બહેતર હેરોનું નિર્માણ અને સમુદાયોને સંગઠિત કરવાનું લેબર પાર્ટીનું વચન

Wednesday 18th April 2018 06:55 EDT
 
 

લંડનઃ કાઉન્સિલની ચૂંટણીને અનુલક્ષીને લેબર સાંસદ સ્ટીફન પાઉન્ડે ક્લબ KTM ખાતે હેરો લેબર પાર્ટીનો ચૂંટણી ઢંઢેરો વિધિવત જાહેર કર્યો હતો. આ કાર્યક્રમમાં ગેરેથ થોમસ MP, લીડર ઓફ લેબર ગ્રૂપ કાઉન્સિલર સચિન શાહ, બ્રેન્ટ લેબર ગ્રૂપના વડા કાઉન્સિલર મુહમ્મદ બટ્ટ અને લંડન એસેમ્બલી મેમ્બર નવિન શાહ સહિત લેબર પાર્ટીના મેમ્બરો, ઉમેદવારો અને સમાજના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.

સ્ટીફન પાઉન્ડે લેબરના ચૂંટણીઢંઢેરા ‘બિલ્ડીંગ અ બેટર હેરો ફોર ધ મેની એન્ડ નોટ અ ફ્યૂ’ (થોડા નહીં, ઘણાં લોકો માટે બહેતર હેરોનું નિર્માણ) ની પ્રશંસા કરી હતી અને હેરોના રહેવાસીઓ માટે હેરોમાં મકાનો બાંધવા, હેરોને સ્વચ્છ રાખવા, હેરોના અર્થતંત્રને પુનઃ ચેતનવંતુ કરવાના અને ટોરીએ મુકેલા કાપથી મહત્ત્વની જાહેર સેવાઓનું રક્ષણ કરવાના ચૂંટણી ઢંઢેરામાં અપાયેલા મુખ્ય વચનો પર વિશેષ ભાર મૂક્યો હતો.

લીડર ઓફ હેરો લેબર ગ્રૂપ કાઉન્સિલર સચિન શાહે જણાવ્યું હતું કે જે પાર્ટી જાહેરસેવાને પ્રથમ સ્થાને રાખે છે તેને અથવા પ્રજાને જે સેવાની જરૂર છે તે પૂરી ન પાડવામાં માનતી કન્ઝર્વેટિવ પાર્ટી એ બેમાંથી કોઈને મત આપવાની આગામી ૩જી મેએ આપની પાસે તક છે.

હેરો લેબર પાર્ટીએ તેના ચૂંટણી ઢંઢેરામાં સ્કૂલો અને NHS જેવી જાહેર સેવા પૂરી પાડવાની બાબતને કેન્દ્ર સ્થાને રાખી છે. ટોરી દ્વારા લંડનમાં પોલીસ સર્વિસમાં ૧ બિલિયન પાઉન્ડનો જંગી કાપ મૂકાયો હોવા છતાં લોકોનું ગુનાથી રક્ષણ કરવા અને તેમને સલામત રાખવાની બાબતને લેબરે તેની પ્રાથમિકતા ગણાવી હતી.

ભારતીય સમુદાય હંમેશા સારી સ્કૂલો, અસરકારક હેલ્થ સર્વિસ અને વધુ પોલીસ વ્યવસ્થામાં માને છે. આ વિસ્તારને વધુ નાણાં ફાળવવાની માગણી માટે ઝુંબેશ કરનાર એક માત્ર લેબર પાર્ટી જ છે.

હેરો લેબર પાર્ટી હેરોને અસ્વચ્છ અને ગંદુ બનાવનારા લોકો સામે કડક પગલાં લેશે. પાર્ટીએ ૮,૦૦૦ ફાઈન ઈસ્યૂ કર્યા છે અને ફરી ચૂંટાશે તો તેનાથી પણ કડક કાર્યવાહી કરાશે.

હેરોમાં દરેકને માટે હાઉસિંગ એક સમસ્યા છે. હેરોના રહીશોને નવા મકાન ખરીદવામાં અગ્રતા મળે અને પરિવાર માટે બરોમાં સાથે રહેવાનું સરળ બને તે લેબર પાર્ટી સુનિશ્ચિત કરશે.

લેબર પાર્ટી શરૂઆતથી જ હેરોના વિશાળ ભારતીય સમુદાય સહિત આપણા વિવિધ સમાજ ની પડખે રહી છે. પાર્ટી સંપ્રદાયવાદમાં અને વિભાજનકારી કૃત્યોમાં સામેલ નહીં થાય અથવા આતંકવાદીઓ સાથે મંચ પર દેખાશે નહીં. ગમે તે થાય પણ ,મુદાયોને સંગઠિત રાખે તે જ હેરોના વૈવિધ્યપૂર્ણ સમુદાયોનો સાચો મિત્ર છે. લેબર પાર્ટી તે જ કરે છે અને તેથી જ આપે ૩જી મેએ લેબર પાર્ટીના ત્રણ ઉમેદવારને મત આપવો જોઈએ.


comments powered by Disqus