લંડનઃ જસ્ટિસ સેક્રેટરી ડેવિડ ગોકે જણાવ્યું હતું કે જેલમાં હિંસા અને ગુનાખોરી અટકાવવા માટે કેદીઓને ફોનની સુવિધા અપાશે. જેલોમાં સુધારા વિશેના વક્તવ્યમાં ગોકે ૭.૫ મિલિયન પાઉન્ડના ખર્ચે ઈંગ્લેન્ડ અને વેલ્સની જેલોની કોટડીઓમાં આ સુવિધાની યોજના જાહેર કરી હતી. ૨૦ જેલમાં આ સુવિધા ઉપલબ્ધ છે અને વધુ ૨૦ જેલમાં આગામી બે વર્ષમાં આ સુવિધા ઉભી કરાશે.
મિનિસ્ટ્રી ઓફ જસ્ટિસ મુજબ હાલ પબ્લિક ફોન માટે લેન્ડિંગ્સ પર મોટાભાગના કેદીઓને લાઈનમાં ઉભા રહેવું પડે છે. તેને લીધે હિંસા ભડકી ઉઠે અથવા ગેરકાયદે મોબાઈલ ફોન્સની માંગ વધી શકે છે.
જોકે, અધિકારીઓએ ભારપૂર્વક જણાવ્યું હતું કે ઈન-સેલ્સ ફોન કડક સુરક્ષા પગલાંને આધિન રહેશે. બધા કોલ રેકોર્ડ કરવામાં આવશે. વપરાશકારો માત્ર થોડાક જ અને અગાઉથી માન્ય કરાયેલા નંબરો પર ફોન કરી શકશે. આ સેવાનો ઉપયોગ ગુના માટે થતો હોવાની શંકા જશે તો સંપૂર્ણ દેખરેખ પણ રખાશે.

