આપણા સુંદર દેખાવમાં વાળની મહત્ત્વની ભૂમિકા હોય છે. તેથી જ લોકો આકર્ષક દેખાવવા જાત-જાતની હેરસ્ટાઇલ રાખતા હોય છે પણ અફસોસ એ વાતનો છે કે વધતી ઉંમર સાથે વાળ ધીમે-ધીમે ખરવા લાગે છે. મહિલાઓની તુલનાએ પુરુષોના વાળ નાની ઉંમરમાં ખરવા માંડે છે. તમે પણ ખરતા વાળની સમસ્યાથી પરેશાન હો તો હવે વધુ દુઃખી થવાની જરૂર નથી, કેમ કે તાજેતરમાં એક અહેવાલમાં દાવો કરાયો છે કે હવે ટાલ પર ફરી વાળ ઊગાડી શકાશે.
સંશોધકોનું કહેવું છે કે ઇજાને લીધે કે અન્ય કોઈ કારણસર ગાયબ થઈ ચૂકેલા વાળ ફરી ઉગાડવાની તરકીબ તેમણે શોધી લીધી છે. ન્યૂ યોર્ક સ્કૂલ ઓફ મેડિસીનના સંશોધકોએ વાળ ખરવાની અને ટાલની સમસ્યાઓનો ઉકેલ મગજમાં સોનિક હેજહોગ પાથવેને સક્રિય કરીને મેળવ્યો છે.
અહેવાલ અનુસાર બાળક માતાના ગર્ભમાં હોય છે ત્યારે સોનિક હેજહોગ સૌથી વધુ એક્ટિવ હોય છે અને તેના પરિણામે વાળના મૂળિયા આસપાસની કોશિકાઓનું નિર્માણ થાય છે પણ જખ્મી ત્વચા કે ઉંમર વધવાના કારણે તેનું નિર્માણ અટકી જાય છે.
દુનિયાભરના પુરુષોમાં ૨૫ વર્ષની ઉંમર બાદ જ્યારે ૪૦ ટકા મહિલાઓમાં ૪૦ની ઉંમર બાદ વાળ ખરવાની સમસ્યા શરૂ થાય છે. આ અભ્યાસ ઉંદરો પર કરવામાં આવ્યો હતો, જેમાં તેમની ડેમેજ્ડ સ્કિન અને ફાઇબ્રોબ્લાસ્ટ નામની કોશિકાઓની તપાસ કરવામાં આવી હતી.
આ કોશિકાઓમાંથી નીકળતું કોલેજન એક પ્રકારનું પ્રોટીન છે, જે વાળની મજબૂતી જાળવી રાખવામાં મદદ કરે છે. સ્ટડીના લીડ રિસર્ચર ડો. માયુમી ઇતોએ મગજમાં રહેલા, મગજની કોશિકાઓ વચ્ચે સિગ્નલ મોકલવામાં મદદ કરતા સોનિક હેજહોગને સક્રિય કર્યા હતા.
આ અભ્યાસમાં જાણવા મળ્યું હતું કે કોશિકાઓ વચ્ચે સિગ્નલ મળતાં જ ચાર અઠવાડિયામાં જ ઉંદરો પર નવેસરથી વાળ ઉગવા લાગ્યા હતા. વૈજ્ઞાનિકોને અત્યાર સુધી એવું લાગતું હતું કે ડેમેજ થઈ ચૂકેલી સ્કિનમાં કોલેજન બનવાના કારણે વાળનો ગ્રોથ અટકી જાય છે પણ નવા અભ્યાસે આ વાતને ખોટી સાબિત કરી છે.
ડો. માયુમીનું કહેવું છે કે વાળ વધવા કે ખરવા પાછળ ખરેખર તો કોશિકાઓ જવાબદાર હોય છે. બાળક માતાના ગર્ભમાં હોય ત્યારે આ કોશિકાઓ સૌથી વધુ સક્રિય હોય છે પણ ઉંમરના વધવા સાથે સાથે તે નબળી પડવા લાગે છે. અભ્યાસના આધારે માલૂમ પડ્યું કે સોનિક હેજહોગને સક્રિય કરીને વાળને ત્રણ ગણા જલદી વધારી શકાય છે. નિષ્ણાતો કહે છે કે વાળ વધારતી દવા બનાવવામાં આ સ્ટડી ઉપયોગી બનશે.

