લંડનઃ નશો કરીને કાર હંકારીને અકસ્માત સર્જ્ર્યા બાદ ૯૧ વર્ષીય પૌલીન હોરિગને ડ્રાઈવિંગ છોડી દેવાની પ્રતિજ્ઞા લીધી હતી. તે દેશની સૌથી વૃદ્ધ શરાબી ડ્રાઈવર હોવાનું મનાય છે. ગયા મહિને પૌલીને એસેક્સના કોલ્ચેસ્ટરમાં તેની ઔડી કાર લાઈટના થાંભલા સાથે અથડાવી દીધી હતી. તે બાદ બ્રેથલાઈઝર ટેસ્ટમાં તે નિષ્ફળ રહી હતી. તેના શરીરમાં કાયદેસર ૩૫ ની સામે ૪૭ માઈક્રોગ્રામ્સ શરાબ જણાયો હતો. વેસ્ટ મેર્સીના પૌલિનનો બચાવ કરતા ગ્રેહામ બ્રાઉને જણાવ્યું હતું કે પૌલીને છેલ્લા ૭૬ વર્ષથી એક પણ અકસ્માત કર્યા વિના ડ્રાઈવિંગ કર્યું છે. જોકે, પૌલિનનું લાયસન્સ રદ કરીને ૩૧૯ પાઉન્ડનો દંડ કરાયો હતો. અગાઉ ૮૮ વર્ષીય ડેવિડ બાય સૌથી વૃદ્ધ ડાર્ઈવર મનાતા હતા. ૨૦૧૩માં સફોકમાં ફેલિક્સ્ટોવ નજીકથી તેમની ધરપકડ કરાઈ હતી.

