લંડનઃ ફેલ્થામના ૫૬ વર્ષીય કુલ પાન્ડેએ ગત ૧૬ નવેમ્બર ૨૦૧૬ની સાંજે બેદરકારીપૂર્વક મર્સિડીસ કાર હંકારીને હાઉસ ઓફ લોર્ડ્સના ૮૮ વર્ષીય ભૂતપૂર્વ સભ્ય થોમસ ટેલરના સ્કૂટરને ટક્કર મારી હતી. એક અઠવાડિયાની સારવાર બાદ બ્લેકબર્નના લોર્ડ ટેલરનું મૃત્યુ થયું હતું. ગ્રેટ કોલેજ રોડ પર આવેલા જંક્શન નજીક આ અકસ્માત થયો હતો.
મેટના રોડ એન્ડ ટ્રાન્સપોર્ટ પોલીસીંગ કમાન્ડના ડિટેક્ટિવોએ તપાસમાં પૂરવાર કર્યું હતું કે પાંડેએ ઝેબ્રા ક્રોસિંગ પરથી પસાર થઈ રહેલા લોર્ડ ટેલરને જોયા જ ન હતા. આ ગુનામાં પાંડેને ઓલ્ડ બેલી કોર્ટે ગુનેગાર ઠેરવીને ૨૪ અઠવાડિયાની બે વર્ષ સુધીની સસ્પેન્ડેડ જેલ અને ૨૦૦ કલાક કોમ્યુનિટી સર્વિસની સજા તેમજ ડ્રાઈવિંગ કરવા માટે ત્રણ વર્ષ સુધી ગેરલાયક ઠેરવ્યા હતા.

