મશીનમાં પ્લાસ્ટિકની બોટલ નાખો અને ૧૦ પેન્સ મેળવો

Monday 16th July 2018 05:32 EDT
 
 

લંડનઃ વિશ્વભરમાં પ્લાસ્ટિકનું પ્રદૂષણ ઘટાડવા માટે દરેક સ્તરે પ્રયાસ થઈ રહ્યા છે. ત્યારે મોરિસને ટ્રાયલ માટે તેના સ્ટોર્સમાં પ્લાસ્ટિક બોટલ્સ અને એલ્યુમિનિયમ કેન્સ માટે રિવર્સ વેન્ડિંગ મશીન મૂક્યા છે. આ યોજનાને આવતા વર્ષે સમગ્ર યુકેમાં લાગૂ કરાય તેવી શક્યતા છે. ગ્રાહક મશીનમાં એક બોટલ કે કેન નાખે તેની સામે મશીનમાંથી ૧૦ પેન્સનું શોપીંગ વાઉચર નીકળે છે.

મોરિસને ગ્રાહકોની પ્રતિક્રિયા જાણવા માટે તેના સ્કીપ્ટન, નોર્થ યોર્કશાયર અને ઈસ્ટ કિલબ્રાઈડના સ્ટોર્સમાં છ મહિનાની ટ્રાયલ હાથ ધરી છે. મશીન બારકોડ સાથેની કોઈપણ બ્રાન્ડની તેમજ તેની બે બ્રાન્ડની પ્લાસ્ટિક ડ્રિંક બોટલ અને એલ્યુમિનિયમ કેન્સ સ્વીકારશે . જોકે, દૂધની બોટલ અલગ પ્રકારના પ્લાસ્ટિકમાંથી બનતી હોવાથી તેને આમાં બાકાત રખાઈ છે. કોઈપણ ગ્રાહક એક દિવસમાં મહત્તમ ૨૦ બોટલ અથવા કેન પરત આપી શકશે અને દરેક બોટલ કે કેન બદલ ૧૦૦ મોરિસન્સ મોર પોઈન્ટ્સ (૧૦ પેન્સના મૂલ્યના) મેળવી શકશે અથવા ચીલ્ડ્રન્સ કેન્સર ચેરિટી CLIC Sargentને ડોનેશન માટે ૧૦ પેન્સ કેશ મેળવી શકશે.

એન્વાયર્નમેન્ટ સેક્રેટરી માઈકલ ગોવે ડ્રિંક્સ કન્ટેનર માટે ડિપોઝીટ રિટર્ન સ્કીમ દાખલ કરવાનું વચન આપ્યું છે. પરંતુ, તેની પદ્ધતિ અથવા તે ક્યારે લાગૂ કરાશે તેની વિગતો હજુ જાહેર કરાઈ નથી.

યુકેમાં દર વર્ષે પીણાંની ૧૩ બિલિયન પ્લાસ્ટિક બોટલ વેચાય છે. પરંતુ, તેમાંથી માત્ર ૭૪ ટકાનું જ રિસાયકલિંગ થાય છે. એટલે કે ત્રણ બિલિયન કરતાં વધુ બોટલનો નાશ થાય છે અથવા લેન્ડફિલમાં જાય છે અથવા કચરામાં જાય છે. નોર્વેમાં ડિપોઝીટ સ્કીમ અને રિવર્સ વેન્ડિંગ હોવાથી આવી ૯૬ ટકા બોટલનું રિસાયકલિંગ થાય છે.


comments powered by Disqus