काकः कृष्णः पिकः कृष्णः को भेदः पिककालयोः ।
वसन्त समये प्राप्त काकः काकः पिकः पिकः ।।
(ભાવાર્થઃ કાગડો કાળો છે (અને) કોયલ પણ કાળી છે. (તો પછી) કોયલ અને કાગડામાં શો ફરક છે? એ તો વસંતઋતુ બેસતાં જ ખબર પડે છે કે કાગડો એ કાગડો જ છે અને કોયલ તે કોયલ જ છે.)
માનવ સ્વભાવથી જ કોઈ ઉપર વિશ્વાસ કરવા ચાહે છે અને કોઈ ઉપર શંકા કરવા ચાહે છે. કારણ કે માનવ એક સામાજિક પ્રાણી છે. પરંતુ કોનો વિશ્વાસ કરવો અને કોનો અવિશ્વાસ કરવો? વ્યક્તિની ચારેબાજુ કેટલાંય લોકો પથરાયેલાં હોય છે. તે બધા જ માનવો હોય છે. વળી તે બધા જ સજ્જન માનવનું મહોરું પહેરીને બેઠેલાં હોય છે. ત્યારે ખરું સજ્જન કોણ? ખરેખર કોનો વિશ્વાસ કરવો તે કેવી રીતે જાણી શકાય?
સુભાષિતકાર અહીં કાગડા અને કોયલનું ઉદાહરણ આપે છે. કાગડો અને કોયલ, બન્નેનાં રંગ તો એક જ છે. પરંતુ જ્યારે વસંતઋતુ આવે છે ત્યારે આપણને કોયલની બોલીથી ખ્યાલ આવી જાય છે કે કોણ કોયલ છે અને કોણ કાગડો.
સુભાષિતકાર કેટલું મોટું પ્રતીક અહીં આપી દે છે! કોયલનું બોલવું અર્થાત્ થતી, કરાતી એક ક્રિયા. જે માનવ કાગડાસમાન ગંદા કાર્યોમાં રચ્યોપચ્યો રહે છે તે અને જે માનવ કોયલ સમાન મધૂકંજોમાં ગૂંજનનું કાર્ય કરે છે તે બન્ને કરે છે તો કાર્ય જ, પરંતુ બન્નેનાં કાર્યો અલગ છે.
બન્નેના કાર્યોની કક્ષા અલગ છે. ભલેને બન્નેનો વર્ણ એક જ હોય!એ જ રીતે સમાજમાં વ્યક્તિનો જેની કોઇની સાથે સંબંધ છે તે બધા જ ‘સ્વજન’ નામનો અંચળો ઓઢીને બેઠાં છે, પરંતુ સમય આવ્યે તેમનાં કાર્યો બોલે છે કે કોણ ખરેખર સ્વજન છે, જે કોયલની માફક જીવનને મીઠાશ આપવા સમર્થ છે. અને કોણ કાગડો છે જે જીવનને કેવળ કર્કશતાથી જ ભરી મૂકે છે, સ્વજન હોવા છતાં પણ.
ભર્તૃહરિ નીતિશતકમાં મિત્રની ઓળખ માટે કંઈક આવું જ કહે છે કે આકાશમાં ઘણાં વાદળો હોય છે પણ તેમાંથી વરસે છે તો કેટલાંક જ. બાકીનાં તો ખાલી ગડગડાટ જ કરી જાણે છે. જો સારા સ્વજન, હિતેચ્છુ, કે મિત્રને ઓળખતા આવડે તો જીવન પણ આમ્રકુંજની જેમ મહેકી ઉઠે અને મીઠાં ટહુકારથી ભરાઈ જાય.
