તમારો સાથી, મિત્ર કે કોઇ સ્વજન પીડા અનુભવતું હોય તો તેનો હાથ તમારા હાથમાં રાખો. તેને પીડામાં રાહત થઈ જશે. આનું કારણ શું? નિષ્ણાતો કહે છે કે પ્રેમ-લાગણી-હૂંફ કુદરતી પેઇન કિલરનું કામ છે. બે પ્રેમીઓ એકબીજાના હાથમાં હાથ પરોવી રાખે ત્યારે હૃદયના ધબકારા અને શ્વાસોચ્છવાસ પણ નિયમિત થઈ જાય છે. સંશોધકોએ અભ્યાસમાં સામેલ દંપતીને પૂછ્યું હતું કે પ્રેમિકાને પીડા થતી હોય ત્યારે પ્રેમીના સ્પર્શનો અનુભવ કેવો લાગે છે. આ અભ્યાસમાં જણાયું હતું કે જ્યારે પ્રેમી પ્રેમિકાનો હાથ પકડે છે ત્યારે પ્રેમિકાને દર્દનો ઓછો અહેસાસ થાય છે. આ જ યુગલ જ્યારે એકબીજાની પડખે બેઠું હોય છે ત્યારે આવો અનુભવ થતો નથી. વિજ્ઞાનીઓના મતે પ્રિય વ્યક્તિ જ્યારે હાથમાં હાથ પરોવે છે ત્યારે મગજનાં ઇન્ટિરિયર સિગ્યુલેટ કોર્ટેક્સ ભાગ સક્રિય થાય છે. શરીરનો આ હિસ્સો જ આપણને દર્દનો અહેસાસ કરાવે છે.
યુનિવર્સિટી ઓફ કોલોરાડોના ડો. પાવેલ ગોલ્ડસ્ટેઇન કહે છે કે, સાથીનો પ્રેમ જેટલો વધુ પ્રબળ હોય તેટલું દર્દશમન વધુ અસરકારક હોય છે. ગોલ્ડસ્ટેઇને આ અભ્યાસ માટે ૨૩થી ૩૨ વર્ષની વયનાં ૨૨ યુગલોને પસંદ કર્યા હતા. પુરુષોને નિરીક્ષકોની ભૂમિકામાં રાખ્યા હતા જ્યારે મહિલાઓને દર્દની અસર જાણવા માટે રાખવામાં આવી હતી. હૃદય તથા શ્વાસના બીટ જાણવા માટે સાધનોનો ઉપયોગ કરાયો હતો. આ યુગલોના એકબીજાના હાથમાં હાથ પરોવીને તેમજ એકબીજાથી અલગ રૂમમાં રાખીને આ નિરીક્ષણો લેવાયાં હતાં. આ અભ્યાસનાં તારણો અનુસાર ચાહકના હાથમાં હાથ રાખવાથી દર્દની અસર ઓછી થતી હોવાનું અનુભવાય છે.
પ્રેમીનો સ્પર્શ મગજને કઈ રીતે અસર કરે છે?
ડો. ગોલ્ડસ્ટેઇને એવું નોંધ્યું છે કે ઉત્તેજના વેળા મગજનાં ઇન્ટિરિયર સિગ્યુલેટ કોર્ટેક્સ ભાગ સક્રિય થાય છે. મગજનો આ હિસ્સો જ આપણને દર્દનો અહેસાસ કરાવે છે. ઉપરાંત એ જ હૃદયના કામને પણ નિયંત્રિત કરતો હોય છે. જોકે નર - માદાનાં યુગલમાં જ આ દર્દ ઓછું થતું જોવા મળ્યું હતું. સમાન સેક્સનાં લોકોમાં આવી રાહત થયાનું જણાયું નહોતું. તેમણે સ્પર્શ દરમિયાન મગજનાં તરંગોની સક્રિયતા ચકાસી હતી.

