લંડનઃ યુકેના ઓક્સશોટમાં રહેતી ભારતીય મૂળની એંત્રપ્રિનિયોર મહિલા લીહ ચૌધરી ૪થી જુલાઈને બુધારે ઈંગ્લિશ ચેનલ તરીને તેને પાર કરનારી પ્રથમ બ્રિટિશ એશિયન મહિલા બની હતી. ચૌધરીએ પ્રિન્સ ઓફ વેલ્સ દ્વારા સ્થપાયેલી ચેરિટી બ્રિટિશ એશિયન ટ્ર્સ્ટ માટે ભંડોળ એકત્ર કરવા આ પડકાર સ્વીકાર્યો હતો. આ સાહસમાં ચૌધરીએ ડોવરથી કેલેઈસ સુધીનું ૨૨ માઈલનું અંતર ૧૩ કલાકમાં કાપ્યું હતું. જેલી ફિશ, શીપ ટેંકરો અને સીસીકનેસનો સામનો કર્યો હતો. આ ઉદેશ પાર પાડવા માટે લીહ ચૌધરીએ છ મહિનાની તાલીમ લીધી હતી.
બ્રિટિશ એશિયન ટ્ર્સ્ટ ભારતમાં હેરાફેરી અને શોષણથી બાળકોનું રક્ષણ કરે છે અને ગરીબ બાળકોને ઉચ્ચ ગુણવત્તાનું શિક્ષણ પૂરું પાડે છે. લીહે અગાઉ ટ્રસ્ટ માટે ૩૫,૦૦૦ પાઉન્ડ એકત્ર કર્યા હતા. બીએસસી થયેલી લીહ પોપ અપ, પાર્ટી એન્ડ પ્લેની સીઈઓ છે.
ટ્રસ્ટની સહયોગી સંસ્થા ‘પ્રેરણા’ દ્વારા જોખમ અનુભવતા બાળકો માટે ત્રણ નાઈટ કેર સેન્ટર તેમજ શેલ્ટર હોમ્સનું સંચાલન કરવામાં આવે છે. તે માનવ હેરાફેરીના વેપારમાંથી બચાવીને લવાયેલી છોકરીઓ માટે રેસિડેન્શિયલ ટ્રેનિંગ સેન્ટર પણ ચલાવે છે.
લીહે ગયા ફેબ્રુઆરીમાં ટ્રસ્ટની કામગીરી નિહાળવા બન્ને સંસ્થાની મુલાકાત લીધી હતી. લીહે ત્યાં બાળકોને મોટા થઈને શું બનવા માગો છો તેવો પ્રશ્ર પૂછતાં બાળકોએ મુશ્કેલી વેઠતા હોવા છતાં ફૂટબોલર કે ડોક્ટર બનવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.

