‘સન્ડે ટાઈમ્સ HSBC ટોપ ટ્રેક ૧૦૦’ માં બેસ્ટવે ગ્રૂપ ૧૦મા સ્થાને

Monday 16th July 2018 06:20 EDT
 
 

લંડનઃ સન્ડે ટાઈમ્સ દ્વારા ગઈ ૮ જુલાઈએ પ્રસિદ્ધ થયેલા વાર્ષિક ટોપ ટ્રેક સર્વેમાં બેસ્ટવે ગ્રૂપને ખાનગી માલિકીની ૧૦મી સૌથી મોટી કંપની તરીકે જાહેર કરાઈ હતી. આ યાદીમાં બેસ્ટવે ગ્રૂપ £૩.૨૯ બિલિયન સાથે ૧૦મા ક્રમે રહ્યું છે. આ યાદીમાં યુકેની ખાનગી માલિકીની સૌથી મોટી ૧૦૦ કંપનીઓની સફળતાની નોંધ લેવાય છે.

૧૯૭૬માં સર અનવર પરવેઝ દ્વારા સ્થપાયેલી અને હાલ ચીફ એક્ઝિક્યુટિવ ઝમીર ચૌધરી CBE SI Pkના નેતૃત્વ હેઠળ ચાલતી કંપનીનો વેપાર ચાર ખંડમાં વિસ્તરેલો છે અને વિશ્વભરમાં તેના ૩૮,૦૦૦ કર્મચારીઓ છે. ગ્રૂપમાં યુકેની બીજી સૌથી મોટી હોલસેલર બેસ્ટવે હોલસેલ, યુકેની ત્રીજી સૌથી મોટી ફાર્મસી ચેઈન વેલ ફાર્મસી, પાકિસ્તાનના સૌથી મોટા સિમેન્ટ ઉત્પાદક બેસ્ટવે સિમેન્ટ લિમિટેડ અને પાકિસ્તાનની બીજી સૌથી મોટી ખાનગી બેંક યુનાઈટેડ બેંક લિમિટેડનો સમાવેશ થાય છે.

ચૌધરી CBE SI Pkએ જણાવ્યું હતું કે સર્વેમાં ૧૦મું સ્થાન મળવાથી ખૂબ આનંદ થયો છે અને તે જ વતન અને વિદેશમાં ગ્રૂપની અવિરત સફળતા દર્શાવે છે. બેસ્ટવે માટે હાલનું વર્ષ ખૂબ સારું રહ્યું છે અને અમે અમારા તમામ બિઝનેસમાં મૂડીરોકાણ ચાલુ રાખ્યું છે. યુકેના રિટેઈલ સેક્ટરમાં અમે સક્રિય છીએ અને ગયા વર્ષે નવેમ્બરમાં પામર એન્ડ હાર્વીના ભંગાણને લીધે સર્જાયેલી ડામાડોળ પરિસ્થિતિ દરમિયાન બેસ્ટવે હજારો રિટેલરને મદદરૂપ બની શકી તેનું અમને ગૌરવ છે.

તેમણે ઉમેર્યું હતું કે તાજેતરમાં હસ્તગત કરવામાં આવેલા બિઝનેસીસને લીધે ગ્રૂપના ટર્નઓવરમાં વાર્ષિક ૫૦૦ મિલિયન ડોલરનો વધારો થશે. એક્વિઝિશન સ્ટ્રેટેજીના ભાગરૂપે અમે ૨૦૧૮માં યુકેમાં ૩,૦૦૦ નોકરી બચાવી છે તેનો અમને આનંદ છે.

ચેરિટેબલ પ્રવૃત્તિઓનું સંચાલન કરતા બેસ્ટવે ફાઉન્ડેશને અત્યાર સુધીમાં વિશ્વમાં ચેરિટીના કાર્ય પાછળ ૩૫ મિલિયન ડોલરનું દાન આપ્યું છે.


comments powered by Disqus