બોચાસણવાસી શ્રી અક્ષર પુરુષોત્તમ સ્વામીનારાયણ સંસ્થા (BAPS) ના વડા પ.પૂ. મહંત સ્વામી હાલ અમદાવાદ ખાતે હરિભક્તોને સત્સંગનો લાભ આપી રહ્યા છે. તેમની પ્રાતઃપૂજાના દર્શન માટે મોટી સંખ્યામાં હરિભક્તો ઉમટે છે. ગયા સપ્તાહ દરમિયાન સ્વામીશ્રીએ વિવિધ કાર્યક્રમોનો લાભ આપ્યો હતો.
ગુરુવારને તા.૧૩ સપ્ટેમ્બરે પૂ. મહંત સ્વામીની જન્મ જયંતિની ‘ગુરુ ભક્તિ દિન’ તરીકે ઉજવણી કરવામાં આવી હતી. સંતો અને હરિભક્તો દ્વારા તેમની ૮૫મી જન્મજયંતીની ધામધૂમપૂર્વક ઉજવણી કરાઈ હતી. પૂ. મહંત સ્વામીએ આશીર્વચન પાઠવતા જણાવ્યું હતું કે સાચા સત્પુરુષનો યોગ થાય તો આત્મજ્ઞાન પ્રાપ્ત થાય છે. તેમણે સૌને સંપ, સદભાવ અને એકતાના ગુણોને વધુ દ્રઢ બનાવવાની શીખ આપી હતી. તા.૧૫ને શનિવારે ‘સમજણ દિન’ની ઉજવણી કરવામાં આવી હતી. જીવનમાંથી તણાવ અને હતાશામાંથી મુકિત મેળવવા માટે શું કરવું જોઈએ તેનું વિદ્વાન સંતોએ હરિભક્તોને પ્રેરક પ્રવચન અને ઉદાહરણો દ્વારા માર્ગદર્શન આપ્યું હતું. તા.૧૬ને રવિવારે પૂ. મહંત સ્વામીની પ્રેરક ઉપસ્થિતિમાં ‘યુવા દિન’ની ઉજવણી કરવામાં આવી હતી. તેમાં યુવાનોએ સંવાદ અને પરંપરાગત નૃત્ય પણ રજૂ કર્યા હતા. સંગીતજ્ઞ સંતો અને યુવાનોએ વિવિધ ભક્તિપદો પણ પ્રસ્તુત કર્યા હતા. તા.૧૭ને સોમવારે ‘ગ્રામ્ય દિન’ની ઉજવણી કરવામાં આવી હતી. વિદ્વાન સંતોએ વિશેષ પ્રવચનો દ્વારા ગામડાઓનું મહત્ત્વ સમજાવ્યું હતું. તા.૧૮ને મંગળવારે ‘શિશુદિન’ની ઉજવણી કરવામાં આવી હતી. તેમાં બાળકને નાનપણથી જ સારા સંસ્કાર અને સારું વર્તન શીખવાડીને તેમનું જીવન કેવી રીતે સુખમય અને આનંદમય બનાવી શકાય તેના વિશે વિદ્વાન સંતોએ પ્રવચનો સાથે હરિભક્તોને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. બાળકોએ સંવાદ તેમજ નૃત્યનો કાર્યક્રમ રજૂ કર્યો હતો. તે નિહાળીને પૂ. મહંત સ્વામી ખૂબ પ્રભાવિત થયા હતા અને તમામને બીરદાવ્યા હતા. પૂ.મહંત સ્વામી તા.૨૩ સપ્ટેમ્બરને રવિવાર સુધી અમદાવાદમાં વિરાજશે.

