લંડનઃ ચોરી અને લૂંટના શ્રેણીબદ્ધ બનાવો બાદ પોલીસે આ દિવાળીના તહેવાર દરમિયાન ઘરમાં સોનાના ઘરેણાં અને કિંમતી ચીજો ન રાખવા પરિવારોને ચેતવણી આપી હતી. લંડનમાં ગયા વર્ષે એશિયન લોકો ભોગ બન્યા હોય તે સહિત લૂંટના કુલ ૧,૮૯૧ કિસ્સા બન્યા હતા. તેમાં ૯ મિલિયન પાઉન્ડની કિંમતના સોનાના ૬,૩૬૯ દાગીના ચોરાયા હતા.
એશિયન, જ્યૂઈશ અને માલ્ટિઝ પરિવારો વારસામાં મળેલા કિંમતી ઘરેણાં તહેવારોમાં પહેરવા માટે પોતાના ઘરમાં રાખતા હોવાથી લૂંટારાની ગેંગ ઘણી વખત તેમને લક્ષ્ય બનાવે છે. નવરાત્રિ ચાલી રહી છે અને આવતા મહિને દિવાળી આવે છે ત્યારે પોલીસે લૂંટનો ભોગ બનેલા એશિયન દંપતીનો વીડિયો જાહેર કર્યો હતો.
સાઉથવેસ્ટ લંડનના રિચમન્ડમાં રહેતું આ દંપતી ઘરમાં ટીવી જોતું હતું ત્યારે તેમને કશુંક ખખડતું હોય તેવો અવાજ આવ્યો. અચાનક જ ધસી આવેલી એક વ્યક્તિએ ૭૭ વર્ષીય વૃદ્ધાના ગળે ચીઝલ મૂક્યું અને તેની પાસે જે કંઈ સોનું હોય તે આપી દેવાની ધમકી આપી. ગેંગના અન્ય સાથીઓએ તેઓ ઘરમાં જ્વેલરીની શોધખોળ કરી શકે તે માટે ૮૨ વર્ષીય પુરુષને ઉપરના માળે જવાની ફરજ પાડી હતી. ફેબ્રુઆરીમાં થયેલી આ ઘટનામાં તેઓ ૧,૨૬૦ પાઉન્ડની જ્વેલરી લૂંટી ગયા હતા. સાઉથઈસ્ટ લંડનના બેક્સલીમાં અન્ય દંપતીને ત્યાં પણ આવી રીતે જ લૂંટ થઈ હતી.
ડિટેક્ટિવ કોન્સ્ટેબલ લીઝા કિલીએ જણાવ્યું હતું કે સોનાની સામે ઝડપથી મોટી રકમ મેળવી શકાય છે અને ઓળખ પણ ગુપ્ત રહે છે તેથી ગુનેગારો મોટે ભાગે સોનાની ચોરી કરવાનું ઈચ્છે છે.

