બીસ સાલ બાદ... ફ્રાન્સ ફરી ‘ફિફા’ વર્લ્ડ કપ ચેમ્પિયન

Wednesday 18th July 2018 06:43 EDT
 
 

મોસ્કોઃ રશિયાના પાટનગર મોસ્કોમાં રવિવારે રમાયેલા ‘ફિફા’ વર્લ્ડ કપના રોમાંચક ફાઇનલ મુકાબલામાં ફ્રાન્સે લડાયક ક્રોએશિયાને ૪-૨થી કારમો પરાજય આપીને ફરી એક વખત ટાઇટલ કબ્જે કર્યું છે. આ સાથે જ ફ્રાન્સે બે દસકાના લાંબા અરસા બાદ ફરી વિશ્વવિજેતા પદ હાંસલ કર્યું છે.

ક્રોએશિયા પાસે ટાઇટલ જીતીને ઇતિહાસ રચવાની તક હતી પરંતુ ફ્રાન્સે તેની આશા પર પાણી ફેરવી નાખ્યું હતું. ફ્રાન્સ તરફથી ગ્રિએઝમાન, પોગ્બા અને મેબાપેએ એક-એક ગોલ કર્યા હતા. ક્રોએશિયાના મોન્ઝુકિચે સેલ્ફ ગોલ કરતાં ફ્રાન્સને ફાયદો થયો હતો જ્યારે ક્રોએશિયા તરફથી પેરિસિચ અને મોન્ઝુકિચે ૧-૧ ગોલ કર્યા હતા.

મેચના પ્રારંભે ક્રોએશિયાએ આક્રમક રમત દ્વારા દબાણ વધાર્યું હતું પરંતુ ૧૮મી મિનિટે ગ્રિએઝમાનને નીચે પટકતાં ફ્રાન્સને પેનલ્ટી કિક મળી હતી. જેના પર ગ્રિએઝમાને શોટ ફટકાર્યો હતો. જેને રોકવાના પ્રયાસમાં મારિયો મોન્ઝુકિચે આત્મઘાતી ગોલ કરતાં ફ્રાન્સે ૧-૧ની બરાબરી મેળવી લીધી હતી. મેચની ૩૬મી મિનિટે ક્રોએશિયાના ખેલાડી પેરિસિચના હાથે બોલ વાગ્યો હતો. આથી ફ્રાન્સને પેનલ્ટી કિક મળી હતી. જેના પર ગ્રિએઝમાને ગોલ કરી ફ્રાન્સને ૨-૧ની લીડ અપાવી હતી. ફ્રાન્સે આ લીડ પ્રથમ હાફ સુધી જાળવી હતી. બીજા હાફમાં પોલ પોગ્બાએ ગોલ કરી ફ્રાન્સને ૩-૧ની મજબૂત લીડ અપાવી ડ્રાઇવિંગ સીટમાં લાવી દીધું હતું. ક્રોએશિયા હજુ કંઈ વિચારે તે પહેલાં ૬૫મી મિનિટે કેલિયન મેબાપેએ ગોલ કરી ફ્રાન્સને ૪-૧થી આગળ કરી દીધું હતું. ૬૯મી મિનિટે મોન્ઝુકિચે ગોલ કરીને લીડ ઘટાડી હતી. અંતિમ ક્ષણો સુધી ગોલ કરવામાં સફળતા ન મળતાં ફ્રાન્સે ૪-૨થી મેચ જીતવાની સાથે ચેમ્પિયન બની હતી.

પેરિસમાં માનવમહેરામણ

રવિવારે રાત્રે ફ્રાન્સ ચેમ્પિયન બન્યું (ચેમ્પિયન્સ ડૂ મોંડે) તે સાથે જ ઉજવણી કરવા પેરિસની સડકો પર માનવમહેરામણ ઉમટી પડ્યો હતો. એફિલ ટાવર અને તેની નજીકમાં આવેલી દોઢ કિમી લાંબી 'શોન્ઝે-લીઝે સ્ટ્રિટ' પર લાખોની સંખ્યામાં ફ્રાન્સવાસીઓ ઉમટી પડ્યા હતા. અહીં મેચના ટેલિકાસ્ટ માટે મોટા-મોટા સ્ક્રિન લગાવાયા હતા. ફ્રાન્સની ટીમ ૧૯૯૮માં ફૂટબોલ વિજેતા બન્યાના ૨૦ વર્ષ બાદ ફરીથી ચેમ્પિયન બની હતી. ફ્રાન્સના નાગરિકો દેશના ધ્વજ, જાત-ભાતની ટોપીઓ, રંગબેરંગી પોશાકોમાં સજ્જ થઈને પેરિસની સડકો પર ઉતરી પડ્યા હતા. એક લાખથી વધુ લોકોએ આખી રાત 'વી આર ધ ચેમ્પિયન, વી આર ધ ચેમ્પિયન'ના નારા સાથે વિજયની ઉજવણી કરી હતી. મોડી રાત્રે વિશ્વવિખ્યાત એફિલ ટાવર પર ફ્રાન્સના રાષ્ટ્રધ્વજના ત્રણ રંગ લાલ, સફેદ અને વાદળી રંગની રોશની કરવામાં આવી હતી. 'ધ આર્ક ડી ટ્રાયમ્ફ' પર પણ રાષ્ટ્રીય ધ્વજના રંગની રોશની કરાઈ હતી. તેમાં વિજેતા ટીમના ખેલાડીઓના
ચહેરા દર્શાવવાની સાથે 'પ્રાઉડ ટુ બી બ્લ્યૂ' લખાણ લખાયું હતું.

મેટ્રો સ્ટેશનને વિજેતાના નામ

ફિફા વર્લ્ડ કપમાં વિજેતા બન્યા બાદ પેરિસની મેટ્રો સિસ્ટમે તેનાં ૬ સ્ટેશનના નામ દેશની વિજેતા ટીમના ૬ ખેલાડીના નામે કર્યા છે. પેરિસની અંડરગ્રાન્ડ મેટ્રોના બે સ્ટેશનના નામ કોચ ડેડિઅર ડેસચેમ્પ્સના નામે કરાયા છે.

મેબાપેની દિલેરી

વિશ્વવિજેતા ફ્રાન્સના સૌથી યુવા ખેલાડી કેલિયાન મેબાપેએ વર્લ્ડ કપ થકી થયેલી તમામ કમાણી એક ચેરિટી સંસ્થાને આપવાનો નિર્ણય કર્યો છે. યંગ પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટ બનેલા મેબાપેએ ટૂર્નામેન્ટ દરમિયાન ચાર ગોલ કરી ફ્રાન્સને જીત અપાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. મેબાપેને વર્લ્ડ કપમાંથી રૂ. ૩.૫ કરોડ રૂપિયાની કમાણી થઈ હતી. આ કમાણીને તે હોસ્પિટલમાં સારવાર લેતા દિવ્યાંગ બાળકો માટે દાન કરનાર છે. આ રકમ તે ચેરિટી સંસ્થા પ્રીમિયર્સ ડી કોર્ડને આપશે. મેબાપેને વર્લ્ડ કપમાં પ્રતિ મેચની ફી ૧૫.૪૯ લાખ રૂપિયા મળી હતી. આથી સાત મેચમાં તેની કુલ કમાણી ૧.૦૮ કરોડ રૂપિયા થઈ હતી. ફ્રાન્સ વિજેતા બનતાં બોનસ તરીકે ૨.૪૨ કરોડ રૂપિયા મળશે. આમ, મેબાપેની વર્લ્ડ કપમાં કુલ કમાણી ૩.૪૯ કરોડ રૂપિયા થઈ હતી. મેબાપેએ સહયોગી સાથે ચર્ચા કર્યા બાદ નિર્ણય કર્યો હત કે, આ રકમ દાનમાં આપશે.

ઇતિહાસનું પુનરાવર્તન અટક્યું

વર્ષ ૧૯૩૦થી શરૂ થયેલા વર્લ્ડ કપમાં યજમાન ઉરુગ્વેની ટીમ ચેમ્પિયન બની હતી. આના ૨૦ વર્ષ બાદ ફરી ઉરુગ્વેએ ટાઇટલ જીત્યું હતું, પરંતુ ૧૯૫૮માં યોજાયેલા વર્લ્ડ કપથી દર ૨૦ વર્ષે ફૂટબોલને નવો ચેમ્પિયન મળ્યો છે. ૧૯૫૮માં બ્રાઝિલે પ્રથમ વખત વર્લ્ડ કપ જીતતાં વિશ્વને નવો વર્લ્ડ ચેમ્પિયન મળ્યો હતો. આ પછી ૨૦ વર્ષ બાદ આર્જેન્ટિનામાં ફૂટબોલ વર્લ્ડ કપ યોજાયો હતો, જેમાં વિશ્વને આર્જેન્ટિનાના રૂપમાં વધુ એક વર્લ્ડ ચેમ્પિયન મળ્યો. આ ક્રમ ૨૦ વર્ષ બાદ જળવાઈ રહ્યો હતો અને ૧૯૯૮માં યજમાન ફ્રાન્સે સૌથી વધુ વર્લ્ડ કપ જીતનાર બ્રાઝિલને હરાવી ટાઇટલ જીત્યું હતું. હવે ૨૦ વર્ષ બાદ આ વખતે ફરી વર્લ્ડ કપને નવો ચેમ્પિયન મળવાની સૌને આશા હતી. જોકે ફ્રાન્સે ક્રોએશિયાની આશા પર પાણી ફેરવતાં ઇતિહાસનું પુનરાવર્તન થયું નથી.

કેટેગરી એવોર્ડ

• ગોલ્ડન બૂટઃ કેપ્ટન હેરી કેન (ઈંગ્લેન્ડ)
• સિલ્વર બૂટઃ એન્ટોની ગ્રિએઝમાન (ફ્રાન્સ)
• બ્રોન્ઝ બૂટઃ રોમેલુ લુકાકુ (બેલ્જિયમ)
• ગોલ્ડન ગ્લોવ્ઝઃ કોર્ટિયસ (બેલ્જિયમ)
• ગોલ્ડન બોલઃ કેપ્ટન લુકા મોડ્રિચ (ક્રોએશિયા) • યંગેસ્ટ પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટઃ મેબાપે (ફ્રાન્સ)


comments powered by Disqus