વોશિંગ્ટનઃ યુએસની કંપની વિટામિનવાટર એક અનોખી સ્પર્ધા લઈને આવી છે. કંપનીએ જાહેરાત કરી છે કે જે કોઇ પણ વ્યક્તિ એક વર્ષ સ્માર્ટફોન વિના રહીને બતાવશે તેને ૭૨ લાખ રૂપિયાનું ઇનામ અપાશે. કંપનીએ આ જાહેરાત સ્પષ્ટ કર્યું છે કે સ્માર્ટફોનનો ઉપયોગ ન કરવાનો મતલબ એ નથી સ્પર્ધામાં ભાગ લેનારાને ફોન પર વાત કરવાની પણ મંજૂરી નહીં મળે. કંપની સ્પર્ધામાં સિલેક્ટ થયા બાદ ૧૯૯૬ના સમયનો એક ફોન આપશે, જેનો વાત કરવા માટે ઉપયોગ કરી શકાશે.
સ્પર્ધામાં ભાગ લેવા માટે ૨૨ જાન્યુઆરીથી પહેલા હેશટેગ નોફોનફોરયર અને હેશટેગ કોન્ટેસ્ટ સાથે ટ્વિટ કરવાની રહેશે. સાથે જ એ પણ જણાવવાનું રહેશે કે તમારે ફોનથી બ્રેક શા માટે જોઈએ છે? બાકીનો સમય તમે શું કરશો? તમે એ પણ જણાવી શકો છો કે ૭૨ લાખ રૂપિયા મળતા તમે શું કરશો? ત્યાર બાદ ૩૬૫ દિવસ સુધી તમને સ્માર્ટફોનનો ઉપયોગ કરવાની મંજૂરી નહીં મળે. તમે પોતાનો અથવા તો કોઈ મિત્ર અથવા પરિવારના સભ્યનો પણ સ્માર્ટફોન વાપરી શકશો નહીં. તેના માટે તમારે એક કોન્ટ્રાક્ટ પણ સાઈન કરવાનો રહેશે.
જોકે આ સ્પર્ધાનું સારું પાસું એ પણ છે કે કંપની તમને લેપટોપ અને ગૂગલ હોમ વગેરેનો ઉપયોગ કરતા અટકાવશે નહીં. જે પણ વ્યક્તિ આ સ્પર્ધા માટે યોગ્ય હશે તેણે લાઇ ડિટેક્ટર ટેસ્ટમાંથી પસાર થવું પડશે.
આ ટેસ્ટમાં સતત ૬ મહિના પાસ થયા બાદ જ ૭૨ લાખ રૂપિયાનું ઇનામ અપાશે. ઉલ્લેખનીય છે કે મોબાઈલ ફોનનું એડિકશન સતત દેશ-દુનિયામાં વધી રહ્યું છે. યુવાનો અને બાળકો ઝડપથી તેની ઝપટમાં આવી રહ્યાં છે.

