લંડનઃ ગઈ તા.૩૧/૦૩/૨૦૧૮ને શનિવારે હેરો વિસ્તારમાં ભારતીય સંસ્કૃતિમય નૃત્યના કાર્યક્રમ ની રજૂઆત ‘સર્જન નર્તન એકડેમી’ યુ કેના વિધાર્થીઓ તથા પારંગત નૃત્યકારો દ્વારા કરાઈ હતી. તેમાં ભરત નાટ્યમ, લોકનૃત્યો તથા યોગ સાધના ની રજૂઆત કરવામાં આવી. હનુમાન ચાલીસા ઉપર થયેલી નૃત્ય પ્રસ્તુતિથી પ્રેક્ષકો મંત્રમુગ્ધ થઈ ગયા હતા. કાર્યક્રમના મુખ્ય અતિથી હિન્દુ ફોરમ ઓફ બ્રિટનના તૃપ્તિબેન પટેલે પ્રોત્સાહન આપ્યું હતું. ડેપ્યુટી મેયર ઓફ બ્રેન્ટ અરસદ મહમુદ, લીડર ઓફ બ્રેન્ટ મોહમદ બટ્ટ તથા વાસ્ક્રોફટ ફાઉંડેશનના શશિભાઈ વેકરિયા સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
સર્જન નર્તન એકેડેમી યુકેમાં ભારતીય નૃત્યશૈલી ભરત નાટ્યમ શીખવતી સંસ્થા છે. તેમાં વિધાર્થીઓને નૃત્યની તાલીમની સાથે સંસ્કાર, ભારતીય પરંપરા અને રીતરીવાજોની પણ તાલીમ આપવામાં આવે છે.
મૂળ અમદાવાદથી લંડન આવેલા નેહા પટેલે આ સંસ્થાની સ્થાપના ભારતીય સંસ્કૃતિના પ્રચાર-પ્રસાર માટે કરી છે. તેઓ લંડન ના વિવિધ વિસ્તારમાં શિક્ષણના ક્લાસ ચલાવે છે જેમાં ૧૦૦ કરતાં વધુ બહેન- દિકરીઓ નૃત્યની તાલીમ લઈ રહી છે. તેઓ ૪થી ૭૦ વર્ષ ના વિધાર્થીઓને નૃત્યની તાલીમ આપે છે. તેઓ ઘણી ચેરિટી સંસ્થા સાથે જોડાઈને સમાજ સેવાનું કાર્ય પણ કરે છે.

