કાઠિયાવાડી કન્યાના શિરે મિસ કેન્યાનો તાજ

Wednesday 19th September 2018 07:27 EDT
 
 

જામનગરઃ જિલ્લાના ખારા-બેરાજા ગામના વતની અને હાલ આફ્રિકાના કેન્યાના પાટનગર નાઇરોબીમાં વ્યાવસાર્થે સેટલ થયેલા વિશા ઓશવાળ જૈન પરિવારની ૨૪ વર્ષીય પુત્રી ફિનાલી ગલૈયાએ મિસ વર્લ્ડ કેન્યાનો તાજ જીતીને ભારતીય સમાજનું ગૌરવ વધાર્યું છે. હવે ફિનાલી મિસ વર્લ્ડ બ્યુટી કોન્ટેસ્ટમાં કેન્યાનું પ્રતિનિધિત્વ કરીને મિસ વર્લ્ડમાં ભાગ લેનારી પ્રથમ ભારતીય-આફ્રિકન બનશે.
તાજેતરમાં નાઈરોબીના વેસ્ટલેન્ડ મીલ ખાતે બ્યુટી કોન્ટેસ્ટ યોજાઈ હતી. જેમાં ૨૬ સુંદરી વચ્ચે આ પ્રતિષ્ઠિત ટાઇટલ માટે આકરી સ્પર્ધા હતી. ફિનાલી આફ્રિકન કોમ્યુનિટીમાં વિધવા બહેનોના ઉત્થાન અને પુનર્વસન ક્ષેત્રે લાંબા સમયથી કાર્યરત છે. સમાજસેવામાં વિશેષ રુચિ ધરાવતી ફિનાલીએ પ્રશ્નોતરી રાઉન્ડમાં વિવિધ વિષયો પર પોતાના વિચારો રજૂ કરીને જજીસ પેનલને પ્રભાવિત કરી હતી. ઝાકઝમાળભર્યા ઇવેન્ટમાં ફિનાલીને મિસ વર્લ્ડ કેન્યાનો તાજ વર્ષ ૨૦૧૭ની વિજેતા મેગ્લાઈ જેરુટોએ પહેરાવ્યો હતો.

મિસ વર્લ્ડમાં બે ગુજરાતી સુંદરીની ટક્કર

ગયા પખવાડિયે મુંબઇમાં યોજાયેલી મિસ વર્લ્ડ - ઇંડિયા કોન્ટેસ્ટમાં મુંબઇની ગુજરાતી યુવતી નેહલ ચુડાસમા વિજેતા જાહેર થઇ હતી. મોડેલિંગમાં વિશેષ રુચિ ધરાવતી નેહલ ફિટનેસ ટ્રેનર છે તો ફિનાલી સમાજ-સેવા ક્ષેત્રે સક્રિય છે. હવે બેંગકોકમાં યોજાનારી મિસ વર્લ્ડ બ્યૂટી કોન્ટેસ્ટમાં પ્રથમ વખત બે ગુજરાતી યુવતી ટકરાશે.


comments powered by Disqus