£ ૬૫૦,૦૦૦ના મકાનના હક્ક માટે પિતા-પુત્ર વચ્ચે કાનૂની જંગ

Monday 16th July 2018 05:36 EDT
 
 

લંડનઃ સેન્ટ અલ્બાન્સમાં આવેલા ૬૫૦,૦૦૦ પાઉન્ડના મકાનના હક્ક માટે ૭૬ વર્ષીય પિતા નેવિલ પોલ અને તેમના ૫૨ વર્ષીય પુત્ર બ્રેડલી વચ્ચે કાનૂની જંગ છેડાયો છે. પોલે હાઈકોર્ટને જણાવ્યું હતું કે વર્ષોના સખત પરીશ્રમ અને બલિદાન બાદ તે આ મકાન ખરીદી શક્યા હતા. હવે તેમને ઘરમાંથી બહાર કાઢવામાં આવી રહ્યા છે. જ્યારે બ્રેડલી વતી બેરિસ્ટર ઈવાન પેટને જણાવ્યું હતું કે મકાનની ટ્રાન્સફરની પ્રક્રિયા સંપૂર્ણપણે પોલના કહેવાથી જ થઈ હતી. બ્રેડલીએ તેમના પિતાનું શોષણ કર્યું હોવાની વાતને તેમણે નકારી કાઢી હતી. આ કેસમાં કોર્ટે ચુકાદો અનામત રાખ્યો છે.

પોલે કોર્ટને જણાવ્યું કે તેમના બેદરકાર અને લોભી પુત્રે તેમને ‘એફિંગ લોજર’ ગણાવ્યા હતા. પોલે ઉમેર્યું હતું કે તેમણે પ્રિન્ટ ઈન્ડસ્ટ્રીમાં ઘણાં દાયકા વીતાવ્યા હતા અને ૧૯૯૦ના દાયકાની શરૂઆતમાં તેમના સ્વપ્નનું આ મકાન ખરીદ્યું હતું. જોકે, આઠ વર્ષ અગાઉ સાવકા સંતાનોને બદલે પોતાના પુત્રને લાભ મળે અને ઈનહેરિટન્સ ટેક્સ તેમજ પ્રોપર્ટીની રકમ કેર હોમની ફીમાં ખર્ચાઈ જવાની શક્યતાથી બચવા માટે તેમણે મકાન પોતાના પુત્રના નામે ટ્રાન્સફર કરી દીધું હતું.

પોલના બેરિસ્ટર માર્ક બ્યુમોન્ટે જણાવ્યું હતું કે તે સમયે તેમના અસીલને તેમના પુત્ર પર એવો ભરોસો અને વિશ્વાસ હતો કે તેમનો પુત્ર જે કરશે તે યોગ્ય જ કરશે. બ્યુમોન્ટે ઉમેર્યું હતું કે આ પ્રોપર્ટી પોતાને ઉપયોગ માટે જોઈએ છે તેમ જણાવીને તેમના પુત્રે પિતાને અને વિકલાંગ માતાને ઘર છોડીને જતા રહેવા કહ્યું હતું. બ્યુમોન્ટે જણાવ્યું હતું કે પોલને મકાનની ટ્રાન્સફર રદ કરવા કોર્ટને અરજી કરવાની ફરજ પડી છે.


comments powered by Disqus