બોચાસણવાસી શ્રી અક્ષર પુરુષોત્તમ સ્વામીનારાયણ સંસ્થા (BAPS) ના વડા પ.પૂ. મહંત સ્વામી હાલ ધારી ખાતે વિચરણ કરી રહ્યા છે. તેઓ તા.૧૪ ઓક્ટોબરને રવિવારે મહુવાથી ધારી પધાર્યા હતા. અગાઉ તા.૯ને મંગળવારે ભાવનગરમાં પૂ. મહંત સ્વામીની નિશ્રામાં છાત્રાલય દિન ઉજવાયો હતો. તેમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ છાત્રાલયના મહિમા વિશે રજૂઆત કરી હતી. બુધવારને તા.૧૦મીએ પૂ. મહંત સ્વામી ભાવનગરથી ગુરુ પરંપરાના દ્વિતીય આધ્યાત્મિક વારસ પૂ. ભગતજી મહારાજના જન્મસ્થળ એવા મહુવા ખાતે પહોંચ્યા હતા, જ્યાં તેમનું ભવ્ય સ્વાગત કરાયું હતું. તા.૧૧ને ગુરુવારે ગુરુ રુચિ દિનની ઉજવણી કરાઈ હતી. તેમાં ગુરુની રુચિ સંપ છે અને સંપ જાળવવા સૌને પ્રેરણા મળે તેવો સંવાદ બાળકો અને યુવાનોએ રજૂ કર્યો હતો. પૂ. મહંત સ્વામીએ આશિર્વચન પાઠવતા સૌ હરિભક્તોને સંપ, એકતા અને સદભાવના ગુણોને વધુ દ્રઢ બનાવવાની શીખ આપી હતી. તા.૧૨ને શુક્રવારે ગુરુ પ્રાપ્તિ દિન ઉજવાયો હતો. તેમાં કેવા ગુરુ મળ્યા તે વિશે રજૂઆત થઈ હતી. જેમાં પૂ. પ્રમુખ સ્વામીના જીવન અને કાર્ય વિશે બાળકો અને યુવાનોએ નૃત્ય નાટીકા રજૂ કરી હતી. તા.૧૩ને શનિવારે ગુરુ ભક્તિ દિનની ઉજવણી કરવામાં આવી હતી. તેમાં હરિભક્તોએ હરિકૃષ્ણ મહારાજની રજત તુલા કરી હતી. તા.૧૪ને રવિવારે પૂ. મહંત સ્વામી ગુરુ પરંપરાના ચતુર્થ આધ્યાત્મિક વારસ પૂ. યોગીજી મહારાજના જન્મસ્થળ એવા ધારી ખાતે પહોંચ્યા હતા. સ્વાગત બાદ વિશેષ સભાનું આયોજન કરાયું હતું. તા.૧૬ને સોમવારે બાળદિનની ઉજવણી કરાઈ હતી. બાળકોએ સંવાદ અને નૃત્ય રજૂ કર્યા હતા. પૂ. મહંત સ્વામીએ તેમની કળાથી ખૂબ પ્રભાવિત થઈને બાળકોને આશીર્વાદ પાઠવ્યા હતા. પૂ. મહંત સ્વામી તા.૧૮ સુધી ધારીમાં રોકાણ બાદ વિચરણ માટે ગઢડા જશે.

