આતંકીને નોકરી આપનાર હેડ ટીચરને ભણાવવા પર પ્રતિબંધ

Monday 16th July 2018 05:34 EDT
 
 

લંડનઃ ગયા જૂનમાં લંડન બ્રીજ પર આતંકી હુમલામાં સંડોવાયેલા ૨૮ વર્ષીય આતંકવાદી ખુરમ બટ્ટને નોકરી આપવા બદલ ૪૨વર્ષીય હેડ ટીચર સોફી રહેમાનને ભણાવવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. સોફીએ ખુરમનો ભતકાળ અને તેની યોગ્યતાની ચકાસણી કર્યા વિના જ ત્રણ વર્ષ સુધીના બાળકોને ભણાવવાની કામગીરી સોંપી હતી.

કોવેન્ટ્રીમાં ટીચીંગ રેગ્યુલેશન એજન્સી સમક્ષ રજૂઆત કરાઈ હતી કે સોફીએ ચકાસણી કરી હોત તો ખુરમનો હિંસક ભૂતકાળ સામે આવ્યો હોત.

હુમલાના આગળના દિવસ સુધી બટ્ટ ઈસ્ટ લંડનના ઈલ્ફર્ડમાં આવેલી અગાઉ અદ-દીન પ્રાઈમરી સ્કૂલ તરીકે જાણીતી એટન કોમ્યુનિટી સ્કૂલમાં ભણાવતો હતો. ગયા વર્ષે ફેબ્રુઆરીમાં બટ્ટને નોકરીએ રાખનાર સોફીએ બટ્ટના ક્લાસમાં કયા વિદ્યાર્થીઓ હાજર હતા તેની વિગત રાખી ન હતી. બટ્ટે બાળકોનું બ્રેઈનવોશ કર્યું હતું અને પોતાના પેરન્ટ્સ આગળ જૂઠ્ઠું બોલવા જણાવ્યું હતું.

ગયા જૂનમાં બટ્ટ સહિત ત્રણ આતંકીઓએ લંડન બ્રીજ પર હુમલો કર્યો હતો. તેમાં આઠ લોકો માર્યા ગયા હતા અને ૪૮ ઘવાયા હતા. તેમાં પોલીસે બટ્ટને ઠાર માર્યો હતો.


comments powered by Disqus