લંડનઃ NHS હોસ્પિટલોમાં કામના ભારણને લીધે ટ્રેનિંગ મેળવવામાં ખૂબ ઓછો સમય મળતો હોવાથી જુનિયર ડોક્ટરો તેમનું કૌશલ્ય સુધારવામાં નિષ્ફળ રહે છે. જનરલ મેડિકલ કાઉન્સિલના નવા અહેવાલમાં યુવા ડોક્ટરોની શીખવાની ક્ષમતા વિશે ચિંતા વ્યક્ત કરી હતી. ટ્રેઈનર તરીકે કાર્ય કરતા ત્રણ ડોક્ટરમાંથી એકે જણાવ્યું હતું કે તેઓ યુવા ડોક્ટરોને શીખવાડવા માટે સમય ફાળવી શકતા નથી. ૭૦,૦૦૦ થી વધુ ડોક્ટરોના દેશવ્યાપી સર્વેમાં જણાયું હતું કે ત્રીજા ભાગના જુનિયર ડોક્ટરો કામ શરૂ કરતા પહેલા જ થાકી જતા હતા. જ્યારે દસમાંથી ચારે તેમનો કાર્યભાર વધુ હોવાનું જણાવ્યું હતું. GMCના ચીફ એક્ઝિક્યુટિવ ચાર્લી મેસીએ જણાવ્યું હતું કે જરૂરી તાલિમ મેળવવા માટેનો સમય કાઢવા ડોક્ટરો સંઘર્ષ કરે છે. ટ્રેનિંગ સુરક્ષિત હોવી જોઈએ અને દરેક એમ્પ્લોયરે આ બાબતે તાકીદે ધ્યાન આપવાની જરૂર છે.
