બોચાસણવાસી શ્રી અક્ષર પુરુષોત્તમ સ્વામીનારાયણ સંસ્થા (BAPS) ના વડા પ.પૂ. મહંત સ્વામી હાલ આણંદ ખાતે વિચરણ કરી રહ્યા છે. અગાઉ, એક મહિના સુધી એટલે કે તા.૧૫ જુલાઈ સુધી સારંગપુરમાં વિચરણ બાદ પૂ. મહંત સ્વામી ૧૬મી જુલાઈએ આણંદ પહોંચ્યા હતા. તેઓ આણંદમાં બાળ, કિશોર તેમજ યુવક-યુવતી અને પુરુષો-મહિલાઓની સભાઓમાં ઉપસ્થિત રહીને સૌને દર્શન અને સત્સંગનો લાભ આપી રહ્યા છે. આશીર્વચનમાં પૂ.મહંત સ્વામી સૌ હરિભક્તોને સંપ, સદભાવ અને એકતાના ગુણોને વધુ દ્રઢ બનાવવાની શીખ આપે છે. આ અગાઉ સારંગપુરમાં વિદ્યા મંદિર દિવસની ઉજવણી કરાઈ હતી. વિદ્યા મંદિરના વિદ્યાર્થીઓએ સવારે ‘માય લાઈફ ઈઝ સ્વામી’ વિષય પર કાર્યક્રમ અને સાંજે સંવાદ રજૂ કર્યો હતો. પૂ. મહંત સ્વામીએ આશીર્વચન પાઠવતા મનને કેવી રીતે કાબૂમાં રાખવું તેની શીખ આપી હતી. શનિવાર તા.૧૪મીએ મંદિર પરિસરમાં ભવ્ય રથયાત્રા યોજાઈ હતી. જેમાં મોટી સંખ્યામાં સંતો અને હરિભક્તો જોડાયા હતા. મહંત સ્વામી તેમના ઉતારેથી રથમાં બેઠા હતા. તેમના રથમાં ઠાકોરજી બિરાજમાન હતા. પહેલા રથમાં પૂ. પ્રમુખ સ્વામીની પ્રતિમા રખાઈ હતી. રથયાત્રા મંદિર પરિસરથી સભામંડપ પહોંચીને સભામાં ફેરવાઈ ગઈ હતી. આ પ્રસંગે પૂ. મહંત સ્વામીએ માણસના જીવનમાં ગુરુના મહત્ત્વ વિશે વાત કરી હતી. પૂ. મહંત સ્વામી તા.૨૧ જુલાઈ સુધી આણંદમાં વિચરણ બાદ બોચાસણ જશે.

