ન્યૂ યોર્કઃ તમે કેટલા દિવસે નખ કાપો છો? બે-ચાર દિવસે? દસ-બાર દિવસે? નખ કાપ્યા વગર પંદર દિવસ તો બહુ થઇ ગયા ખરુંને?! પણ શ્રીધર ચિલ્લાલની વાત અલગ છે. તેમણે બાર-પંદર દિવસે, મહિને કે વરસે નહીં, પૂરા ૬૬ વર્ષે નખ કાપ્યા છે. એક હાથમાં સૌથી લાંબા નખનો વિશ્વવિક્રમ ધરાવતા શ્રીધર ચિલ્લાલે તેમની આગવી ઓળખ જેવા નખ કપાવી નાખ્યા છે.
આ નખ માટે શ્રીધરે બે વર્ષ અગાઉ ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં સ્થાન મેળવ્યું હતું. તેમના અંગૂઠાના નખની લંબાઇ ૧૯૭.૮ સેન્ટીમીટર (૬ ફૂટ ૪૯ સેન્ટીમીટર) જ્યારે બધા નખની કુલ લંબાઇ ૯૦૯.૬ સેન્ટીમીટર (૨૯ ફૂટ ૮૪ સેન્ટીમીટર) થાય છે. ૧૯૩૮માં જન્મેલા ૮૨ વર્ષીય શ્રીધરે ૧૯૫૨ બાદ ક્યારેય ડાબા હાથના નખ કાપ્યા નહોતા. તેમના આ નખ ટાઇમ્સ સ્ક્વેરમાં આવેલા વિખ્યાત 'બિલીવ ઇટ ઓર નોટ મ્યુઝિયમ'માં યોજાયેલા એક ખાસ કાર્યક્રમમાં કાપવામાં આવ્યા હતા. શ્રીધરને તેમના નખ પ્રત્યે અનહદ પ્રેમ હોવાથી તેમણે પોતાના કપાયેલા નખ મ્યુઝિયમમાં જ સાચવીને રાખવાનો અનુરોધ કર્યો છે.
શ્રીધર ચિલ્લાલ મૂળ પૂણેના રહેવાસી છે. તેમના નખ કાપવાના કાર્યક્રમ માટે તેમને ભારતથી ખાસ અમેરિકા બોલાવવામાં આવ્યા હતા, જેથી તે પ્રસંગને યાદગાર બનાવી શકાય. શ્રીધર ચિલ્લાલના નખને હવે મ્યુઝિયમમાં પ્રદર્શનાર્થે મૂકવામાં આવ્યા છે.
એક જીદે રચ્યો વિશ્વવિક્રમ
શ્રીધર ચિલ્લાલે ડાબા હાથના નખ ૧૯૫૨ પછી ક્યારેય કાપ્યા નથી, પણ નખ નહીં કાપવા પાછળની જીદનું કારણ શું છે? શાળામાં અભ્યાસ કરતા શ્રીધરના શિક્ષકને લાંબા નખ રાખવાનો શોખ હતો. એક વખત શ્રીધરની ભૂલના કારણે તેના શિક્ષકના લાંબા નખ તૂટી ગયા. શિક્ષકને ખૂબ જ ગુસ્સો ચઢ્યો અને તેમણે શ્રીધરને સખત માર માર્યો હતો. શિક્ષકના આ વલણથી રોષે ભરાયેલા શ્રીધરે નખ વધારવાનું શરૂ કર્યું. ગુસ્સામાં કરેલો નિર્ણય સમયાંતરે સૌથી લાંબા નખ કરવાની લગનમાં પરિણમ્યો અને તેમના નામે વિશ્વવિક્રમ નોંધાયો.

