ઈન્ડોનેશિયામાં સતત ફાટ-ફાટ થતાં જ્વાળામુખીની કોઈ નવાઈ નથી, પરંતુ નવાઈની વાત ‘માઉન્ટ બ્રોમો’ નામના સાડા સાત હજાર ફૂટ ઊંચા જ્વાળામુખી પર્વતની ટોચે જોવા મળે છે. અહીં વર્ષોથી ગણેશજીની મૂર્તિનું સ્થાપન થયેલું છે! મંદિરમાં સતત અગરબત્તી ચાલુ રહેતી હોય એમ અહીં તો ધૂપ માટે ચોવીસેય કલાક જવાળામુખી ફૂંફાડા મારતો રહે છે. ઈન્ડોનેશિયામાં ભારતીય સંસ્કૃતિનો પ્રચંડ પ્રભાવ છે અને રામાયણ ત્યાં અનેક સ્વરૂપે ભજવાતી રહે છે. આથી પોણા બે ટકા કરતાં ઓછી હિન્દુ વસતી હોવા છતાં ત્યાં હિન્દુ ધર્મની ધજા ફરકતી રહે છે. ગણેશજી તો ઠીક બર્મા જ્વાળામુખીનું નામ જ આપણા બ્રહ્મા ઉપરથી પડ્યું છે. અહીં નિયમિત રીતે હિન્દુ તહેવારોની ઊજવણી થાય છે અને જ્વાળામુખી પર્વતની તળેટીમાં તો મેળો પણ ભરાય છે. આ પર્વત જાવા ટાપુનો હિસ્સો છે અને જાવામાં રહેતા ‘ટેન્જરીજ’ સમુદાયના લોકોએ જ્વાળામુખીથી પોતાનું રક્ષણ કરવા માટે ગણપતિબાપ્પાની આ મૂર્તિની સ્થાપના કર્યાનું મનાય છે. આ જ્વાળામુખી પર્વત પ્રવાસીઓમાં ઘણો લોકપ્રિય છે, માટે જ્વાળાનું તાપમાન કેટલું વધારે-ઓછું છે તેના આધારે સરકાર પ્રવાસીઓને ત્યાં જવાની પરવાનગી આપે છે. અહીં પ્રવાસીઓ માટે ખાસ જ્વાળામુખીની રાખમાંથી બનેલી ગજાનનની મૂર્તિઓ પણ વેચાય છે. ઉલ્લેખનીય છે કે ગણેશજીને ઈન્ડોનેશિયામાં ૨૦,૦૦૦ની ચલણી નોટ પર પણ સ્થાન મળ્યું છે.

