લંડનઃ કાર્ડિફના અગ્રણી બિઝનેસમેન રાજ અગ્રવાલ રોયલ નેવીના ઓનરરી લેફ્ટનન્ટ કમાન્ડર બન્યા છે. નેવીમાં આ સન્માન મેળવનારા તેઓ પ્રથમ ભારતીય છે. તેઓ વેલ્સમાં ભારતના ઓનરરી કોન્સુલ તરીકે પણ સેવા આપી રહ્યા છે.
ક્વીન એલિઝાબેથ દ્વિતીયની મંજૂરીને પગલે એડમિરલ સર ફિલીપ જોન્સ KCB,ADC દ્વારા રાજની નિમણુંક થઈ હતી. તેમને મળેલો આ હોદ્દો આર્મીના મેજરની સમકક્ષ છે.
રાજ અગ્રવાલને આ સન્માન અપાયું તે પ્રસંગે સેક્રેટરી ઓફ સ્ટેટ ફોર વેલ્સ એલન કેર્ન્સ, વેલ્સમાં રોયલ નેવીના વડા રોયલ મરીન્સ બ્રિગેડિયર ગ્રીમ ‘જોક’ ફ્રેઝર, સાઉથ ગ્લેમોર્ગનના લોર્ડ લેફ્ટનન્ટ મોર્ફડ મેરેડીથ, HMS કેમ્બ્રીયાના કો - કમાન્ડર સ્ટીવ ફ્રાય, કાર્ડિફના લોર્ડ મેયર ડિયાન રીસ અને ઈન્ડિયન નેવી તરફથી કોમોડોર સમીર સક્સેના ઉપસ્થિત રહ્યા હતા. આર્મ્ડ ફોર્સીસ સાથેના સંબંધ મજબૂત બનાવવા અન્ય કેટલીક સેલિબ્રિટીઝને આવું ઓનરરી પદ અપાયું છે જેમાં કેરોલ વોડરમેન, બેયર ગ્રીલ્સ, ડેન શો, સર રોબિન નોક્સ-જહોન્સ્ટન, લોર્ડ સ્ટર્લિંગ અને સર ક્રિસ હોયનો સમાવેશ થાય છે.
રોયલ મરીન્સ બ્રિગેડિયર ગ્રીમ ‘જોક’ ફ્રેઝરે જણાવ્યું હતું કે રાજ અગ્રવાલ નેવલ સર્વિસિસના શ્રેષ્ઠ મિત્ર અને સમર્થક છે અને તેમની નિમણુંકથી સમુદાય અને રોય લ નેવીના સંબંધ વધુ ગાઢ બનશે. અમે વિવિધતાના મૂલ્યને બીરદાવીએ છીએ અને અમારા તમામ સમુદાયોના લોકોની ઘરે તેમજ વિદેશમાં સેવા કરીએ છીએ.
રોયલ નેવલ મેલા તરીકે આ સત્તાવાર ઉજવણી સમારોહનું તા. ૧૬ સપ્ટેમ્બરે વેલ્સમાં આવેલા એકમાત્ર રોયલ નેવીના બેઝHMS કેમ્બ્રીયા પર આયોજન કરાયું હતું. તેમાં વેલ્સના ભારતીય સમુદાયના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ભારતીય કલાકારોએ પરંપરાગત લોકગીત સંગીત અને લોકનૃત્ય રજૂ કર્યા હતા.

