લંડનઃ હેરો લેબર પાર્ટી કેન્ટન ઈસ્ટમાં બિઝનેસીસ અને રહેવાસીઓ માટે કાર્ય કરીને તેના શ્રેષ્ઠ પરિણામ આપવાના ભરપૂર અનુભવ ધરાવતા યુવા અને તરવરિયા ઉમેદવારોની ટીમ મેદાનમાં ઉતારી છે. તેમણે કેન્ટનમાં વિવિધ કાર્યક્રમો દ્વારા રોડ અને પેવમેન્ટમાં સુધારા, ગેરકાયદે કચરો નાખવાની પ્રવૃત્તિ (ફ્લાય ટીપીંગ) નો સામનો અને ભીડની સમસ્યા, ક્રાઈમ અને રોડ સેફ્ટી જેવા નોંધપાત્ર સુધારા કર્યા હતા. લેબર પાર્ટીએ જણાવ્યું હતું કે ટોરી સરકારે મૂકેલા કાપને લીધે સ્થાનિક સેવાઓને ભારે અસર પહોંચી છે અને માત્ર લેબર પાર્ટી જ કેન્ટન ઈસ્ટ જેવા વિસ્તારોમાં રહેતા સ્થાનિક સમુદાયોનું રક્ષણ કરી શકશે. તેથી જ આગામી ત્રીજી મેના રોજ યોજાનારી ચૂંટણીમાં લેબર પાર્ટીના ઉમેદવારોને મત આપવો ખૂબ મહત્ત્વનું છે.
નીરજ દત્તાણી - જીવનના મોટાભાગના સમય માટે હેરો તેમના માટે ઘર જેવું રહ્યું છે. નીરજ લોકલ પ્રાયોરિટિઝ માટે સમર્થન અને ભંડોળ મેળવવા માટે સમાજનું સશક્તિકરણ કરતી સામાજિક સંસ્થા માટે કાર્ય કરે છે. નીરજે જણાવ્યું હતું કે ઈસ્ટ કેન્ટન માટે દરરોજ લોકોને વેઠવી પડતી સમસ્યા વિશે સમજી શકે એવી અને ફ્લાય ટીપીંગ સામેની લડત માટે કાર્ય કરે તેમજ ઠગ લેન્ડલોર્ડને પહોંચી વળે તેવી કાઉન્સિલની જરૂર છે. સ્થાનિક કાઉન્સિલર તરીકે નીરજ સ્થાનિક સમુદાયની પ્રાથમિકતાઓ માટે લડત આપશે.
નીશ પટેલ – સ્થાનિક બિઝનેસમેન તરીકે નીશ નાના બિઝનેસીસને જે મદદની જરૂર હોય છે તેને સારી રીતે સમજી શકે છે. ટ્રેડર્સ અને બિઝનેસીસ સાથે સક્રિયપણે કામ કરીને તે હેરોનો આર્થિક વિકાસ થાય તેવું ઈચ્છે છે. લેબરનું વિઝન હેરો માટે ખૂબ સ્પષ્ટ છે અને તે ટોરી સરકારે મૂકેલા કાપને લીધે યુવાનો અને વડીલો માટેની જે સેવાઓ ખોરવાઈ ગઈ છે તેના માટે લડત આપશે. નીશ વધારાની સ્ટ્રીટ ક્લિનીંગ, ફ્લાય ટીપર્સ માટે જંગી દંડ, સ્કૂલોને સમર્થન અને હેરોમાં ગુનાખોરી ઘટાડવા પોલીસના રક્ષણની માગણી કરશે.
અનેકા શાહ – લેવી - હેરોમાં જન્મેલી અનિકાએ હેરોમાં જ અભ્યાસ અને કાર્ય કર્યું છં. તે હાલમાં કેન્ટન સ્થિત સ્થાનિક ચેરિટી માટે કાર્યરત છે અને વોલન્ટિયર્સ તથા લોકલ ઓથોરિટી સાથે ખૂબ નીકટતાથી કામ કરે છે. અનેકાને લોકલ કોમ્યુનિટી અને ફેથ ગ્રૂપ્સને મળવાનું થતું હોવાથી તેને આ કામ ખૂબ ગમે છે. તે ૨૦૧૪થી કેન્ટન ઈસ્ટના કાઉન્સિલર તરીકે ચૂંટાયા છે અને જીવન અને સ્થાનિક વાતવરણની ગુણવત્તા સુધારવા માટે આવતા ઘણાં વર્ષો સુધી કામ કરવા માગે છે. અનેકા સામાજિક ન્યાય અને નિષ્પક્ષતાના લેબરના વિઝન પ્રત્યે સમર્પિત છે અને કેન્ટન ઈસ્ટની તમામ વૈવિધ્યપૂર્ણ કોમ્યુનિટી સાથે કામ કરવા પ્રતિબદ્ધ છે.

