ભારતની જાહેર ક્ષેત્રની બેન્કોની ૯૦૦૦ કરોડ રૂપિયાથી વધુ રકમ ઓળવીને નાસતાફરતા વિજય માલ્યાએ વિવાદાસ્પદ નિવેદન કરીને રાજકીય વંટોળ સર્જયો છે. પરંતુ સાચી વાત તો એ છે કે ના તો માલ્યાના એ નિવેદનમાં દમ છે કે તે ભારત છોડતાં પહેલાં ‘સેટલમેન્ટ’ માટે નાણાં પ્રધાનને મળ્યો હતો. અને ના તો નાણાં પ્રધાન અરુણ જેટલીની સ્પષ્ટતામાં એટલી સચ્ચાઈ છે કે માલ્યાને ભગાડવાના આરોપોમાંથી તેમને સાવ નિર્દોષ મુક્ત કરી શકાય. બન્નેના નિવેદનો પરથી સ્પષ્ટ થઇ ગયું છે કે મુલાકાત થઇ હતી, જે ઔપચારિક નહોતી. હવાલા ચેનલ મારફતે ભારત બહાર નાણાં મોકલવા અને પ્રત્યાપર્ણ મામલાની લંડનમાં સુનાવણી દરમિયાન માલ્યાએ વેસ્ટ મિન્સ્ટર કોર્ટ બહાર પત્રકારો સામે જ્યારે આ દાવો કર્યો ત્યારે ચોક્કસપણે તે જાણતો જ હશે કે તે એક રાજકીય બોમ્બ ફોડી રહ્યો છે. તરત જ આની અસર જોવા મળી. જેટલીએ પણ સીધોસીધો ઇન્કાર કરવાના બદલે માલ્યાના દાવાને તથ્યોના આધારે ખોટો ઠરાવ્યો છે. મુલાકાત માટે સમય આપવામાં નથી આવ્યો તે એક એવી હકીકત છે જે નજરઅંદાજ થઇ શકે તેમ નથી. પરંતુ અહીં લાખ રૂપિયાનો સવાલ તો એ છે કે શું આવા ‘સેટલમેન્ટ’ સંવાદો ઔપચારિક અનુમતિ લઇને કરવામાં આવતા હોય છે?! સંસદ સંકુલમાં થયેલી આવી અનૌપચારિક મુલાકાત દરમિયાન શું વાત થઇ તેના વિશે આ બન્ને સિવાય બીજું કોણ કહી શકવાનું છે? આથી જ આવી વાતોને મુદ્દો બનાવીને ગમેતેટલો હોબાળો મચાવાય તેનો અર્થ નથી.
કાનૂન સાથે ચેડાં કરનારાઓ અને નેતાઓની સાંઠગાંઠ હવે કંઇ નવાઇની વાત નથી. આ મુદ્દે દેકારો કરવાના બદલે વધુ આવકાર્ય એ છે કે માલ્યા, નીરવ મોદી કે મેહુલ ચોકસી જેવા આરોપીને દેશ છોડીને ભાગી જતા અટકાવવા કાયદા-કાનૂનમાં રહેલાં છીંડા પૂરવાની જરૂર છે. આ ત્રણેય લાંબા સમયથી તપાસ એજન્સીઓના રડારમાં હતા છતાં દેશ છોડીને ભાગી જવામાં સફળ રહ્યા છે. આજે ૨૩ વ્યાવસાયિકો ભારતમાં આર્થિક ગોબાચારી આચરીને દરિયાપારના દેશોમાં જઇ બેઠા છે. આ ભાગેડુઓ સામે ભારતીય બેન્કોના કુલ ૯૦ હજાર કરોડ રૂપિયા ઓળવી જવાનો આરોપ છે.
ભાજપના સાંસદ સુબ્રમણ્યમ સ્વામી ‘અસંતુષ્ટ’નું લેબલ ધરાવે છે અને જેટલીના વિરોધી પણ ગણાય છે, પરંતુ આટલામાત્રથી તેમણે ઉઠાવેલા એક મુદ્દાને નજરઅંદાજ કરી શકાય તેમ નથી. તેમનું કહેવું છે કે માલ્યાના કિંગફિશર જૂથનું કરોડો રૂપિયાનું આર્થિક ભોપાળું ખુલ્લું પડ્યા તેની સામે ‘લુકઆઉટ’ નોટિસ જારી કરીને તેના પાસપોર્ટને ‘બ્લોક’ કેટેગરીમાં મૂકાયો હતો. આથી તેના માટે દેશ બહાર જવાના દરવાજા બંધ થઇ ગયા હતા. જોકે વર્ષ ૨૦૧૫માં ‘લુકઆઉટ’ નોટિસનું સ્ટેટસ ‘બ્લોક’થી બદલીને માત્ર ‘રિપોર્ટ’ કરી દેવાયું. મતલબ કે અધિકારીઓએ માલ્યાને દેશ છોડી જતાં રોકવાનો નહોતો, પરંતુ માત્ર તેની મૂવમેન્ટ પર નજર રાખીને જે તે એજન્સીઓને જાણ કરવાની હતી. સ્વામીની માગ છે કે હવે તપાસ થવી જોઇએ કે નોટિસમાં બદલાવ કોના કહેવાથી થયો હતો?
આવો જ બીજો એક તપાસનો મુદ્દો એ છે કે ૨૦૧૦માં - પૂરોગામી કોંગ્રેસ સરકારના શાસનકાળ દરમિયાન માલ્યાને નિયમોમાં બાંધછોડ કરીને વિશેષ છૂટછાટ અપાઇ હતી. નિયમો હળવા બનાવીને આ ડિફોલ્ટર બિઝનેસમેનને કર્જ આપવાનો માર્ગ આખરે કોના કહેવાથી મોકળો કરાયો હતો? કિંગફિશર આર્થિક સંકટનો સામનો કરી રહી હતી છતાં બેન્કોએ તેની તરફદારી કરી હતી.
સંયોગવશાત્ માલ્યાનો વિવાદાસ્પદ દાવો એ દિવસે જ માધ્યમોમાં ચમક્યો છે જ્યારે સુપ્રીમ કોર્ટે કલંકિત સાંસદો-વિધાનસભ્યોના કિસ્સામાં તેનો આકરો અભિગમ સ્પષ્ટ કર્યો છે. કોર્ટે લોકપ્રતિનિધિને સંડોવતા કેસોની ત્વરિત સુનાવણી માટે વિશેષ અદાલતો સ્થાપવા તમામ હાઇ કોર્ટ અને રાજ્ય સરકારોને જણાવ્યું હતું. જેના અમલમાં ઊણી ઉતરેલી ૧૮ રાજ્યોની હાઇ કોર્ટ અને રાજ્યના ચીફ સેક્રેટરી પાસે કોર્ટે જવાબ માંગ્યો છે. કાનૂનને ઠેંગો દેખાડનારા સંસદ ગૃહ અને વિધાનસભામાં બેસવા લાગે છે ત્યારે પોતાની વગનો ઉપયોગ કરવામાં કોઇ કસર છોડતા નથી. સંસદમાં જેટલી-માલ્યાની અનૌપચારિક મુલાકાત રાજકીય વગનો ગેરલાભ ઉઠાવવાની કોશિશનું તાજું ઉદાહરણ છે.
