‘ભાઇજાન’ સલમાન ખાનને કાળિયારના ગેરકાયદે શિકાર માટે જોધપુર કોર્ટે ફરમાવાયેલી સજા ભારે પડશે. પાંચ વર્ષની સજાના પગલે સલમાનને ‘રેસ-થ્રી’ના વિદેશમાંના શૂટિંગ્સ રદ કરવા પડયાં હોવાનું જાણવા મળ્યું હતું. ફિલ્મનાં થોડાંક એક્શન દૃશ્યો વિદેશમાં ઝડપવાની ડાયરેક્ટર રેમો ડિસોઝાની યોજના હતી અને એ માટેની પૂર્વતૈયારી પણ કરી લેવાઇ હતી, પરંતુ જોધપુર સેશન્સ કોર્ટે ફટકારેલી પાંચ વર્ષની સજાના પગલે આ નિર્ણય પડતો મૂકવો પડે એવી પરિસ્થિતિ સર્જાઇ છે. હાલ કોર્ટે સલમાનને જામીન પર મુક્ત કર્યો છે અને સજાને એના વકીલો હાઇ કોર્ટ કે સુપ્રીમ કોર્ટમાં પડકારવાના પણ છે, પરંતુ ત્યાં સુધી સલમાનને કોર્ટની રજા સિવાય દેશ છોડવાની મંજૂરી નથી. આમ સ્વાભાવિક રીતે જ આ વિદેશ શૂટિંગ રદ કરવાની ફિલ્મસર્જકને ફરજ પડી હોવાનું રેમોના પ્રવક્તાએ કહ્યું હતું.

