લંડનઃ ૫.૩ મિલિયન બ્રિટિશર્સ પોતાના મોબાઈલ ફોનનું બીલ પાર્ટનરથી છૂપાવતા હોવાનું યુસ્વીચના અભ્યાસમાં જણાયું હતું. તેમાં પણ મહિલાઓ કરતા પુરુષો દ્વારા ફોન બીલ છૂપાવવાની શક્યતા ૬૬ ટકા વધુ હતી. સાતમાંથી એક કરતાં વધુ એટલે કે ૧૫ ટકા પુરુષો પાર્ટનરથી બીલ સંતાડે છે. મહિલાઓમાં આ દર માત્ર ૯ ટકા છે. જોકે, જે મહિલાઓ બીલ સંતાડે છે તે કેટલીક બાબતો વિશે સ્પષ્ટતા કરવા માગતી ન હોવાથી આમ કરે છે. તે બાબતે ૧૭ ટકા પુરુષોની સરખામણીમાં મહિલાઓનો દર લગભગ બમણો એટલે કે ૩૨ ટકા છે.
બીલ છૂપાવવા માટેના મુખ્ય કારણોમાં ૫૦ ટકા માને છે કે એ બાબત પાર્ટનરનો વિષય નથી, ૨૩ ટકા તેમના બીલમાંની કેટલીક બાબતો બતાવવા માગતા નથી, ૨૨ ટકા પોતાને વધુ ખર્ચ કર્યો હોવાના દોષી માનતા હોય છે અને ૯ ટકાને બીલ અંગે કોઈ દલીલ પસંદ નથી હોતી.
પ્રાદેશિક રીતે જોતાં સૌથી વધુ લંડનમાં રહેતા દર ત્રણમાંથી એક એટલે કે ૨૮ ટકા લોકો પોતાના પાર્ટનરથી બીલ છૂપાવે છે. તેમાંના ૩૫ ટકાએ તેમના બીલની કેટલીક વિગતો છૂપાવવાના પ્રયાસમાં અને ૨૪ ટકાએ વધુ ખર્ચના દોષભાવને લીધે બીલ સંતાડ્યા હોય છે.
બીજી બાજુ, સાઉથ ઈસ્ટ ઈંગ્લેન્ડના લોકો સૌથી વધુ પ્રામાણિક જણાયા હતા.માત્ર ૫ ટકા લોકો તેમના ફોન બીલની વિગતો સંતાડતા હોય છે.
દરમિયાન, ૫૫ અથવા તેનાથી વધુ વયના લોકોની સરખામણીમાં ૧૮થી ૩૪ વર્ષ વચ્ચેના લોકોની તેમના પાર્ટનરથી બીલ સંતાડવાની શક્યતા સાત ગણી વધુ હોય છે.

