દારૂનું વ્યસન છોડી હેલ્ધી થવા કપિલ શર્મા આયુર્વેદના સહારે

Wednesday 17th October 2018 07:27 EDT
 
 

ટૂંકી સફળતા મેળવી ચૂકેલા સ્ટાર કપિલ શર્મા મનોરંજન ઇન્ડસ્ટ્રીમાં પોતાનું સ્થાન પુનઃ બનાવવા ઇચ્છી રહ્યો છે. જે માટે તે ગંભીરતાથી પ્રયાસ કરી રહ્યો છે. કપિલને લઇને એક નવા શોની યોજના થઇ રહી છે. જે દિવાળીની આસપાસ શરૂ કરવામાં આવે તેવી શક્યતા છે, પરંતુ આ પહેલા કપિલે પોતાનું વજન ઘટાડવું પડશે તેમ જ વ્યસનથી છૂટકારો પણ મેળવવો પડશે. આ માટે તે હાલ બેંગલુરુના એક આયુર્વેદિક આશ્રમમાં પહોંચી ગયો છે.
કપિલ સાથે જોડાયેલા લોકો કહે છે કે, તે ભરપૂર માત્રમાં શરાબ પીતો હતો. તે પોતે પણ આ કુટેવથી છુટકારો મેળવવા ઇચ્છે છે. તેમજ તેણે ઓછામાં ઓછું ૧૫ કિલો જેટલું વજન ઘટાડવું પડશે. તે બેંગલુરુના એક આર્યુવેદિક આશ્રમમાં દાખલ થયો છે, જ્યાં તેણે ઓછામાં ઓછા બે અઠવાડિયા સુધી રહેવું પડશે. તેણે આશ્રમની લાઇફસ્ટાઇલને અનુસરવું પડશે. કપિલ ૨૮મી ઓકટોબરે પાછો આવશે અને પોતાના શોની તૈયારી શરૂ કરશે.
ઉલ્લેખનીય છે કે આ જ આશ્રમમાં કપિલ એક વરસ પહેલાં પણ ગયો હતો, પરંતુ કોર્સ અધૂરો છોડીને પાછો આવી ગયો હતો. તેણે ફરી શરાબ પીવાનું શરૂ કરી દીધું હતું. પરંતુ આ વખતે તે દૃઢ ઇરાદાથી ગયો છે. કપિલને હવે તેની કારકિર્દીની ચિંતા સતાવી રહી છે.
કપિલને અહીં આવવાની પ્રેરણા ટ્વિન્કલ ખન્નાના એક પુસ્તકથી મળી છે. તે અક્ષય કુમારની લાઇફસ્ટાઇલથી પ્રભાવિત છે. તેને અક્ષયની માફક ફિટ રહેવાની ઇચ્છા થઇ છે.


comments powered by Disqus