કેનેડા અને ખાલિસ્તાની ત્રાસવાદનું જોખમ

Tuesday 18th December 2018 12:59 EST
 

કેનેડા સરકારે તેમના દેશમાં ખાલિસ્તાની ત્રાસવાદ ફરી માથું ઉંચકી રહ્યો હોવાનો ભય વ્યક્ત કર્યો છે. કેનેડાની નેશનલ સિક્યુરિટી અને ઈન્ટેલિજન્સ સંસદીય સમિતિની પબ્લિક સેફ્ટી કેનેડાએ તાજેતરમાં જ જાહેર કરેલા વાર્ષિક ટેરરિઝમ થ્રેટ રિપોર્ટ ૨૦૧૮માં દેશને કેનેડાસ્થિત ખાલિસ્તાની અલગતાવાદીઓ દ્વારા પણ જોખમ હોવાનું જણાવ્યું છે. કેનેડાને કટ્ટરવાદી ઈસ્લામિક ત્રાસવાદીઓ તરફથી મોટા પાયે જોખમ છે જ પરંતુ, ભારતમાં અલગ દેશની માગણી કરતા ખાલિસ્તાનીઓનું જોખમ પણ ઓછું નથી. કેનેડાએ આતંકવાદ સાથે સંકળાયેલા મનાતા સંગઠનો બબ્બર ખાલસા ઈન્ટરનેશલ અને ઈન્ટરનેશનલ શીખ યુથ ફેડરેશન પર પ્રતિબંધો મૂકેલા છે પરંતુ, સમર્થકો ખાલિસ્તાની આંદોલન ફરી ચેતનવંતુ કરવાના પ્રયાસ કરી રહ્યા છે. કેનેડા ઉપરાંત, યુકે, પાકિસ્તાન અને અમેરિકામાં ખાલિસ્તાન સમર્થકોનું પ્રમાણ અને જોર વિશેષ છે.
રિપોર્ટમાં સ્પષ્ટપણે જણાવાયું છે કે, ‘કેનેડાને વ્યક્તિગ ધોરણે આંતકવાદ પ્રેરિત હિંસક હુમલાનું સૌથી મોટું જોખમ છે. જેમાં જમણેરી વિચારધારા ધરાવતા લોકો, શિયા ઈસ્લામિસ્ટ અને શીખ આતંકવાદીઓ (ખાલિસ્તાની) તરફથી સૌથી વધુ જોખમ રહેલું છે. કેટલાક કેનેડિયન નાગરિકો હજુ પણ ખાલિસ્તાની વિચારધારા અને આતંકવાદી, ચળવળને સમર્થન કરવા સાથે જ નાણાકીય મદદ પણ કરી રહ્યા છે. આ આતંકવાદી વિચારધારા ધરાવતા જૂથ હજુ પણ અસ્તિત્વમાં છે.’ કેનેડામાં બે શીખ સંસ્થાઓ- બબ્બર ખાલસા ઈન્ટરનેશનલ અને ઈન્ટરનેશનલ શીખ યુથ ફેડરેશનને ક્રિમિનલ કોડ અંતર્ગત આતંકવાદી સંસ્થાઓની યાદીમાં સામેલ કરાયેલી છે. ઉલ્લેખનીય છે કે કેનેડામાં જ ઘડાયેલા કાવતરાને અંજામ આપી ખાલિસ્તાની આતંકવાદીઓએ ૧૯૮૫માં એર ઈન્ડિયાના વિમાન પર હુમલો કર્યો હતો, જેમાં ૩૩૧ લોકોનાં મોત થયા હતા.
કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ ગત ફેબ્રુઆરીમાં ભારતની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન કેનેડાના હાઈ કમિશનમાં વડા પ્રધાન ટ્રુડોના સત્તાવાર કાર્યક્રમમાં ભારતીય મૂળના કેનેડિયન જસપાલ અટવાલની હાજરીએ વિવાદ જગાવ્યો હતો. કેનેડાની નેશનલ સિક્યુરિટી અને ઈન્ટેલિજન્સ સંસદીય સમિતિએ અટવાલના ક્રિમિનલ રેકોર્ડ વિશે તેને શા માટે માહિતી આપવામાં ન આવી તે અંગે રોયલ કેનેડિયન માઉન્ટેડ પોલીસનો ભારે ઉધડો લઈ નાખ્યો છે. પંજાબના કેબિનેટ મિનિસ્ટર મલ્કૈતસિંહ સિધુ ૧૯૮૬માં વાનકુવરની મુલાકાતે ગયા ત્યારે અટવાલે તેમની હત્યાનો પ્રયાસ કર્યો હતો. અટવાલના ખાલિસ્તાની સંપર્કોના કારણે જ ટ્રુડોએ ખાલિસ્તાનીઓની આળપંપાળ ચાલુ રાખી હોવાનું જણાવી ભારત સરકારે સ્પષ્ટ નારાજગી દર્શાવી હતી અને તેમની મુલાકાતને વિશેષ મહત્ત્વ અપાયું ન હતું.
પાકિસ્તાન પણ ખાલિસ્તાની અલગતાવાદીઓને ઉત્તેજન આપવામાં જરા પણ તક ચુકતું નથી. શીખ શ્રદ્ધાળુઓ માટે કરતારપુર કોરીડોરનો શિલાન્યાસ કરાયો ત્યારે ખાલિસ્તાની નેતા ગોપાલ ચાવલા પણ પાકિસ્તાની લશ્કરી વડા બાજવા સાથે જોવા મળ્યો હતો.


comments powered by Disqus