લંડનઃ ૧૬ વર્ષીય તરૂણી પર જાતીય હુમલાના ગુનામાં જામીન પર છૂટેલા બ્રેડફર્ડના વુડક્રોસના ૩૫ વર્ષીય ઈબ્રાહિમ હુસૈનને ૧૨ વર્ષીય કિશોરી સાથે દુષ્કર્મ આચરવા બદલ બ્રેડફર્ડ ક્રાઉન કોર્ટના જજ ડેવિડ હટન QCએ ૨૩ વર્ષની જેલની સજા કરી હતી. કિશોરી પર હુસૈન અને અન્ય પાંચ લોકોએ ત્રણ વખત બળાત્કાર ગુજાર્યો હતો. જજે જણાવ્યું હતું કે કિશોરી પર ‘હિંસક વરુઓની ટોળકીએ’ હુમલો કર્યો હતો.
હુસૈને ગુનાનો ઈનકાર કર્યો હતો. પરંતુ, તેને જાતીય હુમલો, બળાત્કાર, બાળ અપહરણ અને બાળ જાતીય શોષણની સુવિધા પૂરી પાડવાના ગુનાસર દોષી જાહેર કરાયો હતો. જજ હટને જણાવ્યું હતું કે હુસૈને નબળી આર્થિક પરિસ્થિતિનો સામનો કરી રહેલી કિશોરીને નાણાંની લાલચે લીડ્સના એક ઘરે મોકલી હતી, જ્યાં તેને ત્રણ દિવસ સુધી ગોંધી રાખવામાં આવી હતી. પીડિતાએ જણાવ્યું હતું કે તેનું જીવન બરબાદ થઈ ગયું છે.
હુસૈને ૧૬ વર્ષીય તરૂણીનો સપ્ટેમ્બર ૨૦૧૬માં ફેસબુક પર સંપર્ક કર્યો હતો અને કોઈક ખાસને મળવા માટે તેને જણાવ્યું હતું. તે પહેલા તેણે પોતાની કારના ફોટા શેર કરીને તેને પ્રભાવિત કરવાનો પ્રયાસ કર્યો હતો. પોતાની કારમાં તેના પર જાતીય હુમલો કરતા પહેલાં તેણે તરૂણીને મદ્યપાન કરાવ્યું હતું.
વેસ્ટ યોર્કશાયર પોલીસના PC જેસિકા એમ્બલરે જણાવ્યું હતું કે જામીન પર રહેલા હુસૈને બાળકી પર દુષ્કર્મ આચર્યું તે જ દર્શાવે છે કે તેનાથી નાની છોકરીઓ અને મજબૂર યુવતીઓ પર જોખમ છે.

