લંડનઃ વિજ્ઞાનીઓએ માણસનાં શરીરમાં એક નવા અંગની શોધ કરી છે. અત્યાર સુધી આ અંગ વિશે કોઈને જાણકારી ન હતી. આ નવું અંગ શરીરમાં કેન્સર કેવી રીતે ફેલાય છે તેને સમજવામાં મદદરૂપ થશે તેવી વિજ્ઞાનીઓને આશા છે.
વિજ્ઞાનીઓનું કહેવું છે કે આપણા શરીરમાં જે ત્વચા છે તેને અત્યાર સુધી સઘન અને સંયોજક ટિસ્યૂ માનવામાં આવતી હતી, જેને ઇન્ટરસ્ટિસિયમ કહેવામાં આવે છે. હકીકતે ચામડીની નીચે જે સ્તર હોય છે, જેનો એક સમૂહ હોય છે. જે સ્તર ચામડીની નીચેના ભાગમાં હોય છે તેવું જ પડ આંતરડાં, ફેફસાં, નસ અને માંસપેશીઓની નીચેથી પણ મળી આવ્યું હતું. જે એકબીજા સાથે જોડાઈને મોટું નેટવર્ક બનાવે છે.
આ નેટવર્કને પ્રોટીનનાં નેટવર્કથી એક મજબૂતાઈ અને સપોર્ટ મળે છે. સાયન્ટિફિક રિપોર્ટ જર્નલમાં આ અભ્યાસનો અહેવાલ પ્રકાશિત થયો છે. ઉપરાંત પ્રથમ વખત માત્ર આ નેટવર્કને એક ઓર્ગન તરીકે સ્વીકૃતિ મળી છે, જેથી તેના કાર્યભારને સમજી શકાય. ચોંકાવનારી બાબત તો એ છે કે, જીવવિજ્ઞાન ક્ષેત્રે અત્યાર સુધી આ ઓર્ગન તરફ કોઈનું ધ્યાન ગયું ન હતું. ઇન્ટરસ્ટિસિયમને માણસનાં શરીરના સૌથી મોટા ઓર્ગન પૈકી એક ઓર્ગન મનાય છે.
વિજ્ઞાનીઓની જે ટીમે આ ઓર્ગનની શોધ કરી છે તેઓ માને છે કે, આ ઓર્ગન શરીરના ટિસ્યૂને ડેમેજ થતા બચાવે છે. માઉન્ડ સિનાઈ બેથ ઇઝરાયેલ મેડિકલ સેન્ટરના ડો. ડેવિડ કાર્લોક અને ડો. પેટ્રોસ બેનિયાસ કેન્સર ચિહનોના અભ્યાસ માટે પિત્તવાહિનીની તપાસ કરતા હતા ત્યારે આ ઓર્ગન અંગે જાણકારી મળી હતી.
આ નવું મળેલું ઓર્ગન શોક એબ્ઝોર્બરનું કામ કરે છે. અત્યાર સુધી આ શોક એબ્ઝોર્બરને શરીરના સામાન્ય ટિસ્યૂ તરીકે ગણવામાં આવતા હતા. પરંતુ આ તે માત્ર પિત્તવાહિનીમાં જ નહીં, પણ શરીરનાં અન્ય મહત્ત્વનાં અંગોની આસપાસ પણ જોવા મળે છે. આ વિશાળ ઓર્ગનની મદદથી કેન્સરને સમજવામાં મદદ મળી રહેશે એમ નિષ્ણાતો કહે છે.

