રોજ એક કલાક ધ્યાન ધરવાની આદત વૃદ્ધાવસ્થામાં પણ તમારાં માનસને ચુસ્ત-દુરસ્ત રાખે છે. કેલિફોર્નિયા યુનિવર્સિટીના ડેવિસે આ મુદ્દે અભ્યાસ હાથ ધર્યો હતો. તેમનું માનવું છે કે ધ્યાન ધરવાથી મગજમાં થતા કેટલાક ફેરફાર માનસિક ક્ષમતાઓને વધારે છે. સાત વર્ષ સુધી ચાલેલા આ અભ્યાસમાં ધ્યાનના લાભાલાભ પર ધ્યાન આપવામાં આવ્યું હતું. અમેરિકામાં ૧.૬ કરોડ લોકો વૃદ્ધાવસ્થામાં સ્મૃતિદોષ કે માનસિક નબળાઈઓથી પીડાતાં હોય છે. સંશોધકોનું કહેવું છે કે ધ્યાન માનસિક ક્ષમતાઓને જાળવી રાખવામાં મદદ કરે છે.
સંશોધનકર્તાઓ ૨૦૧૧માં આ સંદર્ભે થયેલાં સંશોધનમાં આગળ વધ્યા હતા. આ જૂના અભ્યાસ દરમિયાન ત્રણ મહિના સુધી ધ્યાનકેન્દ્રમાં રહીને નિયમિત ધ્યાન કરી ચૂકેલાં ૬૦ લોકોની ધ્યાનકેન્દ્રમાં જતાં પહેલાં અને પછીની સ્મૃતિક્ષમતાનું પરીક્ષણ કરાયું હતું, આનાં સાત વર્ષ પછી આ જ લોકો પર ફરી સંશોધન હાથ ધરવામાં આવ્યાં હતાં. આ સંશોધનમાં ભાગ લઈ રહેલી ૪૦ વ્યક્તિ ધ્યાનકેન્દ્રમાં તેમનાં મગજને શાંત કરે અને હકારાત્મક્તાના ભાવો નીપજાવે તે પ્રકારના પદ્ધતિએ ધ્યાન ધરતા હતા.
ભૂતકાળમાં પણ ધ્યાન સંબંધિત અભ્યાસમાં સામેલ આ લોકોને પૂછવામાં આવ્યું હતું કે વીતેલાં સાત વર્ષમાં તેઓ ધ્યાન કરતાં રહેતાં હતાં કે નહીં. આમાંથી ૮૦ ટકા લોકોએ જણાવ્યું હતું કે આ સમય દરમિયાન પણ તેઓ ધ્યાન કરતાં હતાં. આ પછી સંશોધનમાં ભાગ લેનારાઓની કોઈ પણ બાબતે પ્રતિક્રિયા આપવાની ક્ષમતા અને ધ્યાન કેન્દ્રિત કરવાની ક્ષમતાની સમીક્ષા કરાઇ હતી. જે લોકો સતત ધ્યાન કરતાં હતાં તેમનમાં આ બંને ક્ષમતાનું નોંધપાત્ર પ્રમાણ જોવા મળ્યું હતું. આ લોકો અયોગ્ય પગલાં કે વિચારને ખાળવાની ક્ષમતા ધરાવતાં હતાં. જેના આધારે તારણ કાઢવામાં આવ્યું હતું કે જે લોકો ધ્યાન કરતાં હોય છે તેમના કિસ્સામાં વૃદ્ધાવસ્થા દરમિયાન પણ માનસિક સજ્જતાનું પ્રમાણ જળવાઈ રહેતું હોય છે.

