લંડનઃ યુકેમાં ૧૮થી ૨૪ વર્ષની વચ્ચેના યુવાનો અત્યારે ફેસબુકમાંથી નીકળી જઈને તેના પ્રતિસ્પર્ધી સ્નેપચેટ સાથે જોડાઈ રહ્યા છે. તેના લીધે સ્નેપચેટ ૨૦૧૮ના અંત સુધીમાં ફેસબુકને પાછળ પાડી દેશે તેમ નિષ્ણાતોએ જણવ્યું હતું.
૧૮થી ૨૪ની વયના ૩,૫૦,૦૦૦ નવા યૂઝર્સ સ્નેપચેટ તરફ જઈ રહ્યા છે. એવો અંદાજ પણ છે કે આ નવા યૂઝરો સાથે યુકેમાં સ્નેપચેટના યૂઝરોની સંખ્યા ૫૦ લાખની આસપાસ પહોંચી જશે. આ ફેરફાર યુવાનોમાં ફેસબુકથી દૂર જવાના વૈશ્વિક ટ્રેન્ડને પગલે આવ્યો છે. વિશ્વભરમાં ફેસબુકના ૨.૨૩ બિલિયન યૂઝરોમાંથી સ્નેપચેટ ભાગ પડાવી રહ્યું છે.
પ્યુ રિસર્ચ સેન્ટરના અભ્યાસના તારણ મુજબ ૧૩થી ૧૭ની વયના ૫૧ ટકા અમેરિકનો ફેસબુકનો ઉપયોગ કરે છે, જોકે ૨૦૧૫માં પ્યુ રિસર્ચ સેન્ટરના હેવાલ કરતાં ઘટાડો દેખાડતો હતો. એ વખતે ફેસબુકના યૂઝરોની સંખ્યા ૭૧ ટકા હતી. એમ્પેરે એનાલિસિના અલગ અભ્યાસમાં જણાયું હતું કે વૈશ્વિક ધોરણે ૧૮થી ૨૪ની વયના ૪૪ ટકા યુવાનો સ્નેપચેટનો ઉપયોગ કરે છે, તેની સરખામણીમાં એ આંકડો ફેસબુક માટે ફક્ત ૨૦ ટકા જ છે.
યુવાનો સ્નેપચેટને કેમ પસંદ કરે છે?
૨૦૧૧માં પહેલી વખત આ પ્લેટફોર્મ લોન્ચ થયું ત્યારથી ઊછરેલી યુવાપેઢીમાં સ્નેપચેટ વધુ લોકપ્રિય થઈ રહ્યું છે. સ્નેપચેટની સફળતા પાછળ એપની ફિલ્ટર્સ, લેન્સિસ અને બિટમોજી જેવા ક્રિએટિવ અને ઇન્ટરએક્ટિવ ફીચર મહત્ત્વની ભૂમિકા ભજવી રહ્યા છે. યુવાનોમાં સ્નેપચેટની લોકપ્રિયતા પાછળ ફેસબુક, ટ્વિટર,ઇન્સ્ટાગ્રામની સરખામણીએ પ્રાઇવસી અને શેર થતી સામગ્રીનું અસ્થાયીપણું હોવાનું કેટલાંક માને છે.

