ભારતનું મહાકાય અર્થતંત્ર પ્રગતિના પંથે

Tuesday 17th July 2018 14:15 EDT
 

વર્લ્ડ બેન્કના ૨૦૧૭ માટેના ડેટા અનુસાર વિશ્વના સૌથી મોટા અર્થતંત્રોમાં ભારતે ફ્રાન્સ પાસેથી છઠ્ઠું સ્થાન ખૂંચવી લીધું છે. ગત વર્ષોમાં ભારતની સતત વિકાસગતિ સાથે વૈશ્વિક પાવરહાઉસ તરીકે તેની ગણના થવી સ્વાભાવિક જ હતી. વર્લ્ડ બેંકના રિપોર્ટ અનુસાર ટોચના અર્થતંત્રોમાં અમેરિકા (૧૯.૩ ટ્રિલિયન ડોલર) પ્રથમ ક્રમે અને તે પછી ચીન ( ૧૨.૨૩ ટ્રિલિયન ડોલર), જાપાન (૪.૮૭ ટ્રિલિયન ડોલર), જર્મની (૩.૪૩ ટ્રિલિયન ડોલર) અને યુકે (૨.૬૨ ટ્રિલિયન ડોલર) આવે છે. અનુમાન મુજબ વર્ષ ૨૦૩૨ સુધીમાં અમેરિકા અને ચીન પછી ભારત વિશ્વનું સૌથી મોટું અર્થતંત્ર બની જશે.
સાતમા ક્રમે ધકેલાયેલા ફ્રાન્સની સરખામણીએ ભારતે તેના અર્થતંત્રના કદને બમણું કરી દીધું છે. ગત દસકા દરમિયાન, ભારતની કુલ ઘરેલુ પેદાશ (GDP) સરેરાશ ૮.૩ ટકાના દરે વધી છે, જ્યારે ફ્રાન્સની જીડીપીમાં વાસ્તવમાં ૦.૦૧ ટકાનો ઘટાડો નોંધાયો છે. આ વર્ષે ભારતનો વિકાસ દર ૭.૪ ટકા અને ૨૦૧૯માં ૭.૮ ટકા રહી શકે છે. જેની સામે દુનિયાનો સરેરાશ વિકાસ દર ૩.૯ ટકા રહેવાનું અનુમાન છે. અર્થશાસ્ત્રીઓના કહેવા મુજબ તો ૨૦૧૬ની નોટબંધી બાદ ભારતની અર્થવ્યવસ્થાને બ્રેક વાગી હતી. જોકે, જુલાઈ ૨૦૧૭ પછી અર્થતંત્રની ગાડી ફરી પાટા ચઢવા માંડી છે.
બીજી વાત નોંધવા જેવી એ છે કે ગત ૧૦ વર્ષમાં ભારતની જીડીપી ૨૦૦૭માં ૧.૨૦૧ ટ્રિલિયન ડોલરથી વધી ૨૦૧૭માં ૨.૫૯૭ ટ્રિલિયન ડોલર થઈ છે એટલે કે ૧૧૬.૩ ટકાની વૃદ્ધિ થઈ છે. બીજી તરફ, ફ્રાન્સની જીડીપી ૨૦૦૭માં ૨.૬૫૭ ટ્રિલિયન ડોલર હતી તે ઘટી ૨૦૧૭માં ૨.૫૮૩ ટ્રિલિયન ડોલર થઈ છે એટલે કે ૨.૮ ટકાનો ઘટાડો થયો છે.
જોકે, મુખ્ય પ્રશ્ન એ થાય કે મહાકાય વૈશ્વિક અર્થતંત્રોની યાદીમાં ભારતના આગળ વધવાને સામાન્ય ભારતીય નાગરિક કેવી રીતે નિહાળતો હશે? મુખ્ય અર્થતંત્રોમાં માથાદીઠ આવકના ગ્રાફ અને ભારતીય નાગરિકની માથાદીઠ આવક વિશે વિચારવું આવશ્યક છે. ભારત અને ફ્રાન્સમાં માથાદીઠ આવક વિચારીએ તો ભારતમાં અંદાજિત વાર્ષિક માથાદીઠ આવક સરેરાશ ૧,૯૪૦ ડોલર છે, જ્યારે ફ્રાન્સની માથાદીઠ આવક ૩૮,૪૭૭ ડોલર છે જે ભારતની સરખામણીએ છ ગણી વધુ કહી શકાય. અને જો ખર્ચક્ષમતાની વાત કરીએ તો વિશ્વમાં ફ્રાન્સ ૨૫મા સ્થાને અને ભારત ૧૨૩મા સ્થાને છે. સરેરાશ ફ્રેન્ચમેનની સરખામણીએ ભારતીય નાગરિક ઘણો જ ગરીબ છે.
કોઈ પણ અર્થતંત્રનું સ્તર દેશના કદ, તેની વસ્તી અને વર્કફોર્સ સાથે સંકળાયેલું છે. ભારતની વસ્તી ૧.૩૪ બિલિયન અને ફ્રાન્સની વસ્તી ૬૭ મિલિયન છે. આમ વસ્તીમાં ભારે તફાવતના કારણે પણ ભારતની માથાદીઠ ખર્ચક્ષમતા ઘણી ઓછી છે. જોકે, સાવ આમ નથી. ચીનની વાત કરીએ તો, ૧.૪૦ બિલિયનની વસ્તી સાથે ચીનની માથાદીઠ આવક ૧૬,૭૬૦ ડોલર છે અને વિશ્વમાં ૭૭મો ક્રમ ધરાવે છે. રોજગારની દૃષ્ટિએ પણ ભારતની સ્થિતિ સંતોષકારક નથી. અર્થતંત્રનું કદ વધવાથી પણ રોજગાર ક્ષમતામાં વધારો થયો નથી. ચીન, યુકે અને જર્મનીમાં બેરોજગારી દર ૩થી ચાર ટકાનો છે, ભારતના સંગઠિત ક્ષેત્રમાં ૩.૫૨ ટકા અને ફ્રાન્સમાં આ દર નવ ટકા જેટલો છે.


comments powered by Disqus