(હજારો વર્ષ પુરાણી હિન્દુ ધર્મ પરંપરા સંસ્કાર-સંસ્કૃતિનો ભવ્યાતિભવ્ય વારસો ધરાવે છે, પરંતુ કેટલાક તકસાધુઓએ આ જ ધર્મને કમાણીનું સાધન બનાવી દીધો છે. કહેવાતા ગુરુઓ, કથાકારો કઇ રીતે ધર્મના નામે પોતાનો સ્વાર્થ સાધતા રહે છે તેનો આક્રોશ અમેરિકામાં વસતા લેખક નવીન બેન્કરે આ લેખમાં હળવી શૈલીમાં ઠાલવ્યો છે. આ લેખ નરહરી રાવલે ઇ-મેઇલ મારફતે જગદીશ પંડ્યાને મોકલ્યો હતો. જગદીશભાઇના સૌજન્યથી આ લેખ શબ્દશઃ અહીં રજૂ કર્યો છે.)
જુન-જુલાઈ મહિનાના અંગ્રેજી કે ગુજરાતી અખબારોની જાહેરાતો જોતાં, તમને એક વાત ઉડીને આંખે વળગશે કે મોટા ભાગના હિન્દુ સંપ્રદાયોના ગાદીપતિઓ અમેરિકાના વિવિધ મોટા મોટા શહેરોમાં પધારીને આ દેશની ધરતીને પાવન કરી રહ્યાનું પૂણ્ય કરી રહ્યા છે. કોઇ પોતાના સંપ્રદાયના નવા મંદીરના શિલાન્યાસ માટે આવ્યા છે તો કોઇ પોતાના ભક્તોની ધર્મપિપાસા સંતોષવા ભાગવત કથાઓની લાલ પુંઠાવાળી, દોરડા બાંધેલી - સોરી, નાડાછડી બાંધેલી - પવિત્ર પોથીઓ લઈને પધાર્યા છે. પાછા જતી વખતે એમના મોટેલવાળા, લીકર્સ સ્ટોર્સના માલિકો અને રીયલ એસ્ટેટના માંધાતા ભાવિક ભક્તજનો, હવાલા વડે હજ્જારો ડોલર્સ તેમને પવિત્ર ધર્મભૂમિ ભારત કે જે ભગવાનોને જન્મ લેવા માટેની એક માત્ર પવિત્ર ધર્મભૂમિ છે ત્યાં પહોંચાડવાના છે. છેલ્લા સોળ કે સત્તર વર્ષથી કેટલાક ભાગવત કથાકારો, અમેરિકામાં દર વર્ષે આ સીઝનમાં પધારે છે અને પોતાની મેસ્મેરાઇઝ્ડ વાણીથી, પોતાના સુમધુર સંગીતથી, ભાગવત કથાનું પાન કરાવે છે. ભક્તોને નાચતા કરી મૂકે છે અને સૌથી વધુ ડોલર્સની ખંડણી ભેગી કરીને ભારત જાય છે. તેમના આવવાના બે-ત્રણ માસ અગાઉથી તેમના સગાવહાલા અને ભક્તો સોશ્યલ મીડીયામાં પ્રચાર કરતા હોય છે.
બિઝનેસ કાર્ડ્સ હજારોની સંખ્યામાં વહેંચાય છે. દરેક જાહેર કાર્યક્રમમાં, તમારી કારના વીન્ડ સ્ક્રીન પર આ કાર્ડ્સ વાઇપર નીચે મૂકી દેવાય છે. પેમ્ફ્લેટ્સ, ઇ-મેઇલ્સ, છાપામાં આખા પાનાની આકર્ષક જાહેરાતો દ્વારા પ્રચાર, કથાકાર અને બિઝનેસ-રીલેશન્સમાં પાવરધા ભક્તજનો હેલીકોપ્ટરને પુષ્પક વિમાન બનાવી દઇને આકાશમાંથી ગુલાબના ફુલોનો વરસાદ વરસાવે છે, ભવ્ય અને ભવ્યાતિત ભવ્ય શોભાયાત્રાઓનું આયોજન કુશળતાપુર્વક કરવામાં આવે છે.
દરરોજ કથા બાદ મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવે છે. કેટલાક મહાદુષ્ટ પાપી પુરુષો સાંજે છ વાગ્યે જોબ પરથી આવતી, ફીટ પેન્ટ-શર્ટ પહેરીને કથામાં આવતી, ભક્તાણીઓને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરતી મુદ્રામાં નિહાળીને કે સ્થુળ કાયા ધરાવતી ભક્તાણીઓને ઉછળી ઉછળીને નાચતી જોઇને નયનતૃપ્તિ અર્થે પણ આવતા હોય છે! શ્રીરામ... શ્રીરામ... લોકલ મંદીરના ત્રણ-ચાર પુજારીઓ પણ ત્યાં પાટલા નાંખીને પૂજનવિધિ કરાવતા નજરે ચઢે.
વિવિધ પ્રસંગોની ઉજવણી પ્રસંગે યજમાન બનીને હજ્જારો ડોલર્સની ભેટ ચડાવતા ડોક્ટર કક્ષાના બુધ્ધીજીવીઓ પણ પોતિયા પહેરીને યજમાન બનીને પાટલે બેઠેલા જોવા મળે. શ્રોતાઓમાંથી જ કોઇ વસુદેવ બને, કોઇ હિરણ્યકશ્યપ બને, કોઇ રૂપાળી સ્ત્રી દેવકી કે યશોદા પણ બને અને એ..ય, બધા નાચે, ગાય અને સાત્વિક આનંદ લૂંટે!
આ કથાકારો પાછા પોતાને ફલાણા ફલાણા મહાપુરૂષના કે અવતાર તરીકે ઠઠાડી દેવાયેલા સંપ્રદાયના ગુરૂના વારસદારો ગણાવતા હોય. વૃંદાવનના કોઇ મંદીરના ગાદીપતિ ગણાતા આ કથાકારો તમને ક્યારેય વૃંદાવનમાં જોવા ના મળે. મોટા ભાગનો તેમનો સમય તો મુંબઈ કે ન્યૂ યોર્કમાં જ વ્યતિત થતો હોય!
હવે સપ્તાહના સાત દિવસનો આ કાર્યક્રમ જુઓ -
(૧) પહેલે દિવસે, પુષ્પક વિમાનમાંથી (હેલિકોપ્ટર) ગુલાબોની વર્ષા સાથે ભાગવત સપ્તાહના વિશાળ પ્રાંગણમાં શુભ્રધવલ વસ્ત્રોમાં, પ્રસન્ન મુખમુદ્રા સહિત ઉતરાણ કરવાનું અને ભક્તાણીઓના અભિવાદન ઝીલવાના. તમે મને પુછશો નહીં કે કેમ ભક્તાણીઓના જ? પુરુષ ભક્તો અભિવાદન નથી કરતા? પછી કળશયાત્રા નીકળે. પોથી માથે મૂકીને રૂપાળી સ્ત્રીઓ લગનમાં મહાલવાના અતિ સુંદર વસ્ત્રો અને સોનાના દાગીનાનો ઠઠારો કરીને નાચતી ગાતી કથાના હોલમાં પ્રવેશે. ગુરુજી સ્થાન ગ્રહણ કરે પછી એમના પુનિત ચરણસ્પર્શ કરવા લાઇનો લાગે. આ બધામાં એકાદ કલાક તો વ્યતિત થઈ જ જાય.
બીજા કલાકમાં ગુરુજી સંસ્કૃતના શ્લોકો ધીર ગંભીર ઘુંટાયેલા સ્વરે પબ્લીક પર ફેંકે (!) જે ભાગ્યે જ કોઇ સમજતું હોય અને ગુરુજી કેટલા વિદ્વાન છે એમ અહોભાવથી જોયા કરે. ત્યાર બાદ કેળવાયેલા સંગીતકારો-વાજિંત્રકારો ગાઇ અને નાચી શકાય એવા ભજનોનો મારો ચલાવે અને પેલી ઠઠારો કરીને આવેલી ભક્તાણીઓ ઉછળી ઉછળીને નાચવા લાગે.
ત્રીજા કલાકમાં, ભાગવત મહાત્મ્ય કહેવાય, જે વર્ષોથી બધા જ કથાકારો કહેતા હોય છે. અને આ સ્વર્ગાકાંક્ષુ ભક્તોએ પણ હજ્જારો વાર સાંભળેલા હોય છે. આમ, પ્રથમ દિવસનો કાર્યક્રમ પુર્ણ થાય. સ્પોન્સરર તો કથા સાંભળવા બેઠા જ ન હોય. બહાર ટેબલ પર રીસીપ્ટ બુક લઈને ભકતજનોનું ‘કોન્ટ્રીબ્યુશન’ જ લખતા હોય.
(૨) બીજે દિવસે પણ, કથાકાર ‘રોકડી’ કરી લેવા, ભક્તજનોના ઘેર પધરામણી કરવા જાય, પછી મોડા મોડા કથાસ્થળે આવે અને રાબેતા મુજબ શ્લોકો, સંગીતમય ભજનો અને પ્રથમ આરતી કર્યા બાદ થોડી વાર કથા ચાલે અને ધ્રુવચરિત્રની કથા રસમય રીતે કહેવાય, જે આપણે બધા સ્કુલમાં ભણ્યા જ હોઇએ.
(૩) ત્રીજા દિવસે, નરસિંહ અવતાર આવે. સ્ટેજની બાજુમાં એક સુશોભિત થાંભલો બનાવ્યો હોય, એમાંથી નરસિંહ ભગવાન પ્રગટ થાય, હિરણ્યકશ્યપનો સંહાર કરે એવી કથાનો નાટ્યદેહ ભજવાય. શ્રોતાઓમાંથી જ કોઇ નરસિંહ બને, કોઇ હિરણ્યકશ્યપ બને અને જયજયકાર.
(૪) ચોથા દિવસે કૃષ્ણ-જન્મનું નાટક ભજવાય. કોઇ વસુદેવ બને, કોઇ દેવકી બને, કોઇ જશોદામૈયા બને. આ ભૂમિકાઓ ભજવવાની હરાજી બોલાતી હોય. શ્રધ્ધાળુ ભક્તો સુંદર વસ્ત્રો પહેરીને પોતાના બાળકને કનૈયો બનાવીને ફોટા પાડે, વીડીયો ઉતરાવે અને કૃતકૃત્યતા અનુભવે.
(૫) પાંચમા દિવસે ગિરિરાજ પુજન અને દાંડીયા રાસ હોય. એમાં તો લોકો ઉલટભેર ભાગ લે જ.
(૬) છઠ્ઠા દિવસે, શ્રીકૃષ્ણ અને રુકિમણીના વિવાહનો ખેલ પડાય. એમાં ભાવિક ભક્તો ચાંલ્લા લખાવે અને કૃતકૃત્યતા અનુભવે. ભજનો રાધા અને કૃષ્ણના ગાવાના, તેમની પ્રેમલીલાઓને અલૌકિક ગણાવીને ગ્લોરીફાય કરવાની અને બિચારી પત્ની રુકમણીના લગનમાં ચાંલ્લા લખાવવાના! શ્રીરામ... શ્રીરામ...
(૭) કથાના અંતિમ દિવસે, બાકી રહી ગયેલો બધો જ ‘ખીચડો’ પીરસી દેવાનો. સુદામાચરિત્ર, વ્યાસપૂજન, તક્ષક દ્વારા પરિક્ષિતને ડંખ મરાવવાનો, તેનો ઉદ્ધાર કરાવવાનો. આ બધું છેલ્લી દસ મીનીટમાં પતી જાય. ફરી પાછું ચરણસ્પર્શ. પોથી પર ડોલરોની નોટોનો વરસાદ...
કેટલાક વાંકદેખા, નરકના અધિકારી લંપટ પુરુષો ચક્ષુ... દ્વારા, મનોમૈથુન કરીને વિકૃત આનંદ માણતા પણ તમને જોવા મળે. કથામાં, કથાકાર મથુરામાં કે વૃંદાવનમાં જનમ લેવાની વાતો કરે પણ આ જનમમાં તો મુંબઈ કે ન્યુ યોર્કમાં જ પડ્યા પાથર્યા રહેતા હોય છે અને ટોયોટા કે મર્સીડીસ ગાડીમાં શોફર્સની સેવા લઈને ઘુમતા હોય છે. ફલાણા ખ્યાતનામ સંતના વારસદાર કહેવાતા આ મિષ્ટભાષી પોથીપંડીતો, - નો ડાઉટ - ખુબ સારા પ્રવચનકારો હોય છે.
પબ્લીકને મેસ્મેરાઇઝ કરી દેવાની તેમની પાસે કળા હોય છે. પુનર્જન્મ અને સ્વર્ગપ્રાપ્તિની આકાંક્ષુ ગુજ્જુ અંધશ્રધ્ધાળુ ભક્તાણીઓ તેમના વરની મહેનતના પૈસાનો વરસાદ વરસાવી દેતી હોય છે. ચરણસ્પર્શ કરવા અને પોથી પર ડોલર્સ મૂકવા માટે લાંબી લાંબી લાઇનો લાગતી હોય છે.
આપણને તો દરરોજ સ્વાદિષ્ટ ભોજન મળે છે અને બહાર બાંકડા પર બેસીને, આ પરદેશમાં આપણા જાતભાઇઓને મળવાનો અને ગુજરાતી ભાષા બોલવાનો લહાવો મળે છે.
હું તો કથામાં જઈને સુમધુર સંગીતનું શ્રવણ કરું છું... રાધારાણી કે કિશોરી અને કાનુડાના ભજનો પણ સાંભળું છું (અલબત્ત શ્રધ્ધા વગર - એટલો નિખાલસ અને સત્ય એકરાર કરી લઉં) મારા માટે તો આ સાત્વિક મનોરંજન નાટક જ છે. મારી અંધશ્રધ્ધાળુ, અભણ પણ ધાર્મિક પત્ની પણ એમ સમજે છે કે હું હવે સુધરી ગયો છું અને કથાવાર્તામાં આવતો થયો છું અને... આમાં આપણું શું જાય છે? કોઇ કથાકાર સાત્વિક આનંદ કરાવીને ડોલર્સ કમાઇને લઈ જાય એમાં આપણા બાપનું શું જાય છે? આપણે કોઇ દિવસ એક ડોલર પણ પેટીમાં નાંખ્યો છે?
(મારી પ્રેમાળ પત્ની નાંખતી હોય તો મને ખબર નથી.) અને... કથામાં કેટલા બધા લોકોને આજીવિકા મળે છે? પૂજનવિધિ કરાવનાર બ્રાહ્મણો... સ્ટેજ ડેકોરેશન કરનાર કોન્ટ્રાક્ટર... ભોજન પિરસનાર હોટલવાળા... જાહેરાતો આપનારા બિઝનેસમેનો... આપણે કોઈની ઈર્ષ્યા કરવાની જરૂર નથી કે પેટ બાળવાનું શું પ્રયોજન? લોકો સિનેમા-નાટકો અને ફિલ્મી કલાકારો અને ફિલ્મી કલાકારોના શોમાં પૈસા ઉડાવે જ છેને? તો બિચારા આ કથાકારો વાર્તા કરીને બે પૈસા કમાતા હોય તો એમના પેટ પર પાટુ મારનારા આપણે કોણો?
મને ડોંગરે મહારાજની ખુબ યાદ આવે છે આવા સમયે! જો કે હું અંદર જઈને, સાષ્ટાંગ દંડવત કરતી સ્થુળ કાયાવાળી બહેનોને વિકૃત નજરે જોવાનું પાપ નથી કરતો, હોં! એમ તો હું સજ્જન અને શિષ્ટ માણસ છું - પત્નીથી ડરીને ચાલનારો.
શું કિયો’સો તમે?
એક અનુભૂતિઃ એક અહેસાસ.

