વ્યક્તિના શ્રદ્ધા-અંધશ્રદ્ધા, આસ્તિક્તા-નાસ્તિક્તા અને આપણી યુવાપેઢી

સી. બી. પટેલ Tuesday 17th April 2018 14:44 EDT
 
 

વડીલો સહિત સહુ વાચક મિત્રો, આજે શ્રદ્ધા-અંધશ્રદ્ધા, આસ્તિક્તા-નાસ્તિક્તા વિશે કેટલીક અગત્યની અને, મારી દૃષ્ટિએ, મહત્ત્વની વાત માંડવી છે. હું હંમેશા સનાતની હિન્દુ હોવાનું ગૌરવ અનુભવતો રહ્યો છું એમ જ આપ સહુ પણ પોતપોતાની ધર્મ-પરપંરાનું ગૌરવ અનુભવતા હશો તેમાં બેમત નથી. દરેક આસ્તિક વ્યક્તના જીવનમાં ધર્મનું આગવું સ્થાન હોય છે, અને તે માત્ર ધાર્મિક કારણસર નથી હોતું. ખરેખર તો ધર્મ આપણામાં સંસ્કાર, પરંપરા, મૂલ્યો, નૈતિક્તાનું જતન પણ કરે છે, અને સંવર્ધન પણ. તમારો કે મારો - ધર્મ કોઇ પણ હોય, પરંતુ તે આપણને સારા-નરસાનું, યોગ્ય-અયોગ્યનું, સાચા-ખોટાનું ભાન કરાવે છે.
હિન્દુ, શીખ, જૈન અને બૌદ્ધ ધર્મનું ઉદ્ભવ સ્થાન હિન્દુસ્તાન છે. અને હિન્દુ ધર્મ પરંપરા તો હજારો વર્ષ પુરાણી હોવાનું ઇતિહાસમાં નોંધાયેલું છે. ધર્મને અનુસરનારામાંથી કેટલાક તેને ધાર્મિક કારણસર તો કેટલાક તેને પારિવારિક પરંપરાને પગલે ચાલતાં અનુસરતા હોય છે, કારણ ગમે તે હોય પરંતુ આ લોકો ધર્મને અનુસરી રહ્યા છે એ જ મહત્ત્વનું છે.
ફરે તે ચરે એ ન્યાયે હું હંમેશા સમાજમાં લોકો વચ્ચે ફરતો રહું છું, વિચારોનું આદાનપ્રદાન કરતો રહું છું. અનેક લોકો સાથે અવારનવાર વિચારોની આપ-લે થતી રહે છે, આમાં યુવા પેઢીની સંખ્યા સવિશેષ હોય છે. અને આમ થવું સ્વાભાવિક પણ છે. આ લોકો સાથે વિચારોનું આદાનપ્રદાન કરતી વેળા હું ક્યારેય એવો ‘ફાંકો’ રાખતો નથી કે તમારા કરતાં મેં વધુ દિવાળી જોઇ છે કે પછી જીવનનો આઠ-આઠ દસકાનો અનુભવ ધરાવું છું... હું હંમેશા ‘મનની બારી ઉઘાડી રાખીને’ ચર્ચા કરું છું. તેમને ક્યારેય ઉતારી પાડતો નથી કે તેમના આગવા અભિગમ કે નૂતન દૃષ્ટિકોણની ઉપેક્ષા કરતો નથી. પસંદ અપની અપની ખયાલ અપના અપના...
આ યુવા પેઢીમાં ઘણા લોકો અહીં જન્મેલા, ઉછરેલા હોય છે. અને અહીં જ ઉચ્ચ શિક્ષણ મેળવીને મક્કમતાપૂર્વક સફળતાની પગદંડી પર આગેકૂચ કરી રહ્યા હોય છે. તેમના વિચારો આપણાથી અલગ ન હોય તો જ નવાઇ! પરંતુ યુવા પેઢી સાથેના વિચાર-વિનિમય દરમિયાન મને સૌથી નોંધનીય બાબત એ જોવા મળી કે તેઓ પરંપરાગત ધર્મપરંપરાને જવલ્લેજ જ અનુસરતા જોવા મળે છે.
વર્ષ ૨૦૧૧ની વસ્તી ગણતરી દરમિયાન સર્વેમાં એક પ્રશ્ન એવો હતો કે તમે ક્યા ધર્મને અનુસરો છો? હિન્દુ, શીખ, જૈન, બૌદ્ધ પરિવારના કેટલાય યુવક-યુવતીઓએ આ પ્રશ્ન સામેનું ખાનું ખાલી છોડી દીધું હતું અથવા તો લખ્યું હતુંઃ ‘એક પણ નહીં’. યુવા પેઢીની આપણા ધર્મ પ્રત્યેની ઉદાસીનતા કે ઉપેક્ષાનું કારણ શું? યુવાધન આપણા ધર્મથી વિમુખ થઇ રહ્યું હોવાના કારણ જાણવા સહુએ સહિયારો પ્રયાસ કરવો રહ્યો.
માત્ર હિન્દુ, જૈન, શીખ કે બૌદ્ધ ધર્મને જ આ પ્રશ્ન કનડી રહ્યો છે તેવું નથી. ખ્રિસ્તી અને મુસ્લિમ ધર્મ પણ આમાંથી બાકાત નથી. દરેક સમુદાયમાં નાસ્તિક્તાનું વલણ વધી રહ્યું છે. દરેક ધર્મને આ ચિંતા સતાવે છે તેનો મતલબ એ થયો કે તેના કારણો પણ મહદ્ અંશે સમાન હોય શકે છે.
આપણા કથાકારો, ધાર્મિક પ્રવચનકારો અવારનવાર મારા-તમારા માથામાં ટકોરો મારતા રહે છે કે અહીં આવીને આપણે સંપત્તિ મેળવી છે, પણ સંતતિ ગુમાવી છે. પરંતુ વાચક મિત્રો, આ વિધાન અઘટિત અને સત્યથી વેગળું જણાય છે. આપણા સંતાનો આપણા ધર્મ કે પ્રણાલિથી ભિન્ન રીતે વિચારતા હોવાથી તેઓ સાવ અવળા માર્ગે જઇ રહ્યા છે તેમ માનવું વાજબી નથી.
આપણા વેદ - ઉપનિષદ અને અમુક અંશે પુરાણો પણ સાચા ધર્મની સરળ સમજ માટે માનવતા, પ્રેમ, કરુણા, સદાચાર, ભાઇચારો, સુયોગ્ય વાણી-વર્તન અને નાગરિક ધર્મ જેવા મૂલ્યોને પ્રાધાન્ય આપતા રહ્યા છે. પરમાત્મા કે પરમ તત્વની ઓળખ અને સાધના બાબત વેદ-ઉપનિષદ વધુ સંગીન સાધન પૂરા પાડે છે. આપણી યુવા પેઢી આપણા ધર્મથી વિમુખ કેમ થઇ રહી છે? જરા વિચારશો તો એક નહીં, અનેક કારણ જોવા મળશે. કહેવાતા કેટલાક ધર્મગુરુઓની દંભી જીવનશૈલી, આચાર-વિચારમાં આસમાન-જમીનનું અંતર, ધર્મના નામે પાખંડ, પરંપરાને નામે પ્રપંચ... આ બધા પરિબળો એવા છે જે આજની યુવા પેઢીને જ નહીં, એક સમજદાર વ્યક્તિને પણ તેની ધાર્મિક આસ્થા સંદર્ભે પુનઃ વિચાર કરવાની ફરજ પાડી રહ્યા છે. દંભ અને દેખાડાનું જીવન જીવી રહેલા ધર્મગુરુઓ ભક્તને કલ્પનાની દુનિયામાં લઇ જવાની, મોક્ષ કે મુક્તિની બેહૂદી વાતો કરે તો સમજદારને આવા લોકોથી સૂગ ચઢવાની જ તેમાં બેમત નથી. આવા ગુરુઓ કે ધર્મગુરુઓની સંખ્યા ગમેતેટલી હોય, પરંતુ આમજીવનમાં બને છે તેમ સારી બાબતો વિશેષ હોવા છતાં નઠારી બાબતો વધુ ધ્યાન આકર્ષતી હોય છે એ તો ખરુંને?
તાજેતરમાં એક મંદિરની મુલાકાત દરમિયાન કથામાં હાજરી આપવાનો અવસર સાંપડ્યો. કથાકારે સુમધુર સ્વરમાં રસપાન કરાવ્યું. કથા સમાપન બાદ એક પરિચિત યુવતીને મળવાનું બન્યું. આશરે ૩૮-૪૦ વર્ષના બહેન ઉચ્ચ સુશિક્ષિત છે, ઝળહળતી કારકિર્દી ધરાવે છે. અને હિન્દુ સંસ્કારવારસા માટે તેઓ ભારોભાર ગૌરવ ધરાવે છે. તેમની સાથેની સહજ વાતચીત દરમિયાન તેમણે પોતાની મૂંઝવણ વ્યકત કરતા રહ્યું કે કથાકાર કબીર સાહેબનો દોહો ટાંકતા કહે છે કે,

ગુરુ ગોવિંદ દોનો ખડે, કિસકો લાગું પાય,
બલિહારી ગુરુ આપ કી, ગોવિંદ દીયો બતાય...

આ જ કથાકાર બાદમાં વક્તવ્ય દરમિયાન એવું પણ કહે છે કે

ગુરુ: બ્રહ્મા ગુરુ: વિષ્ણુ, ગુરુદેવો મહેશ્વર:

ગુરુ: સાક્ષાત્પરમ્ બ્રહ્મ, તસ્મૈ ગુરુવે નમઃ

કથાકાર સતત ‘ગુરુદેવો ભવઃ’ની જ વાત કરે છે. આવું કેમ?! ખરેખર તો તેમણે ધર્મમાં, ઇશ્વરમાં આસ્થાને વિશેષ મહત્ત્વ આપવું જોઇએ, પરંતુ તેમની વાતના કેન્દ્રસ્થાને તો વ્યક્તિપૂજા જોવા મળે છે. તેઓ ઉપદેશમાં સારી સારી વાતો તો કરે છે, પણ આચરણ તેને અનુરૂપ નથી. આ સંજોગોમાં ધર્મમાં શ્રદ્ધા ક્યાંથી વધવાની? આ જ લોકો આપણને વિત્તેષણા - પૈસાનો મોહ, લોકેષણાની માયા છોડવા સમજાવે છે, પરંતુ તેમની જીવનશૈલીમાં રતિભાર અમલ જોવા મળતો નથી. આપણા જેવા સાંસારિક લોકો કરતાં વધુ આધુનિક જીવનશૈલી તેઓ જીવે છે. આમાં મને - તમને કે બીજા કોઇને વાંધો હોવો જોઇએ નહીં, પરંતુ તેઓ આપણને શા માટે આવી જીવનશૈલી છોડવાનું સમજાવે છે?
બહેને તેમના બળાપાનું સમાપન કરતાં કહ્યું કે આમાં જાગ્રત સમાજના સભ્યોનો ધર્મ-અધ્યાત્મ પ્રત્યેનો વિશ્વાસ કઇ રીતે જળવાય? આવું બેવડું જીવન જીવતાં લોકો જ એક યા બીજા સમયે કૌભાંડો આચરતા હોય છે, અને ખુલ્લા પડે છે ત્યારે (તેમના પાપે) ધર્મ બદનામ થતો હોય છે. મિત્રો, બહેનની વાતમાં દમ તો છે. ખરુંને?
વાચક મિત્રો, સપ્તાહ પૂર્વે ત્રણ મિત્રો મને મળવા કાર્યાલયે આવ્યા હતા. ઘણા સમયે મળતા હોવાથી અલકમલકની વાતો ચાલી. તેમાં ઓશો નામે જગતભરમાં જાણીતા (!) બનેલા આચાર્ય રજનીશની વાત નીકળી. તેમણે મારું ધ્યાન દોર્યું કે નેટફ્લિક્સ પર ‘વાઇલ્ડ કન્ટ્રી’ નામનો ચાર એપિસોડનો એક ટીવી પ્રોગ્રામ પ્રસારિત થયો છે, તમે સમય કાઢીને ખાસ નિહાળજો. એક દર્શક તરીકે તો આ રસપ્રદ ટીવી પ્રોગ્રામ જોવા જેવો છે જ પરંતુ એક પત્રકાર તરીકે પણ તમને રસ પડશે. વાચક મિત્રો, ખરેખર આ સનસનાટીપૂર્ણ કાર્યક્રમ જોતાં જ લાગે છે કે આપણી નજર સમક્ષ ક્રાઇમ સ્ટોરી તાદશ રજૂ થઇ રહી છે.
આચાર્ય રજનીશનું નામ જાણીતું બન્યું ત્યારથી એટલું ચર્ચાસ્પદ બન્યું છે કે જાણે વિવાદનો પર્યાય જોઇ લો. રજનીશનો જન્મ મધ્ય પ્રદેશના જબલપુરમાં એક જૈન પરિવારમાં થયો હતો. ૧૧ ડિસેમ્બર ૧૯૩૧ના રોજ જન્મેલા અને ૧૯ જાન્યુઆરી ૧૯૯૦ના રોજ અંતિમ શ્વાસ લેનારા રજનીશ ૫૮ વર્ષ અને ૧૧ મહિનાનું આયુષ્ય એવું જીવ્યા જાણે કોઇ હિન્દી ફિલ્મોની કથા જોઇ લો. અભ્યાસમાં તેજસ્વી રજનીશ અધ્યાપકના વ્યવસાયમાં જોડાયા અને સમયાંતરે ધર્મ-અધ્યાત્મના માર્ગે વળ્યા. તેમણે આધુનિક જીવનશૈલી સાથે સંકળાયેલી એવી વિચારસરણી વહેતી મૂકી કે મારા-તમારા જેવા આમ આદમીથી માંડીને ઉચ્ચ બુદ્ધિજીવીઓ પણ તેમના ભણી આકર્ષાયા. તેમણે એક એવી આભા પ્રસરાવી કે પોતાને આધુનિક વિચારસરણીના મશાલચી ગણાવતા સમુદાયના તેઓ ‘પ્રીતિપાત્ર સંત’ બની ગયા હતા. તેમના વિચારોને નકારાનારા લોકોને ‘રુઢિચુસ્ત’ કે ‘માનસિક પછાત’ માનવામાં આવતા હતા. તેમના પ્રવચનો સાંભળવા એ જાણે ફેશન હતી. લોકો તેમના પુસ્તકો ખરીદવા હોંશે હોંશે લાઇનમાં ઉભા રહેતા હતા. લોકો સાંસારિક મોહમાયા, ભૌતિક સાધનસંપત્તિ છોડીને તેમના નામની માળા પહેરવામાં ગૌરવ અનુભવતા હતા, પરંતુ આ જ આચાર્ય રજનીશ કાંડા ઉપર રોલેકેસ કે રાડો બ્રાન્ડની હિરાજડીત ઘડિયાળ પહેરતા હતા અને તેમની પાસે એક સમયે બે-ચાર-આઠ-દસ નહીં, ૯૯ રોલ્સ રોયસનો કાફલો હતો. મોટા ગજાનો માલેતુજાર પણ એક રોલ્સ રોયસ ખરીદીને સંતોષ માની લેતો હોય છે ત્યારે રજનીશને આ બધી રોલ્સ રોયસ એક યા બીજા સમયે ભેટમાં મળી હતી! આજે પણ મહારાષ્ટ્રના પૂણેમાં ઉભેલા રજનીશ (ઓશો) આશ્રમમાં તે સમયે દેશ-દેશાવરના સ્ત્રીઓ-પુરુષો, મુખ્યત્વે યુવાન, સુશિક્ષિત લોકોનાં ટોળેટોળાં ઉમટતાં હતા.
નેટફ્લિક્સની ટીવી શ્રેણીમાં જણાવાયા પ્રમાણે રજનીશે એક પ્રકારે ફ્રી માર્કેટ અને ફ્રી સેક્સનો વિચાર એટલો સરળ અને સહજ રીતે રજૂ કર્યો હતો કે લોકોના ગળે તે ગરમાગરમ શીરાની જેમ ઉતરી ગયો હતો. સાચુંખોટું રામ જાણે, પણ એક અહેવાલ પ્રમાણે રજનીશને કોઇ અસાધ્ય રોગ (સંભવતઃ એઇડ્સ) થયો હતો, જે તેના જીવનને ભરખી ગયો.
જે વ્યક્તિના પ્રવચન સાંભળવા અનયાયીઓ હજારોની સંખ્યામાં ઉમટતા હતા તેવા રજનીશે ૧૯૮૧થી મૌનવ્રત ધારણ કર્યું. પછી તો તેમનો પ્રભાવ એટલો વધ્યો કે વાત ન પૂછો. આ સમય દરમિયાન બધો કારભાર મા આનંદશીલા નામના સાધ્વીએ સંભાળ્યો. સામાજિક બંધનોથી વિપરિત મુક્ત વિચારસરણીમાં માનતા રજનીશને ભારતમાં કાયદાકાનૂન વધુ આકરા લાગ્યા હોય કે પછી અન્ય કોઇ કારણસર, તેમણે અમેરિકામાં ડેરાતંબૂ તાણવાનું નક્કી કર્યું. ઓરેગન સ્ટેટની વાસ્કો કાઉન્ટીની એક જગ્યા પસંદ કરી. માત્ર ૪૦ જણાની વસ્તી ધરાવતા આ ગામમાં રજનીશના અનુયાયીઓએ લગભગ ૬૦ હજાર એકર જમીન ખરીદીને આશ્રમનું નિર્માણ શરૂ કર્યું.
આશરે ૧૧૦ મિલિયન ડોલરના ખર્ચે સાકાર થયેલો આ આશ્રમ ૭૫૦૦ લોકોને સમાવવાની ક્ષમતા ધરાવતો હતો. એક તબક્કે આશ્રમમાં ૫૦૦૦ અમેરિકન - મુખ્યત્વે ઘરવિહોણા - કાયમી ધોરણે વસતાં હતા. જ્યાં નજર કરો ત્યાં ટિપિકલ બ્રાઉનીશ રેડ રંગનો ઝભ્ભો કે ગાઉન પહેરેલાં અનુયાયીઓ નજરે ચઢતા હતા. થોડાક સમયમાં તો આસપાસના વિસ્તારમાં આ ગામ રજનીશપુરમ્ તરીકે જાણીતું બની ગયું. સ્થાનિક લોકો પણ (શરૂ શરૂમાં તો) ખુશ હતા. સેંકડોની સંખ્યામાં લોકોની અવરજવરથી તેમના વેપાર-ધંધા પૂરજોશથી ધમધમતા હતા.
જોકે સમયના વહેવા સાથે અનિષ્ટનું આગમન થયું. અરાજક્તા, ખૂનામરકી જેવી ગુનાહિત પ્રવૃત્તિનું પ્રમાણ વધ્યું. સ્થાનિક લોકોને પોતાનું અસ્તિત્વ ભૂંસાતું જણાયું તો તેમણે વિરોધ શરૂ કર્યો. આ સમય દરમિયાન સ્થાનિક ચૂંટણી આવી. ૧૯૮૪ની આ વાત છે. વિરોધને શમાવવા માટે અનુયાયીઓએ ન રહેગા બાંસ, ન બજેગી બાંસુરીના ન્યાયે ચૂંટણીમાં ઝંપલાવીને કાઉન્ટી જ કબ્જે કરવાનો કારસો ઘડ્યો. સ્થાનિક પ્રજાજનોને મતદાનના દિવસે જમણવાર માટે બોલાવાયા. કહેવાય છે કે ભોજનમાં સાલ્મોનેવા નામનો ઝેરી પદાર્થ ભેળવી દેવાયો. ઇરાદો કંઇક એવો હતો કે લોકો સાનભાન ગુમાવી દે જેથી રજનીશ-સમર્થક ઉમેદવારોની તરફેણમાં મતદાન કરાવી શકાય. જોકે આ કથિત ષડયંત્ર પકડાઇ ગયું. ઓરેગન સ્ટેટમાં જ નહીં, સમગ્ર અમેરિકામાં એટલો ઉહાપોહ મચ્યો કે બધાને દેશમાંથી હાંકી કાઢવાનો અવાજ ઉઠ્યો.
મા આનંદશીલા તો કહેવાય છે કે પ્રાઇવેટ વિમાનમાં બેસીને દેશ છોડી જવાની તૈયાર થઇ ગયા હતા. પણ તેઓ કાયદાના સકંજામાં સપડાઇ ગયા. લોકોને ઝેરી પદાર્થ આપવા સહિતના વિવિધ કેસમાં તેમની સામે કેસ ચાલ્યો. તેઓ દોષિત ઠર્યા અને ૨૦ વર્ષ જેલની સજા થઇ. જોકે અમેરિકી કાયદા પ્રમાણે ૨૯ માસના જેલવાસ બાદ તેમનો છુટકારો થઇ ગયો.
આનંદશીલા મૂળે ગુજરાતી. વડોદરા જિલ્લાના ભાયલી ગામના પટેલ પરિવારના દીકરી હોવાનું મનાય છે. પણ આજે મા આનંદશીલા ક્યાં છે? ‘વાઇલ્ડ કન્ટ્રી’ કાર્યક્રમ અનુસાર આનંદશીલા સ્વીત્ઝર્લેન્ડમાં નિવાસ કરે છે. આજે ૬૮ વર્ષના આનંદશીલા સાંસારિક જીવન વીતાવી રહ્યા છે અને બેઘર લોકોની સેવામાં પરોવાયા છે. તેમનો ઇન્ટરવ્યુ પણ આ કાર્યક્રમમાં સામેલ છે, જેમાં તેમને એવું કહેતાં દર્શાવાયા છે કે એક સમયે ભગવાન રજનીશ મારામાં અતૂટ વિશ્વાસ ધરાવતા હતા. પરંતુ ૧૯૮૪ના અંતમાં હું બધું છોડીને તે બધામાંથી હું બહાર નીકળી ગઇ. નેટફ્લિક્સના દાવા પ્રમાણે આનંદશીલાનું કહેવું છે કે મને ભૂતકાળના કોઇ પણ કૃત્ય માટે ત્યારે પણ અફસોસ નહોતો, અને આજે પણ નથી. મને જીવનથી પૂરો સંતોષ છે. તેનું કહેવું છે કે ભગવાન રજનીશ હોય કે અન્ય કોઇ, તે ક્યારેય કોઇના ચીંધ્યા માર્ગે ચાલવા તૈયાર નથી.
જોકે ૧૯૮૪માં ‘ભગવાન’ રજનીશે મૌન તોડી આનંદશીલા સામે ગંભીર આક્ષેપો કર્યા હતા. રજનીશના કહેવા પ્રમાણે, આનંદશીલા સત્તા માટે પાગલ હતી. આ ચારિત્ર્યહીન બાઇ દુરાચારમાં પરોવાયેલી છે અને અધમ કક્ષાની છે. તેણે જ લોકોને ભોજનમાં ઝેરી પદાર્થ આપ્યો હતો અને તે કાઉન્ટીની ઓફિસને આગ ચાંપવાના અપકૃત્યમાં પણ સામેલ છે.
આજે પણ પૂણેમાં રજનીશ આશ્રમ ભક્તોની ચહલપહલથી જીવંત છે, પરંતુ અગાઉ જેવો નહીં. આજે ઓશો ઇન્ટરનેશનલ મેડિટેશન રિસોર્ટ એન્ડ ગેસ્ટ હાઉસના રૂપકડા નામે ઓળખાય છે. કામકાજ તો એ જ હશે એમ માની શકાય.
મિત્રો, આચાર્ય રજનીશ વિશે અહીં તો ટૂંકમાં વાત કરી છે, પણ વધુ રસ પડે તો નેટફ્લિક્સ પર ચાર ભાગનો પ્રોગ્રામ જોઇ લેજો. ‘ભગવાન’ રજનીશ જેવા ગુરુઓ હજારો નહીં, લાખો હશે - ભારતમાં, અમેરિકામાં અને બ્રિટનમાં પણ. પરંતુ આ વાત માત્ર હિન્દુ ધર્મની છે એવું નથી. ખ્રિસ્તી અને મુસ્લિમ સંપ્રદાયમાં પણ ધર્મના નામે ચરી ખાનારા ગુરુઓની સંખ્યા ઓછી નથી. આવા લોકોની સ્વાર્થી વૃતિ જ આપણી યુવા પેઢીને સદીઓ પુરાણી ધાર્મિક પરંપરાથી અળગી કરી રહી છે તે વાત ગમે તેવી ન હોવા છતાં હકીકત છે.

•••

સ્વારથનું સંગીત ચારેકોર બાજે...

ગયા શનિવારે કાર્યાલયમાં લંડન નિવાસી એક ગુજરાતી દંપતી મને મળવા આવ્યા હતા. પતિ સુશિક્ષિત અને સારા વ્યવસાયમાં પરોવાયેલા છે. મૂળ વતન પોરબંદર. આથી સહારા કંપનીએ પોરબંદરમાં એક પ્રોપર્ટી ડેવલપમેન્ટ પ્રોજેક્ટ લોન્ચ કર્યો ત્યારે પાંચેક લાખ રૂપિયાનું મૂડીરોકાણ કરીને તેમણે એક મકાન બુક કરાવ્યું હતું. કંપનીનો પ્રોજેક્ટ ઘોંચમાં પડ્યો. અનેકના પૈસા ડૂબ્યાં, જેમાં આ દંપતીનો પણ વારો આવી ગયો. મહેનતની કમાણીના પૈસા ખાનગી કંપનીમાં ગુમાવ્યા. આ ભલા દંપતીએ વતનમાં મૂડીરોકાણ માટે સગાં પર પસંદગી ઉતારી. ટુકડે-ટુકડે ૭૦-૮૦ લાખ રૂપિયા મોકલી આપ્યા, જેથી પરસેવાની કમાણીનું વળતરદાયક જગ્યાએ રોકાણ થઇ જાય અને નિવૃત્તિ વેળા શાંતિથી વતનમાં સમય વીતાવી શકાય.
ગયા વર્ષે આ દંપતી ભારત પહોંચ્યા. અને સગાંને મળ્યા. મૂડીરોકાણમાં કેટલું વળતર મળ્યું તે સગાંને પૂછ્યું તો ઝાટકો લાગ્યો. પે’લાએ હાથ અદ્ધર કરી નાખ્યા.
આ બ્રિટિશ ગુજરાતીનો ભારતનો અનુભવ છે. તો શું ભારતમાં કોઇના ભરોસે મૂડીરોકાણ કરો તો આવું જ થાય? ના, એવું જરૂરી નથી. અહીં પણ એવું બની શકે છે.
હવે મારે બ્રિટનનિવાસી ગુજરાતી પરિવારનો એક અનુભવ આપ સહુ વાચક મિત્રો સમક્ષ રજૂ કરવો છે. પાંચ-પચીસ નહીં, પણ દોઢસો-બસો મિલિયન પાઉન્ડની અસ્ક્યામત ધરાવતા એક ચાર્ટર્ડ એકાઉન્ટન્ટે પરિવારના વિધવા માતાએ તૈયાર કરેલા વિલ સાથે ચેડાં કરીને તેમાંથી ભાઇનું નામ કાઢી નાંખ્યું.
પાપ આજે નહીં તો કાલે છાપરે ચઢીને પોકારે જ... ગોબાચારી કરનાર ‘સજ્જન’નું ભોપાળું ખુલ્લું પડ્યું. છેતરપિંડી બદલ કાનૂની કાર્યવાહી થઇ. કેસ ચાલ્યો. આ ‘સજ્જન’ને ત્રણ - સાડા ત્રણ વર્ષની જેલની સજા થઇ. કાયદા પ્રમાણે આગામી દિવસોમાં તેમને જેલમુક્તિ મળશે. સ્વાભાવિક છે કે યેનકેન પ્રકારેણ મેળવેલા લાખો પાઉન્ડમાંથી જલ્સા કરશે.
પહેલો કિસ્સો જૂઓ કે બીજો, બન્નેમાં ‘પોતાના’ જ પારકાં બન્યા છે. આમાં કોનો ભરોસો મૂકવો? આ કિસ્સા જાણીને મને પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજની એક શીખ યાદ આવી ગઇ. વર્ષોપૂર્વે નોર્થ લંડનમાં રહેતાં એક શોપકીપરને ત્યાં પ.પૂ. પ્રમુખ સ્વામી મહારાજને પધરામણી માટે લઇ જવાનો મને અવસર સાંપડ્યો હતો. પૂ. બાપાએ પરિવારજનોને આશીર્વચન આપ્યા. પે’લા હરીભક્તે ગદ્ગદ્ થઇને બાપાને પૂછ્યુંઃ એક મુશ્કેલી છે, મને મારગ સૂઝાડો.. મેં મારા ભાઇને એક લાખ પાઉન્ડ આપ્યા છે. હવે પાછા આપતો નથી. શું કરું?
પૂ. બાપાએ બહુ પ્રેમપૂર્વક યજમાન દુકાનદારને પૂછ્યુંઃ ભાઇ તારી પાસે કંઇ લખાણ ખરું? તેનો સ્વાભાવિક જવાબ હતોઃ ના. પૂ. બાપાએ કહ્યું કે શ્રીજી મહારાજે શિક્ષાપત્રીમાં સ્વહસ્તે અને સ્પષ્ટ શબ્દોમાં લખ્યું છે કે કુટુંબીજન સાથે આર્થિક વ્યવહાર કરો ત્યારે પણ લખાણ અચૂક કરો. લખાણ તો વંચાણ. સંબંધ સવા લાખનો પણ રૂપિયાની લેતીદેતીની વાત હોય ત્યારે લખાણ હોય તો ભવિષ્યમાં મુશ્કેલી ટાળી શકાય.
વાચક મિત્રો, પહેલાં પણ આવું બનતું જ હશે, પરંતુ હવે આવું વધુ બને છે. પારકું ધન પચાવી પાડવાની મનોવૃત્તિ માઝા મૂકી રહી છે. સમાજની શરમ ઘટી રહી છે - નહીં તો એક ભાઇ બીજા ભાઇના હકની સંપત્તિ ઓળવી જવાનું દુઃસાહસ ન જ કરે. પરસેવાની મૂડી હોય કે મિલકત હોય, ગરથ (નાણાં) ગાંઠે બાંધી રાખવામાં જ ભલું છે. કબ્જો હંમેશા બળવાન હોય છે. દીકરા-દીકરી કે કુટુંબીજન માટે ગમેતેટલો પ્રેમભાવ હોય, પણ આંખો બંધ કરીને બધો વહીવટ સોંપી દઇએ તો ક્યારેક કો’ક આપણને ટોપી પહેરાવી જ દે - પછી તે પોરબંદર હોય કે બ્રિટન.
અહીં બ્રિટનમાં એવા ઘણા કિસ્સા બને છે કે દયાળુ મા-બાપ સંતાનને કે અતિશય ભાવનાશીલ સંતાન તેના સગાં-સહોદરના હાથમાં પોતાના આયખાની કમાણી સોંપી દે છે અને પછી પેટ ભરીને પસ્તાય છે. વાસ્તવિક્તાનું ભાન થાય છે ત્યારે બહુ મોડું થઇ ગયું હોય છે. હંમેશા નીતિ એવી રાખવી કે કોઇનું કંઈ લઈ લેવું નહીં કે પચાવવાનો ઇરાદો રાખવો નહીં, પરંતુ સાથોસાથ એ વાતે પણ પાક્કું રહેવું કે આપણું કોઇ (આપણા હાથમાંથી) છીનવી જાય નહીં. (ક્રમશઃ)


comments powered by Disqus