નવી દિલ્હીઃ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO)એ ભારતને મેટરનલ મોર્ટાલિટી રેશિયો (પ્રસુતિ દરમિયાન માતાઓના મોતનો રેશિયો)માં ૭૭ ઘટાડા માટે બીરદાવ્યું છે. ૧૯૯૦માં એક લાખ બાળકોએ મોતનો આંકડો ૫૫૬નો હતો, જે આજે ૨૦૧૬માં ઘટીને ૧૩૦ થયો છે. આમ ૨૬ વર્ષમાં મેટરનલ મોર્ટાલિટી રેશિયો (માતાઓના મોતનો રેશિયો)માં ૭૭ ટકાનો ઘટાડો થયો છે. સંસ્થાએ વધુમાં જણાવ્યું કે ૨૦૩૦ સુધી આ રેશિયોને ૭૦ની નીચે લાવવાના વિકાસનાં ધ્યેય તરફ ભારત આગળ વધી રહ્યું છે. હાલમાં ભારતનો આ રેશિયો મિલેનિયમ ડેવલપમેન્ટ ગોલ કરતા ઓછો છે.
WHOનાં સાઉથ-ઇસ્ટ એશિયા રીજીનલ ડિરેક્ટર પુનમ ખેત્રપાલ સિંહે જણાવ્યું હતું કે, ગુણવત્તાયુક્ત મેટરનલ સર્વિસ દેશભરમાં ફેલાવવા નક્કર પગલા લેવાયા છે. ૨૦૦૫થી લઇને અત્યાર સુધી આ સુવિધાઓમાં બમણો વધારો કરાયો છે. ઉપરાંત જાહેર સુવિધાઓને લગતી સંસ્થાઓમાં પણ ત્રણ ગણો વધારો થયો છે. જે પ્રમાણ ૨૦૦૫માં ૧૮ ટકા હતું, તે ૨૦૧૬માં વધીને બાવન ટકા થયું છે. આમાં ખાનગી સંસ્થાઓનો સમાવેશ કરીએ તો ૭૯ ટકા થાય છે. અત્રે ઉલ્લેખનીય છે કે સરકારનાં જનની શિશુ સુરક્ષા કાર્યક્રમ હેઠળ ગર્ભવતી મહિલાઓને વિનામૂલ્યે પ્રસુતિની સુવિધા અપાય છે. જેમાં ટ્રાન્સપોર્ટ અને સીઝેરીયન ઓપરેશન જેવી સુવિધાઓ પણ સામેલ છે.

