તેરમી જુલાઈએ ઓછામાં ઓછી એક જગ્યાએ તારીખિયાંમાં ‘અષાઢસ્ય પ્રથમા’એ સ્થાન લઈ લીધું હતું, તે ગુજરાત યુનિવર્સિટીનો સેનેટ સભાખંડ. લગભગ હજારેક સંસ્કૃતભાષા અને સાહિત્યપ્રેમીઓએ ‘સંસ્કૃતોત્સવ’ માણ્યો. ગુજરાતમાં જેમ ગુજરાતી, તે રીતે સંસ્કૃત, હિન્દી, ઉર્દુ, સિંધી અને કચ્છી ભાષાની અકાદમીઓ કાર્યરત છે, તેમાંની સંસ્કૃત અકાદમી પ્રતિ વર્ષે સંસ્કૃત ભાષા-સાહિત્યના પંડિતોને સન્માને છે. મંચ પર આ પંડિતો સહિત જે મહાનુભાવો ઉપસ્થિત હતા તેમાં ‘રાજભવન’ને ‘સંવાદભવન’માં પલટાવી નાખનાર શિક્ષણવિદ્ રાજ્યપાલ ઓમપ્રકાશ કોહલી, રાજ્યના શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, યુવા સંસ્કૃતિ પ્રધાન ઇશ્વરભાઈ પટેલ અને કુલપતિ ડો. હિમાંશુ પંડ્યા મુખ્ય હતા. સામે શ્રોતાજનોમાંના કેટલાકનાં નામો પ્રાસ્તાવિકમાં મેં લીધાં તેમાં ડો. આંબેડકર યુનિવર્સિટીના કુલપતિ ડો. પંકજ જાની, નરેન્દ્ર મોદી પર મહાકાવ્ય રચનાર ડો. અંબાલાલ પ્રજાપતિ, ‘ગુજરાત સમાચાર’-‘એશિયન વોઇસ’ના પ્રકાશક-તંત્રી સી. બી. પટેલ, વડોદરાનાં વિદૂષી ડો. શ્રુતિ ત્રિવેદી, પૂર્વ પ્રધાન અને મહાભારતના અધ્યયનકર્તા લેખક જયનારાયણ વ્યાસ, ગ્રંથનિર્માણ બોર્ડનાં ઉપાધ્યક્ષ તથા પૂર્વ મેયર ભાવનાબહેન દવે, ‘કલાનિધિ’ અકાદમીનાં અધ્યક્ષ અને પ્રાધ્યાપક ડો. અમી ઉપાધ્યાય, સંસ્કૃત ભારતીનાં રાષ્ટ્રીય સંગઠનમંત્રી દિનેશ કામથ.. આ નામોની યાદી પણ અધૂરી ગણાય એટલા વિશિષ્ટ મહાનુભાવો ઉપસ્થિત હતા.
આષાઢસ્ય પ્રથમ દિવસે કવિકુલગુરુ કાલિદાસ અચૂક યાદ આવે તેની સાથે સંસ્કૃત દ્વારા સંસ્કૃતિનું સંવર્ધન કરનારા સર્જકો - વેદઋષિઓ, આદિ શંકરાચાર્ય, બાણ, ભારવિનું યે સ્મરણ થાય. પાખંડખંડન માટે દયાનંદ સરસ્વતીએ સંસ્કૃતનું માધ્યમ પસંદ કર્યું. અરે, આપણા સ્વાતંત્ર્યવીર ક્રાંતીકાર પંડિત શ્યામજી કૃષ્ણવર્મા તો ભારતમાં ઠેર ઠેર સંસ્કૃતમાં જ સંભાષણ કરતા અને આંતરરાષ્ટ્રીય પુરાવિદ્યા પરિષદમાં ‘શ્રેષ્ઠ ભાષા-સંસ્કૃત’નો અભ્યાસ નિબંધ પ્રસ્તુત કર્યો હતો.
સંસ્કૃત અને હિબ્રુઃ આ બે ભાષાની પોતાની અસ્મિતા છે, બન્ને સંસ્કૃતિની સાથે જોડાયેલી ભાષા છે. હિબ્રુએ તો યહુદીઓમાં પ્રાણસંચાર કર્યો અને પોતાનાં રાષ્ટ્ર ઇઝરાયલનાં નિર્માણ માટેનો સંઘર્ષની અદભુત પ્રેરણા આપી. ભારતનું રાષ્ટ્રીય ગીત ‘વંદેમાતરમ્’ સંસ્કૃત ભાષાના પ્રયોજનનો ઉત્તમ નમૂનો છે. પ્રાદેશિક બંગભાષાથી ઉપર ઊઠીને બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયે ‘વંદેમાતરમ્’માં સંસ્કૃત-બંગાળી ભાષાનો વિનિયોગ કર્યો અને સ્વાતંત્ર્યજંગમાં હસતા મોંએ ‘વન્દેમાતરમ્’ ઉચ્ચારતા ફાંસીના માચડે લટકતા યુવક-યુવતીઓની હારમાળા સર્જાઈ.
જુઓ, આ એક જ ભાષા એવી છે, જેનાં નામનો સંબંધ સંસ્કૃતિની સાથે છે! બીજી કોઈ ભાષામાં એવું નથી. સંસ્કૃત અને સંસ્કૃતિઃ ભારતની ઓળખ છે. આજે વિસ્મૃત ગણાતી આ ભાષાએ વિજ્ઞાન, સાહિત્ય, અધ્યાત્મ, વૈયાકરણ, તર્કશાસ્ત્ર, સમાજવિદ્યા - એમ તમામ ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદાન કર્યું. વેદોપનિષદ, મહાભારત અને રામાયણઃ આ અણમોલ પ્રદાન છે, તેમાં કવિતા છે, ઇતિહાસ છે, જીવનદર્શન (ફિલસુફી) છે. ભગવદ્ ગીતાએ સમગ્ર સમાજને પ્રેરિત કર્યો. બાળ ગંગાધર ટિળકે તેનું ભાષ્ય માંડેલની રચના જેલમાં કરીને ‘ગીતા રહસ્ય’ લખ્યું. વિનોબાજીએ અલીપુર જેલમાં ‘ગીતા પ્રવચનો’ આપ્યાં. વિશ્વમાં સૌથી અધિક ભાષામાં પ્રકાશન ગીતાનું થયું છે. તેનો ‘કર્મયોગ’, ‘જ્ઞાનયોગ’, ‘યદા યદાહી ધર્મસ્ય...’ ‘સ્થિતપ્રજ્ઞ’નાં લક્ષણો, ‘યુદ્ધાય કૃતનિશ્ચય’નો રણકાર, ‘સર્વ ધર્માન પરિતજય, મામેકમ્ શરણમ્ વ્રજ’નો દૃઢ આદેશ... અને આ સઘળું યુદ્ધભૂમિ પરના રથમાં એક સારથિ દ્વારા!
ગુજરાત પણ આવી મહત્તામાં બાકાત નથી રહ્યું. ગાયત્રી મંત્ર ગુજરાતની નદીકિનારે રચાયો. વશિષ્ઠ, ભ્રુગુ અને દધીચિઃ ઋષિવરો ગુજરાતમાં આશ્રમ રચીને રહ્યા. વલભીનગરનો ભટ્ટ નામનો બ્રાહ્મણ એક શ્રેષ્ઠ મહાકાવ્ય ‘રાવણવધ’ રચે છે તે પાંચમી સદીમાં! વઢવાણના જિનસેન સૂરિએ ‘હરિવંશ પ્રમાણ’ આપ્યું. વડનગરે બે વિદ્વાનો - નારાયણસ્વામીના પુત્ર ભારવિ અને ‘કીર્તિ કૌમુદી’નો રચનાકાર સોમેશ્વર – આપ્યા. (મેં કહ્યુંઃ આ વડનગર અ-સામાન્ય વ્યક્તિઓને જ જન્મ આપે છે કે શું? શ્રોતાઓ તુરત સમજી ગયા અને તાળીઓના ગડગડાટથી સભાખંડ ગાજી ઊઠ્યો!), વાયડ ગામના અમરચંદ્ર, બાલચંદ્રનો ‘વસંત વિલાસ’, પાટણમાં વસ્તુપાલનું ‘નરનારાયણાનંદ’, સકલકીર્તિ ભટ્ટારકનું ‘શ્રીનીરવર્ધમાન’, ખીલજી યુગનું ‘હમ્મીર કાવ્ય...’ આ બધી ગુજરાતમાં રચાયેલી ખ્યાત સંસ્કૃત રચનાઓ છે.
ગુજરાતે હવે કાલીદાસ-ઉત્સવની જેમ અહીંના સંસ્કૃત કવિ - ઋષિવરોના ‘ઉત્સવ’ ઉજવવા જોઈએ એવું સૂચન તુરત કુલપિતએ સ્વીકારી લીધું અને શિક્ષણ પ્રધાન શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ રાજ્ય સરકાર સંસ્કૃત વિકાસ બોર્ડની રચના કરશે એવી ઉત્સાહક ઘોષણા કરી.
સંસ્કૃત વિકાસના બે રસ્તા છે. ઉત્તમ નિર્માણ થાય અને બીજું લોકો સુધી તે પહોંચે. ભાષાનો અભ્યાસ બાળકોથી થવો જોઈએ. (આ સમારંભમાં માધવી ઠાકરને એટલા માટે સન્માનિત કરાયા, જેમણે નાનાં બાળકોને મોટી સંખ્યામાં સંસ્કૃત ભણાવ્યું છે.) અકાદમીનું કાર્ય જ સર્જન-મિલન અને સંવર્ધનનું છે તેનું એક પ્રોત્સાહક ઉદાહરણ આ સમારંભ બની રહ્યું. ૩૫ હજારથી વધુ દર્શકોએ તેને ફેસબુક પર માણ્યો હતો.
સંસ્કૃતોત્સવમાં સન્માનિત મહાનુભાવો
• સાહિત્ય ગૌરવ પુરસ્કાર (વર્ષ ૨૦૧૭) ડો. ગૌતમભાઇ પટેલ
• સાહિત્ય ગૌરવ પુરસ્કાર (વર્ષ ૨૦૧૮) ડો. ગિરીશચંદ્ર ઠાકર
• વેદશાસ્ત્રપારંગત સંસ્કૃત પંડિત સન્માન (શુક્લયજુર્વેદ) હરકાંત મહેતા
• વેદશાસ્ત્રપારંગત સંસ્કૃત પંડિત સન્માન (શાસ્ત્રપંડિત) - ડો. રાજેન્દ્રપ્રસાદ શુક્લ
• વેદશાસ્ત્રપારંગત સંસ્કૃત પંડિત સન્માન (શાસ્ત્રપંડિત) - શાસ્ત્રી ઘનશ્યામભાઇ ત્રિવેદી
• વેદશાસ્ત્રપારંગત સંસ્કૃત પંડિત સન્માન (શાસ્ત્રપંડિત) - ડો. કૃષ્ણપ્રસાદ નિરૌલા
• વેદશાસ્ત્રપારંગત સંસ્કૃત પંડિત સન્માન (શાસ્ત્રપંડિત) - ડો. વાચસ્પતિ મિશ્ર
• વેદશાસ્ત્રપારંગત સંસ્કૃત પંડિત સન્માન (શાસ્ત્રપંડિત) - ડો. નર્મદાશંકર રાજગોર
• યુવા ગૌરવ પુરસ્કાર - ડો. કૃણાલ જોષી
• યુવા ગૌરવ પુરસ્કાર - અમિત ગોર
• સંસ્કૃત સેવા સન્માન - માધવીબહેન ઠાકર
• સંસ્કૃતભાષી પરિવાર સન્માન - જિતેન્દ્રકુમાર અને સોનલબહેન બ્રહ્મભટ્ટ

