નાસ્તિકો કરતાં આસ્તિક લોકોનું આયુષ્ય વધુ

Wednesday 18th July 2018 07:02 EDT
 
 

વોશિંગ્ટનઃ લોકોની ધાર્મિક આસ્થા અને લાંબા આયુષ્ય વચ્ચે ગાઢ સંબંધ હોવાનું અભ્યાસમાં જાણવા મળ્યું છે. નાસ્તિકો કરતાં ધાર્મિક લોકોનું જીવન લગભગ સાડા નવ વર્ષ વધારે લાંબું હોવાનું અમેરિકામાં પ્રસિદ્ધ કરાયેલા ૧,૦૦૦ મંતવ્યોનાં પૃથક્કરણમાં જણાયું છે.

ઓહાયોના સાઇકોલોજીના સંશોધકોએ કહ્યું હતું કે આની પાછળ ગુણવત્તા અને વ્યક્તિનાં ગુણો કામ કરતાં હોય છે. જે વ્યક્તિ ધર્મમાં આસ્થા ધરાવતી હોય, વધુ સામાજિક સંબંધો રાખતી હોય અને સ્વયંસેવી હોય તે લાંબુ જીવતી હોય છે. ધાર્મિક હોવાની સાથે સાથે વ્યક્તિ ઓછો દારૂ પીતી હોય અને સમાજસેવા કરતી હોય તો તે લાંબું જીવન જીવતી હોવાનું જાણવા મળ્યું હતું.

ઓહાયો સ્ટેટ યુનિવર્સિટીના સાઇકોલોજી વિભાગના ડોક્ટરલ સ્ટુડન્ટ અને સંશોધક લૌરા વાલેસે જણાવ્યું હતું કે, વ્યક્તિ ધાર્મિક આસ્થા ધરાવતી હોય ત્યારે તેના અનેક લાભ મળતા હોય છે, જેનું શબ્દોમાં વિવરણ કરવું શક્ય નથી. વ્યક્તિની ધાર્મિકતા અને તેનાં લાંબા આયુષ્ય વચ્ચે સંબંધ હોવાનું તેમને અભ્યાસમાં જણાયું હતું. ધર્મમાં આસ્થા ધરાવતાં લોકો નાસ્તિકો કરતાં ૯.૪૫ વર્ષ લાંબું જીવ્યાં હતાં.


comments powered by Disqus