એક બિશપના ‘અધર્મ’ સામે નન (સાધ્વી)નો જંગ

Tuesday 18th September 2018 15:43 EDT
 

આજકાલ પશ્ચિમી દેશોમાં હોલિવૂડની ફિલ્મ ‘ધ નન’ ધૂમ મચાવી રહી છે. તો ભારતમાં કેરળની નન (ખ્રિસ્તી સાધ્વી) અખબારોમાં છવાઇ છે. એક જ સપ્તાહમાં કરોડો ડોલરની કમાણી કરી લેનારી ‘ધ નન’ની કથાના કેન્દ્રસ્થાને શેતાન વિરુદ્ધ ચર્ચનો જંગ છે. ફિલ્મમાં પાદરીને નહીં, પણ નનને શેતાન સામે લડતી દર્શાવાઇ છે. તો કેરળમાં રોમન કેથલિક ચર્ચની નને પોતાનું જાતીય શોષણ કરનાર શેતાન જેવા બિશપ સામે જંગ છેડ્યો છે. દરેક ધર્મ મહિલાઓનું સન્માન કરવાનો ઉપદેશ તો આપે છે, પણ ધર્મગુરુ જ શોષણ કરવા લાગે તો મહિલાએ જવું ક્યાં? મહંત, મૌલવી, કે બિશપ કે ગુરુ વખતોવખત તેમની સામે સ્ત્રીઓના જાતીય શોષણના આરોપો મૂકાતા રહ્યા છે. જોકે કેરળની પીડિતા નનના કિસ્સામાં કરુણતા એ છે કે બે વર્ષથી તે ન્યાય માટે ભટકી રહી છે, પણ કોઇ તેને સાંભળવા તૈયાર નથી. પુરાવાઓ સાથે રજૂઆત છતાં બિશપ ફ્રેન્કો મુલક્કલ સામે કોઇ કાર્યવાહી ન થતાં છેવટે આ નન સહિત પાંચ નનને ઇસા મસિહના માતા વર્જિન મેરીના જન્મદિન ૮ સપ્ટેમ્બરે કેરળના કોટ્ટાયમ જિલ્લાના કુરાવિલન્દમાં ધરણાં યોજીને પોલીસ તંત્ર સામે જાહેર આક્રોશ વ્યક્ત કર્યો છે.
પીડિતા નને પોતાની સાથે થયેલા જાતીય અત્યાચારો અંગે રોમન કેથલિક ચર્ચના સર્વોચ્ચ વડા પોપ ફ્રાન્સિસના ભારત ખાતેના પ્રતિનિધિને સાત પાનનો પત્ર પાઠવીને કરેલી રજૂઆત વાંચીને કોઇનું પણ હૃદય દ્રવી ઉઠે તેવું છે. પીડિતાનું કહેવું છે કે હું મારી સમસ્યા અંગે ફરિયાદ લઇને ચર્ચના અધિકારીઓ પાસે ગઇ હતી, પરંતુ કોઇએ તેના પર ધ્યાન આપ્યું નથી... બાળપણથી અમને કહેવામાં આવ્યું છે કે મહિલાઓ માટે ચર્ચ માતા સમાન છે, પરંતુ આજે અમને લાગે છે કે ચર્ચ અમારા માટે ઓરમાન માતા છે. અહીં મહિલાઓનું શોષણ થાય છે... નનનો આરોપ છે કે બિશપ મુલક્કલે ૨૦૧૪થી ૨૦૧૬ દરમિયાન કુરાવિલન્દના કોન્વેન્ટ ગેસ્ટ હાઉસમાં તેના પર ૧૫ વખત બળાત્કાર ગુજાર્યો છે. પોલીસની પ્રાથમિક તપાસમાં પણ પુરવાર થયું છે કે બિશપે પોતાના પ્રભાવનો ઉપયોગ કરીને નનની ઇચ્છા અને સંમતિ વગર જાતીય સંબંધો બાંધ્યા છે. છતાં બિશપ સામે કોઇ પગલાં લેવાયા નથી.
એક નને ચર્ચની કાર્યપદ્ધતિ અને તેના વડા જેવા બિશપ સામે ગંભીર આક્ષેપ કર્યા છે છતાં પીડિતાના સમર્થનમાં કોઇ નેતા કે પક્ષ આગળ આવ્યો નથી. આથી ઉલ્ટું નેતાઓ આ કિસ્સામાંથી રાજકીય લાભ ખાટવાના કામે લાગ્યા છે કેમ કે કેરળમાં લગભગ ૩૭ ટકા વસ્તી ખ્રિસ્તી સમુદાયની છે. કેરળની કુંજર બેઠકના અપક્ષ ધારાસભ્ય પી. સી. જ્યોર્જે તો એક પત્રકાર પરિષદ યોજીને પીડિતા નન માટે અણછાજતો શબ્દપ્રયોગ કરતાં કહ્યું હતું કે બે વર્ષ સુધી કોઇની સાથે શારીરિક સંબંધ રાખનારીને શું તમે નન કહો છો? તે અત્યાર સુધી ચૂપ કેમ રહી? એક નન વર્જિન હોય છે અને જો નન પોતાની વર્જિનિટી ગુમાવે તો તેને નન કહેવી ના જોઇએ. ધારાસભ્યે તો પીડિતા નનની સાથે ધરણાંમાં જોડાઇને બિશપ સામે બળાત્કારનો આક્ષેપ કરનારી બીજી ત્રણ નનના ચારિત્ર્ય સામે પણ આંગળી ઉઠાવી છે. જ્યોર્જે એવો વાણીવિલાસ કર્યો છે કે સમગ્ર કેસની તપાસ કરતાં પહેલાં આ બધી નનની વર્જિનિટી તપાસીને તે પવિત્ર છે કે નહીં તે જોવું જોઇએ. આ છે આપણા નેતાઓની હલ્કી માનસિક્તા. આટલો હોબાળો થયા બાદ ફ્રેન્કો મુલક્કલે અત્યારે બિશપ પદ તો છોડી દીધું છે, પરંતુ જાતીય શોષણનો ભોગ બનેલી પીડિતા નનને ન્યાય મળશે કે કેમ અને મળશે તો ક્યારે મળશે એ તો સમય જ કહેશે.


comments powered by Disqus