સામાન્ય રીતે કેન્સર જેવો ખતરનાક રોગ લાગુ પડ્યો છે એ જાણતાં જ વ્યક્તિના મનમાં મોતનો ભય ઘર કરી જાય છે કે હવે જિંદગીમાંથી આપણી એકઝીટ નક્કી! આ એક સામાન્ય માનવીની સોચ છે. એની સામે ઝઝૂમી મહાત કરવાની હિંમત તો ભાગ્યે જ કોઇ વીરલામાં હોય છે! તમે કહેશો, જવા દો એ વાત, એ તો જેના પર વીતે એને જ ખબર પડે! આપની વાત એકદમ સાચી છે પણ હું આજે જે વાત કહેવાની છું એ પણ સાવ સાચી હકીકત છે. આ વીરલા એક બહેન છે. એમનું નામ માલતીબેન ખખ્ખર. રહેવાસી રાજકોટના. એમના પતિ શ્રી ભૂપેન્દ્રભાઇ ખખ્ખર. જાણિતા બીઝનેસમેન અને હોટેલીયર. આપે રાજકોટની ચૌકી ધાનીનું નામ તો સાંભળ્યું હશે! જાણીતું વેડિંગ વેન્યુ. તાજેતરમાં આ દંપતિ એમના જીવનની કટોકટીના વર્ષે જન્મેલ અને આજે ૧૩ વર્ષના થયેલ બે ગ્રાન્ડ ચિલ્ડ્રનને લંડન ફરવા લઇ આવ્યા હતા. એમણે ગુજરાત સમાચાર કાર્યાલયની મુલાકાત લીધી અને તંત્રીશ્રી સી.બી.પટેલે વાતવાતમાં એમની વીરતાની કથનીને વાચકોના હિતમાં રજુ કરવાની તક ઝડપી લીધી. તત્કાળ મને ફોન કર્યો અને આ બેનની વાત સાંભળી એક સરસ પ્રેરક લેખ લખવાનું સૂચન કર્યું. મેં તરત જ વધાવી લીધું. આ દંપતિ મને મળવા આવ્યા અને એમની વાતો મારા હ્દયને પણ સ્પર્શી ગઇ. મને ખાત્રી છે કે, વાચક મિત્રો, આપને પણ એ હિંમત અને પ્રેરણાની જડી બુટ્ટી જેવી લાગશે.
એમની સાથે મારી મુલાકાત થઇ. પૈસે ટકે ખૂબ જ સુખી દંપતિ. સ્વભાવે સરળ. "ન જાણ્યું જાનકી નાથે…."ની જેમ અચાનક ૨૦૦૫ની સાલમાં માલતીબેનના કમરમાં અસહ્ય દુ:ખાવો ઉપડ્યો. તરત જ ડોક્ટર પાસે ઉપડ્યાં. દાક્તરી તપાસ બાદ બોંબ ધડાકો થાય એમ ડોક્ટરે કહ્યું કે, બેનને થર્ડ સ્ટેજનું ઓવેરીયન કેન્સર છે અને તાત્કાલિક ઓપરેશન કરાવવું પડશે. એમના પતિ તો ભાંગી પડ્યા પણ માલતી બેન જેનું નામ, એમણે તો કહ્યું મને શું કામ થયું? ડોક્ટરે સલાહ આપી કે, જો તમે એને દર્દ તરીકે નહિ, દોસ્ત તરીકે અપનાવી લેશો તો તરી જશો. એમણે તો ડોકટરની એ શીખ ગાંઠે બાંધી દીધી અને પતિને હિંમત આપી, તમે ચિંતા ના કરો!
સવાલ એ હતો કે એ સમયે એમની દિકરી અને વહુ બન્ને સગર્ભા હતા અને ૯મો મહિનો ચાલતો હતો. એટલે માલતીબેનને કેન્સર થયું છે એ વાતની જાણ એ બન્નેને થાય તો મીસ કેરેજ થવાની સંભાવના રહે એ ખાસ ધ્યાન રાખવાનું. આટલી મોટી ટ્રીટમેન્ટને સંતાડી રાખવી, એ પણ નિજનાથી! કેટલું કપરૂં કામ? રાજકોટની હોસ્પીટલમાં ઓપરેશન થયું. એ પછી ૬ જેટલા કીમો તો લેવા જ પડે! કીમો બાદ માથા પરના વાળ પણ ખરી પડે એટલે ક્યાં સુધી, કેવી રીતે આ વાત દબાવી રાખવી એ મોટી મૂંઝવણ!
દર ૨૧ દિવસે સીસરયેટીન અને કારગોપ્લેટીનના કહો ને કે ઝેરના ઇંજેક્શન લેવાના. ઘરમાં બે જ માણસ રહે. કિચનમાં માલતીબેન પાણી લેવા ગયા અને પડી ગયા, બે ભાન થઇ ગયા. તાત્કાલિક હોસ્પીટલમાં લઇ ગયા. કાર્ડિયાક એરેસ્ટ હતો. અમદાવાદની એપોલો હોસ્પીટલમાં દાખલ કર્યા અને ડોક્ટરોએ કહી દીધું કે, તમારા વાઇફ લાંબુ નહિ જીવે! ત્રણ મહિના છે એમની પાસે! ડૂબતો માણસ તરણું પકડે એમ અમે પણ ઓલ્ટરનેટીવ થેરાપીનો સહારો પણ સાથે લીધો. વૈદ, હોમિયોપેથ અને પતંજલિ આશ્રમની દવા શરૂ કરી. હિંમતથી સામનો કર્યો. યોગ, પ્રાણાયામ નિયમિત શરૂ કરી દીધાં. પતંજલિ આશ્રમની સાત વર્ષ દવા લીધી. માલતીબેન માટે પહેલા ત્રણ વર્ષ ભારે ગયા પણ હિંમતે મર્દા તો મદદે ખુદા ની જેમ તેઓ કેન્સરને હરાવવામાં સફળ થયા. તેઓ કહે છે કે, કેન્સરથી જે ડરી જશે એ ગુજરી જવાના છે. કેન્સર કોઇ દિવસ મરતું નથી, એનો ડર રાખવો નહિ! એની સાથે દોસ્તી કરવી. રડવાનું કે નાસીપાસ થવાનું નહિ એવો મક્કમ નિર્ધાર કર્યો અને અડગ ખડકની માફક બિમારી છે જ નહિ એમ માની બિન્દાસ્ત બની ગયા.
હવે તો રોજ અઢી કલાક ચાલવાનું અને બધું જ ઘરકામ કરવા સાથે માલતીબેન પૂરાં સ્વસ્થ બની ગયાં છે. એમને જુઓ તો માન્યામાં ન આવે કે એમને કેન્સર થયું હશે.
બિમારીને બાય બાય કર્યા બાદ ૨૦૧૮ સુધીમાં દેશ-વિદેશના અઢારેક પ્રવાસ ખેડ્યાં જેમાં ૧૧ મહિનામાં બે વાર ચાર ધામ યાત્રા પણ કરી. હજી ભૂતાન, જાપાન જવાનું સપનું છે. કેન્સરને નજર અંદાજ કર્યું અને એ ફરી પાછું આવશે કે કેમ એની ચર્ચા કે ચિંતાથી દૂર રહે છે.
પોતે આ ઘાતમાંથી બહાર નીકળ્યા બાદ હવે તો કેન્સરના દર્દીઓને સલાહ-સૂચન આપવાનું કામ પણ કરે છે. સૌને હિમત અને પ્રેરણા આપે છે. જેની આર્થિક સ્થિતિ નબળી હોય એને નાણાંકીય સહાય પણ કરે છે. દર્દીઓના ઘરે ઘરે જઇ સમજાવે છે કે, કેન્સરથી ગભરાશો તો એ ખાઇ જશે. માલતીબેનની હિમતને દાદ આપતા એમના પતિદેવે તો એમને મહારાણી જોધાબાઇનું બિરૂદ આપ્યું છે.
શ્રીનાથજીમાં અખૂટ શ્રધ્ધાને કારણે શ્રી ભૂપેન્દ્રભાઇ શ્રીનાથજીની ઝાંખીના અલૌકિક દર્શન ગામે ગામ ફરી કરાવે છે. ૩૬ કલાકારો સાથેના આ શો તેઓ વિના મૂલ્યે કરે છે. સત્સંગ સાથે ચેરિટિ કાર્યોને પણ સપોર્ટ કરી નોંધપાત્ર અનુદાન આપે છે. તેઓ માને છે કે, તમે તમારૂં પર્સ સારા કાર્યોમાં ખાલી કરી દેશો તો ઠાકોરજી બમણું ભરી દેશે.
ધન્ય છે આવા દંપતિને!

