વિવાદોનું બીજું નામ ડોનાલ્ડ ટ્રમ્પ-વૈશ્વિક જમાદાર

Tuesday 17th July 2018 14:17 EDT
 

રોમન સમ્રાટ જુલિયસ સીઝર માટે એક શબ્દસમૂહનો ઉપયોગ કરાય છે કે ‘હી કેમ, હી સો એન્ડ હી કોન્કર્ડ’ એટલે કે ‘તે આવ્યો, તેણે નજર ફેરવી અને બધાને જીતી લીધા’ એમ કહી શકાય. જો આ જ શબ્દસમૂહ યુએસ પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ માટે વાપરવો હોય તો સીઝરની ક્ષમા સાથે કહી શકાય કે, ‘હી કેમ, ધે સો એન્ડ ધે હેટેડ હીમ.’ ટ્રમ્પની યુકે મુલાકાત સામે હજારો લોકોએ બોલકો વિરોધ કર્યો છે. છતાં, પ્રાઈમ મિનિસ્ટર થેરેસા મેએ ઘરઆંગણે ભારે વિરોધ થઈ રહ્યો છે તેવી પોતાની બ્રેક્ઝિટ યોજના વિશે ટ્રમ્પનું અનુમોદન મેળવવા તેમને અછોવાના કર્યા છે તે નજરે પડે છે. આથી જ, પ્રસન્ન થયેલા જમાદાર ટ્રમ્પે તમે જે કાંઈ કરશો તે બરાબર છે પણ અમારા વેપારનું ધ્યાન અવશ્ય રાખજો એવી ગર્ભિત ચેતવણી પણ આપી જ દીધી છે.
વર્તમાન ઈતિહાસમાં પ્રેસિડેન્ટ ટ્રમ્પ ક્યારે શું નિવેદન આપશે અને ક્યારે તે નિવેદનમાંથી ફરી જશે તે કહી શકાય નહિ. ભારત સહિતના રાજકારણીઓ માટે આ વાત સાચી છે પરંતુ, આ તો જગતના જમાદારની વાત છે. ટ્રમ્પ વિવાદોનું બીજું નામ છે. બ્રિટનની મુલાકાતે આવેલા ટ્રમ્પે બ્રિટિશ અખબારને આપેલી મુલાકાતમાં જ ઉશ્કેરણીજનક નિવેદનો આપ્યા હતા. તેમણે વડા પ્રધાન થેરેસા મેની સોફ્ટ બ્રેક્ઝિટ યોજનાનો સખ્ત વિરોધ પણ કર્યો અને આવા સંજોગોમાં યુએસ અને યુકે વચ્ચે વેપારીસોદા અશક્ય હોવા સુધીની ધમકી પણ આપી જ દીધી. જોકે, અહીં આવી તેઓ બદલાઈ જ ગયા અને આ અખબારી મુલાકાતને ફેક ન્યૂઝ તરીકે જાહેર કરી દીધી. વાત અહીં અટકતી નથી. મહારાણી સાથેની મુલાકાતમાં પણ ટ્રમ્પે યુએસના પ્રમુખને છાજે તેવો વ્યવહાર કર્યો નથી. બગીચામાં ટહેલતા હોય તેમ ટ્રમ્પે ગાર્ડ ઓફ ઓનરનું નીરિક્ષણ કર્યું હતું અને પ્રોટોકોલ વિસારી મહારાણીની આગળ ને આગળ ચાલતા રહ્યા હતા. આ તેમની ભૂલ નહિ પરંતુ, ઘમંડનું પ્રદર્શન જ કહી શકાય.
આ માત્ર યુકેની વાત નથી. તાજેતરમાં બ્રસેલ્સ ખાતે નાટો દેશોની બેઠકમાં પોતાની જ અનુકૂળતા નિહાળતા ટ્રમ્પે જર્મનીના ચાન્સેલર એન્જેલા મર્કેલને ક્ષોભજનક પરિસ્થિતિમાં મુકી દીધા હતા. જર્મની અને રશિયા વચ્ચે ઘનિષ્ઠ સંબંધોથી પેટ કુટતા ટ્રમ્પે જર્મની રશિયાનું ખંડિયું રાષ્ટ્ર હોવા સુધીના આક્ષેપો લગાવી દીધા હતા. આ જ ટ્રમ્પે જી-૭ દેશોની બેઠકમાં રશિયાને ફરી આ જૂથમાં સામેલ કરવાની સૂચન કર્યું હતું, જેને જર્મનીએ ફગાવી દીધું હતું. યુક્રેનને ક્રીમિયા સાથે જોડવાના પગલાના વિરોધમાં રશિયાને ૨૦૧૪માં આ ગ્રૂપમાંથી દૂર કરાયું હતું. આ જ રીતે, જી-૭ બેઠકના અંતે કેનેડા સામે અપ્રામાણિકતાનો આરોપ લગાવી પ્રેસિડેન્ટ ટ્રમ્પ સંયુક્ત નિવેદનમાં ભાગ લેવાનો ઈનકાર કરી સિંગાપોર જવા ઉપડી ગયા હતા.
સમગ્ર વિશ્વને વેપારયુદ્ધમાં ઝોંકી દઈ ટ્રમ્પ તેના તાપણાથી તાપી રહ્યા છે. અમેરિકાના માલસામાન પર અન્ય દેશો ભારે ડ્યૂટી લાદી રહ્યા હોવાનો આરોપ લગાવી ચીન, કેનેડા, ભારત, જાપાન અને યુરોપિયન સંઘ સહિતના દેશો પર આકરી ડ્યૂટી લાદવાની શરૂઆત કરી છે. તેમના આ પગલાંથી વિશ્વવેપાર ખોરવાઈ જશે તેની ચિંતા તેમને હોય તેમ લાગતું નથી. ઈરાનના ક્રૂડ ઓઈલની ખરીદીના મામલે પણ તેમણે ભારત અને ચીન સહિતના દેશો સામે તલવાર ઉગામી તેમના પર પ્રતિબંધો લાદવાની ધમકી પણ આપી છે તે વાતના તરંગો હજુ હવામાં જ છે.
ડોનાલ્ડ ટ્રમ્પ અને રશિયન પ્રમુખ વ્લાદિમીર પુટિન વચ્ચે હેલસિન્કી ખાતે બેઠક યોજાઈ તે અગાઉ ટ્રમ્પે રશિયાને અમેરિકાનું પુરાણું શત્રુ ગણાવ્યું છે. તેમણે તે યુરોપિયન યુનિયનને પણ અમેરિકાનો દુશ્મન ગણાવેલ છે. જોકે, રશિયા ચોક્કસ બાબતોમાં જ દુશ્મન હોવાની સ્પષ્ટતા પણ તેમણે કરી છે. પુટિન સાથેની બેઠક અગાઉ, તેમણે રશિયા સાથે ખરાબ સંબંધો બદલ અમેરિકાના પૂર્વ પ્રમુખોને જવાબદાર ગણાવી દીધા હતા. આમ, ટ્રમ્પ એકસાથે બેમોંઢાની વાત કરવામાં માહિર છે. યુએસ ચૂંટણીમાં રશિયાએ ભજવેલી ભૂમિકાનાં મુદ્દે પણ બેઉ બળિયાનું વલણ કેવું હશે તેની હજુ ખબર નથી. તરંગી તઘલખ જેવા ટ્રમ્પ કઈ દિશામાં જશે અને વિશ્વમાં સૌને ક્યાં લઈ જશે તે તરફ જ સૌની નજર રહેલી છે.


comments powered by Disqus