લંડનઃ ૮૩ વર્ષીય હેરોલ્ડ હોલાન્ડના મનમાં ફરીથી લગ્ન માટે કન્યાની પ્રતિક્ષા કરતા હરખની હેલી જામી હતી. જે કન્યા સાથે તેમના લગ્ન થયા હતા તે તેમની જ પૂર્વ પત્ની લિલિયન બાર્નેસ છે. બાર્નેસ સાથેના ૧૨ વર્ષના લગ્નજીવન બાદ લગભગ ૫૦ વર્ષ અગાઉ તેમણે છૂટાછેડા લીધા હતા. તાજેતરમાં જ તેઓ લગ્નગ્રંથિથી જોડાયા હતા. તેમના પૌત્ર જોશુઆ હોલાન્ડે તેમની લગ્નવિધિ કરાવી હતી.
વર્ષો અગાઉ ઈસ્ટર્ન કેન્ટુકીના સોલ્ટ લીક ટાપૂ પર એક રેસ્ટોરાંમાં હોલાન્ડની નજર તેમનાથી પાંચ વર્ષ નાની બાર્નેસ સાથે મળી હતી. બાર્નેસ છીંકણી આંખો ધરાવતી દેશી યુવતી હતી. જ્યારે હોલાન્ડ ડાર્ક અને હેન્ડસમ હતા. ૧૯૫૫માં ક્રિસમસ ઈવ પર બન્ને લગ્નગ્રંથિથી જોડાયા હતા. તેમને પાંચ સંતાનો થયા હતા.
જોકે, ૧૯૬૮માં તેમણે કોઈપણ જાતના તીવ્ર મતભેદ કે આક્રોશ વિના છૂટાછેડા લીધા હતા. હોલાન્ડ ૧૯૭૫માં એક વિધવાને પરણ્યા હતા અને તેનાથી ત્રણ સાવકા સંતાન થયા હતા. બીજી બાજુ બાર્નેસે પણ ફરી લગ્ન કર્યા હતા અને તેને બે બાળક થયા હતા. તેના બીજા પતિનું ૧૯૮૬માં અને ત્રીજા પતિનું ૨૦૧૫માં મૃત્યુ થયું હતું. હોલાન્ડના બીજા પત્નીનું પણ તે જ વર્ષે નિધન થયું હતું. હોલાન્ડ દર વર્ષે સમરમાં તેમના વિશાળ પરિવારને એકઠું કરીને ખાણીપીણી સાથે મોજમસ્તી કરે છે. ગયા વર્ષે તેમની પૂર્વ પત્ની બાર્નેસ પણ તેમાં આવી હતી. તે વખતે તેમનું એકબીજા પ્રત્યેનું વર્તન ખૂબ સુમેળભર્યું રહ્યું હતું. તે પછી બાર્નેસે હોલાન્ડને થેંક્સગીવીંગ ડિનર માટે પોતાના ઘરે આવવાનું આમંત્રણ પાઠવ્યું હતું.
બેપ્ટિસ્ટ ચર્ચમાં તેમના લગ્ન કરાવનારા પૌત્ર જોશુઆ હોલાન્ડે જણાવ્યું હતું કે તેઓ એકબીજાને જુએ ત્યારે તેમના ચહેરા ખીલી ઉઠે છે. તેઓ પ્રેમમાં પડેલા ટીનેજર જેવા જ લાગે છે.

