કેનેડાના વેનકુવર ખાતે ગઈ તા.૯થી તા.૧૩ જુલાઈ દરમિયાન યોજાયેલી ૧૭મી વર્લ્ડ સંસ્કૃત કોન્ફરન્સમાં સંસ્કૃતના વિદ્વાનોએ ભગવાન સ્વામીનારાયણના અક્ષર પુરુષોત્તમ દર્શનને ૧૬મી સદીથી અત્યાર સુધીની વેદાંતની નવી સ્વતંત્ર પ્રથમ શાળા ગણાવી હતી. કોન્ફરન્સના ઉદઘાટન સત્રમાં BAPSસંસ્થાના સાધુ ભદ્રેશદાસ દ્વારા લિખિત ‘સ્વામીનારાયણ ભાષ્યમ’ અને ‘સ્વામીનારાયણ સિદ્ધાંત સુધા’નું વિમોચન કરાયું હતું. દર ત્રણ વર્ષે યોજાતી આ કોન્ફરન્સનું પ્રથમ વખત કેનેડામાં આયોજન થયું હતું, જેમાં ૪૦ દેશના ૬૦૦થી વધુ વિદ્વાનોએ ભાગ લીધો હતો.
ઇન્ટરનેશનલ એસોસિયેશન ઓફ સંસ્કૃત સ્ટડીઝના ઓર્ગેનાઇઝીંગ કમિટીના સભ્ય અને વિખ્યાત વિદ્વાન શ્રી અશોક અકલુજકરજીએ જણાવ્યું હતું, ‘ ભદ્રેશદાસ સ્વામીએ લખેલાં પ્રસ્થાનત્રયી પરનાં ભાષ્યો ખૂબ મોટી સિદ્ધિ છે. આવા મહાન ભાષ્યકારનું આપણી વચ્ચે હોવું તે વર્લ્ડ સંસ્કૃત કોન્ફરન્સ માટે ગૌરવનો વિષય છે. તેમના ભાષ્યો અને વાદગ્રંથના આધારે કાશી વિદ્વત્ત્ પરિષદે ભગવાન શ્રી સ્વામિનારાયણના તત્ત્વજ્ઞાનને મૌલિક વેદાંત - ‘અક્ષરપુરુષોત્તમ દર્શન’ તરીકે સમર્થન આપ્યું હતું. આજે એ જ રીતે આ સંમેલનનો મંચ પણ અક્ષરપુરુષોત્તમ દર્શનને એક મૌલિક તત્ત્વજ્ઞાન તરીકે વધાવે છે.
ભદ્રેશદાસ સ્વામીએ જણાવ્યું હતું,‘ આ અક્ષરપુરુષોત્તમ દર્શન ભગવાન સ્વામિનારાયણની એક મૌલિક ભેટ છે. તેમણે સરળ અને સમૃદ્ધ સંસ્કૃત ભાષામાં પ્રભાવક સંબોધન કરીને ઉપનિષદો, ભગવદ્ ગીતા, બ્રહ્મસૂત્ર અને ભગવાન સ્વામિનારાયણનાં વચનામૃતોના આધારે વૈદિક અક્ષરપુરુષોત્તમ દર્શનની અદ્ભુત સમજૂતી આપી હતી. તેમણે ઉમેર્યું હતું, ‘અક્ષરપુરુષોત્તમ દર્શનનો સાર એટલો જ છે કે પુરુષોત્તમ પરમાત્માની અક્ષરરૂપ થઈને દાસભાવે ભક્તિ કરવી. અક્ષરબ્રહ્મના પ્રગટ સ્વરૂપ સમાન ગુરુ દ્વારા આ આધ્યાત્મિક દર્શન જીવનમાં સિદ્ધ થાય છે.’
સમારોહના પ્રારંભે યુનિવર્સિટી ઓફ પેન્સિલવેનિયાના શ્રી દેવેન પટેલે જણાવ્યું હતું કે, ‘આધુનિક સમયમાં અક્ષરપુરુષોત્તમ દર્શન એક નૂતન આવિષ્કાર છે. તેને આપણે આવકારીએ છીએ. સંસ્કૃત ફિલોસોફીના ક્ષેત્રે થયેલી આ અદ્ભુત ઐતિહાસિક તથા નૂતન સિદ્ધિને સત્કારતાં વર્લ્ડ સંસ્કૃત કોન્ફરન્સ ગૌરવ અનુભવે છે. છેલ્લાં ૧૨૦૦ વર્ષમાં કોઈ એક જ આચાર્યે સંપૂર્ણ પ્રસ્થાનત્રયી પરનાં ભાષ્યો અને વાદગ્રંથ લખ્યો હોય તો તે માત્ર ભદ્રેશદાસ સ્વામી છે. આપણે ખૂબ ભાગ્યશાળી છીએ કે શંકરાચાર્ય, રામાનુજાચાર્ય, મધ્વાચાર્ય, નિમ્બાર્કાચાર્ય, વલ્લભાચાર્ય જેવા મહાન આચાર્યોની પરંપરાના ભાષ્યકાર ભદ્રેશદાસ સ્વામી આજે આપણી વચ્ચે ઉપસ્થિત છે.’
યુનિવર્સિટી ઓફ પેન્સિલવેનિયાના પ્રસિદ્ધ વિદ્વાન શ્રી જ્યોર્જ કાર્ડોનાએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, ‘શાસ્ત્રીય સંસ્કૃત ભાષ્યોની પરંપરામાં ભદ્રેશદાસ સ્વામી દ્વારા લિખિત પ્રસ્થાનત્રયીનાં ભાષ્યો ખૂબ અસરકારક અને સ્પષ્ટતાથી અક્ષર અને પુરુષોત્તમની અદ્ભુત સમજ આપે છે.’
બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાના આંતરરાષ્ટ્રીય સંયોજક પૂજ્ય ઈશ્વરચરણદાસ સ્વામીએ વિશ્વ સંસ્કૃત સંમેલનના મહાન કાર્યની પ્રશંસા કરી હતી અને સંસ્કૃતના સંશોધન અને તે ભાષા શીખવવાને પ્રોત્સાહન આપ્યું હતું.
૧૦ જુલાઈને મંગળવારે અક્ષરપુરુષોત્તમ દર્શન વિશે ખાસ સત્ર યોજાયું હતું. તેમાં પ્રાધ્યાપકો અને વિદ્વાન સ્વામીઓએ ભાગ લીધો હતો અને તેમના શોધપત્રો રજૂ કર્યા હતા. સાંજે અક્ષર પુરુષોત્તમ દર્શન વિદ્વત ગોષ્ઠિનું આયોજન કરાયું હતું. તેમાં વિદ્વાનોએ અક્ષરપુરુષોત્તમ દર્શનની અસર વિશે ચર્ચા કરી હતી.

