખામણી કરતા રહે છે. ટેક્નિકલ ટર્મમાં આ સ્થિતિને કોન્સેપ્ટ ક્રીપ કહે છે. એ ખરેખર તો હતાશ કરી દેતો અનુભવ છે. આ સ્થિતિમાં તમે સમસ્યાનો ઉકેલ શોધવાની દિશામાં પ્રગતિ કઈ રીતે કરી શકો? કેમ કે મગજ સતત સરખામણી કરીને ઘટના મૂલવતું રહે છે, તેથી જૂની સમસ્યા પણ યાદ આવતી જ રહે છે!
મગજની કાર્ય કરવાની આ પદ્ધતિને કારણે તમારી સમસ્યા ઉકેલાઈ ગયાને વર્ષો વીતી જવા છતાં તે સમસ્યા તમારી યાદદાસ્તમાંથી પીછો છોડતી નથી. સરળ રીતે સમજીએ તો કોઈ વખત તમને અકસ્માત થયો હોય અને તેને કારણે ઈજા થઈ હોય. એ જ વાત ફરી વખત અકસ્માત થાય ત્યારે પણ એ જૂના અકસ્માતની યાદ આવી જાય અને એ વખત કરતાં તાજા અકસ્માતમાં ઈજા વધારે થઈ કે ઓછી એ વાતની સરખામણી મગજ કરે અને પછી તમને નિષ્કર્ષ આપે કે ચાલો, એ વખતે તો પગ તૂટી ગયો હતો, આ વખત તો ફક્ત પગમાં છોલાઈ જ ગયું છે. મતલબ કે પેલો જૂનો ભય ફરી બેઠો થઈ ગયો છે. વાત જૂની છે, છતાં નવા અકસ્માત સાથે જ એ તમારા મગજ પર સવાર થઈ જાય છે.
એ માટે એક અભ્યાસ થયો હતો, જેમાં લોકોને કમ્પ્યૂટર પર ચહેરા દેખાડાયા હતા. એ ચહેરા પરથી ખૂંખાર કોણ છે, કોનાથી તમને વધુ ભય લાગ્યો એ નક્કી કરવાનું કામ અભ્યાસમાં સામેલ લોકોને સોંપાયું હતું. જેમાં વ્યક્તિ એક ચહેરો નિહાળ્યા બાદ એ પછી દેખાડાતા ચહેરાની સરખામણી અગાઉના ચહેરા સાથે જ કરતી રહે છે. દરેક વખતે તમારુંં મગજ તમને પહેલા ચહેરા સાથે બીજા ચહેરાની સરખામણી કરાવતું રહેશે, તેને કારણે એ પહેલો ચહેરો તમારી સામેથી ખસશે જ નહીં.
સાયકોલોજી અને ન્યુરોસાયન્સના નિષ્ણાતોના મતે આ પ્રકારની વર્તણૂંક આપણું મગજ જે રીતે કામ કરે છે તેથી પેદા થાય છે. આપણે સતત સરખામણી કરીને નિર્ણય લેતા હોઈએ છીએ. સરખામણીની આ પ્રક્રિયા દરેક મુદ્દે થતી રહે છે.


comments powered by Disqus