સમગ્ર દેશને માટે ઉદાહરણરૂપ એવો એક કાર્યક્રમ અમદાવાદે નિહાળ્યો. દેશવ્યાપી વિવિધ ક્ષેત્રના મહાનુભાવો મોટી સંખ્યામાં અહીં ડો. આંબેડકર યુનિવર્સિટીના ભવ્ય પરિસરમાં બે દિવસ માટે એકત્રિત થયા. દિવસો ૧૩-૧૪ એપ્રિલના. યુનિવર્સિટીના કુલપતિઓ, ભાષા ભવનના અધ્યક્ષો, ગુજરાતી - હિન્દી - સંસ્કૃત – અંગ્રેજીના અધ્યાપકો, કલાકારો, કવિઓ, સાહિત્ય સંસ્થાના હોદ્દેદારો, વિદ્યાર્થીઓ, સૌએ સાથે મળીને સાહિત્ય, શિક્ષણ, રાજનીતિ, સમાજજીવન, યુવકો, મહિલાઓ વગેરે સાથે ‘રાષ્ટ્ર સંવેદના’ને કઈ રીતે જોડી શકાય તેનાં વ્યાખ્યાનો થયાં, અભ્યાસપત્રો વંચાયાં.
મુખ્ય વિષયવસ્તુને શીર્ષક અપાયું હતુંઃ ‘રાષ્ટ્રે જાગૃમાય વયમ્!’ (રાષ્ટ્રમાં આપણે જાગતા રહીએ). બીજા દિવસે ડો. આંબેડકર અને બૌદ્ધ ધર્મમાં પણ હેતુ આ જ રહ્યોઃ દેશ અને દેશ સંવેદના. ૫૦૦થી વધુ અભ્યાસપત્રો વંચાયા. ચર્ચા થઈ. આરંભ રાજ્યપાલ ઓમ પ્રકાશ કોહલી, શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કરાવ્યો. આ જ કાર્યક્રમની સાથે ‘માતૃભાષા અભિવાદન સમારોહ’ પણ થયો. રાજ્ય સરકારે શિક્ષણમાં ગુજરાતી ફરજિયાત બનાવવાનો જે ઐતિહાસિક નિર્ણય લીધો તેને માટે ૧૦૫ સંસ્થાઓ એ મુખ્ય પ્રધાન - શિક્ષણ પ્રધાનનું અભિવાદન કર્યું. દેશદેશાવરની વ્યક્તિ-સંગઠનોએ તેમાં સૂર પુરાવ્યો. મુખ્ય પ્રધાન વિજય રૂપાણી, શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, ગુણવંત શાહ, રઘુવીર ચૌધરીએ વક્તવ્યો આપ્યાં. મારે પ્રસ્તાવ રજૂ કરવાનો હતો. તેમાં સમાજ અને સરકાર સાથે મળીને ‘ગરવી ગુજરાતી’ને ગૌરવસ્થાને બેસાડવા સંયુક્ત પ્રયાસ અને પુરુષાર્થ કરશે તેવો સંકલ્પ હતો. સામે ૨૦૦૦ જેટલા પ્રબુદ્ધો હતા, દેશમાંથી અન્યત્ર સ્થાનેથી આવેલી અકાદમી, સાહિત્ય સંસ્થાઓ, યુનિવર્સિટીઓના કુલપતિઓ પણ હતા, સહુએ પ્રસ્તાવને હર્ષપૂર્વક સમર્થન આપ્યું તે દૃશ્ય અનન્ય હતું.
‘રાષ્ટ્રે જાગૃમાય વયમ્!’ હેઠળ યુનિવર્સિટીના કુલપતિ ડો. પંકજ જાની, હિમાંશુ પંડ્યા અને બીજી તમામ યુનિવર્સિટીના કુલપતિઓ હાજર હતા. મ. સ. યુનિવર્સિટી-વડોદરા, નરસી મહેતા યુનિવર્સિટી-જૂનાગઢ, ગોવિંદ ગુરુ યુનિવર્સિટી-દાહોદ, નર્મદ યુનિવર્સિટી-સુરત, સૌરાષ્ટ્ર – ભાવનગર – કચ્છ યુનિવર્સિટીના કુલપતિઓ... શિક્ષણનો મેળો જ જામ્યો હતો, જાણે!
અને વક્તાઓમાં -
હલદ્વાનીની ઓપન યુનિવર્સિટીના કુલપતિ પ્રા. નાગેશ્વર રાવ, રાષ્ટ્રીય સંસ્કૃત સંસ્થાનના કુલપતિ પ્રા. પી. એન. શાસ્ત્રી, ઓડિશા યુનિવર્સિટીના કુલપતિ પ્રા. શ્રીકાંત મહાપાત્ર, રાજસ્થાન સાહિત્ય અકાદમીના અધ્યક્ષ ઇન્દ્રશેખર તત્પુરુષ, ગુવાહાટી ઓપન યુનિવર્સિટીના કુલપતિ હિતેશ ડેકા, નાલંદા યુનિવર્સિટીના કુલપતિ રવીન્દ્ર સિંહા, હૈદરાબાદની આંબેડકર યુનિવર્સિટીના ડો. કે. સીથારામન્ રાવ, જમ્મુ-કાશ્મીર કળા-અકાદમીના વડા પ્રો. નીરજા અરુણ ગુપ્તા, તમિળનાડુ યુનિવર્સિટીના પ્રા. એમ. ભાસ્કરન્, ભાષા ભવન અધ્યક્ષા દર્શના ભટ્ટ, એસ.પી. સ્કૂલ ઓફ ગ્લોબલ મેનેજમેન્ટ-દુબઈથી ડો. માલા કાપડિયા, થિરુવંથપુરમથી ડો. સિગ્મા, બુદ્ધિસ્ટ-ઇન્ડો સ્ટડીઝના કુલપતિ યજ્ઞેશ્વર શાસ્ત્રી, સાંચી યુનિવર્સિટીના કુલપતિ ડીન મુકેશ કુમાર વર્મા, દિલ્હી યુનિવર્સિટીના રાજ્યશાસ્ત્ર વડા સંગિક રાગી, યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડના ઉપાધ્યક્ષ ભાવનાબહેન દવે, ડો. ઝફર ઇકબાલ ખાન, ડો. કમલ મહેતા, પ્રા. બટુકદાસ નિમાવત, ડો. સુભાષ બ્રહ્મભટ્ટ, ડો. ઉષા ઉપાધ્યાય, ડો. અનિતા નાયર (અધ્યક્ષા-રાજસ્થાન હિન્દી ગ્રંથ અકાદમી), ડો. અંશુ જોશી, ડો. દૃષ્ટિ પટેલ... આ સહુએ ઉત્તમ વિચાર સામગ્રી આપી.
૧૪મીએ યુવા મોરચાનાં અધ્યક્ષ પુનમ મહાજને વિચારોત્તેજક ભાષણ કર્યું. રાષ્ટ્રસ્તરે યુવાનોને દિશાદર્શન કરવાની તેમની ક્ષમતા અને સજ્જતાનો અંદાજ સૌને થયો. મેં કહ્યું કે તમારી જેમ યુવા મોરચો વૈચારિક સજ્જતા પ્રાપ્ત કરે તે મોટી ઘટના ગણાશે. કેમ કે આજે તો યુવા નેતાઓ પુરોગામીઓના ગુણને બદલે અપલક્ષણોનો ટોપલો ઉપાડીને નેતા થવા થનગને છે.
આ દિવસો વૈશાખીના હતા, જલિયાંવાલા બાગની રક્તરંજિત કથાના. આ દિવસે લોકતંત્ર અને સંવિધાનના પરમ વિદ્વાન આંબેડકરની જન્મદિવસ ઉજવણી હતી. બરાબર આ ૧૪ એપ્રિલે ૧૯૪૪માં આઝાદ હિન્દ ફોજે બ્રિટિશ સૈન્યની સામે જીત મેળવીને ઇમ્ફાલના મોઇરાંગમાં રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો... એટલે રાષ્ટ્રે જાગૃયામ વયમ્ પર ચર્ચા, ચિંતન અને સંકલ્પ થાય તેનાથી મોટી ઘટના બીજી કઈ હોઈ શકે? મને ગમ્યું કે આ યુનિવર્સિટીની પાસે સજ્જતા છે. કુલપતિ ડો. પંકજ જાની કે રજિસ્ટ્રાર અને અધ્યાપક ડો. અમી ઉપાધ્યાય જેવા સક્ષમ નેતૃત્વમાં આવું કામ સફળતાપૂર્વક થયું, હવે તેનો આગલો મુકામ પણ આવશે.
ચિંતનને શબ્દબદ્ધ કરીને તેમાંથી દેશઆખાને માર્ગદર્શન આપી શકે તેવો મુસદ્દો કરવાનો મુકામ. યુનિવર્સિટીઓએ રાષ્ટ્ર નામનાં ‘સત્ય’ને જાણ્યા પછી તેનાં ‘ઉદબોધન’ સુધી પહોંચવું જ રહ્યું.
