ગોધરા: શાંતાબહેન નામના આધેડ મહિલાનું તાજેતરમાં જ તેમની કાર્યનિષ્ઠા બદલ સન્માન થયું હતું. આ એ સમયની વાત છે કે જ્યારે ગોધરામાં કોઈ મહિલાને સ્કૂટર ચલાવીને નીકળતી જુએ તો પણ લોકોને આશ્ચર્ય થતું હતું. એ સમયમાં શાંતાબહેને રોજગારી મેળવવા માટે ડ્રાઈવિંગ શરૂ કર્યું.
શાંતાબહેનના જણાવ્યા મુજબ તેઓ જ્યારે પિતાના ઘરે હતા ત્યારે ઘરમાં પિતા અને ભાઈનો પણ ડ્રાઇવિંગનો જ વ્યવસાય હતો. પિતા અને ભાઈની મદદથી ડ્રાઇવિંગ શીખી લીધું અને લાયસન્સ મેળવ્યું. એ પછી મારા લગ્ન ગોધરાના રમેશચંદ્ર ત્રિવેદી સાથે થયા. અમારે ઘરે દીકરીનો જન્મ થયો. કુટુંબ વધવા સાથે આર્થિક સંકળામણ શરૂ થઈ.
પતિ રમેશચંદ્રને વાત કરી કે પોતાને ડ્રાઇવિંગની આવડત પણ છે તો શા માટે આ આવડતને આર્થિક ઉપાર્જનનું માધ્યમ ન બનાવીએ? શાંતાબહેનના પ્રસ્તાવથી રમેશચંદ્ર પહેલાં તો થોડા અસમંજસમાં પડ્યા કે ગોધરા જેવા નાનકડા શહેરમાં જ્યાં પુરુષોનું એકચક્રી શાસન છે એવા ડ્રાઇવિંગના ક્ષેત્રમાં પત્ની શાંતાબહેન કેવી રીતે ટકી રહેશે અને વળી સમાજ શું કહેશે? જોકે પત્નીની હિંમત જોતાં તેમણે શાંતાબહેનને સાથ આપ્યો.
ગોધરાની એક ખાનગી શાળાના બાળકોને સ્કૂલેથી ઘરે લાવવા લઇ જવા માટેની સ્કૂલની જ વાનમાં ડ્રાઈવર તરીકે શાંતાબહેને નોકરી ચાલુ કરી. સાતેક વર્ષ શાળાની વાન ચલાવ્યા પછી શાંતાબહેને પોતાની વાન ખરીદી અને શાળાના બાળકોને ઘરેથી સ્કૂલે મૂકવાનું શરૂ કર્યું.
દંપતી કહે છે કે અમારી દીકરીને જે ક્ષેત્રનું શિક્ષણ મેળવવું હોય એ મેળવવા અમે પ્રોત્સાહન આપીએ છીએ. બસ અમે તેને એટલું કહીએ છીએ કે જીવનમાં પગભર થવું જરૂરી છે.

